Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ફેસબૂક-ટિકટોકના માધ્યમથી રાજકોટના શખ્સની જાળમાં ફસાયેલી સુરતની યુવતિને ગાંધીગ્રામ પોલીસે છોડાવી

યુવતિને સુરતથી રાજકોટ લઇ આવ્યો હતોઃ સોશિયલ મિડીયા પર આંબા આંબલી દેખાડ્યા હતાં: પણ યુવતિને બાદમાં ખબર પડી કે આ શખ્સ છુટક મજૂરી કરતો હતો અને ઘરનું ઘર પણ નથીઃ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ પીપરોતર અને ટીમની મહેનત લેખે લાગી : સોશિયલ મિડીયામાં આંધળુકીયા કરતી બહેન દિકરીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

રાજકોટ તા. ૧૪: સોશિયલ મિડીયા એક એવું માધ્યમ છે જે આજના યુગમાં અત્યંત જરૂરી છે. સારા કામો પણ આ માધ્યમથી થાય છે અને કેટલાક દુરૂપયોગ પણ કરતાં હોય છે. સુરતની એક યુવતિ રાજકોટના એક છોકરા સાથે ફેસબૂક અને ટિકટોકના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ તેની મોહજાળમાં ફસાઇ ગઇ હતી. જે તે વખતે આંબા આંબલી દેખાડનારો આ શખ્સ હકિકતમાં સામાન્ય મજૂરી કરતો હતો અને ઘરનું ઘર પણ નહોતું. દિકરીને આ ઢગો સુરતથી રાજકોટ લાવ્યા બાદ તેણીને સાચી હકિકતની જાણ થતાં આ શખ્સથી છુટકારો મેળવવા પોલીસની મદદ લીધી હતી. ગાંધીગ્રામ પોલીસે તેણીને મદદ કરી આ શખ્સની ચુંગાલમાંથી છોડાવી તેના વાલીવારસને સોંપી હતી.

આજના સમયમાં સોશિયલ મિડીયાનો આડેધડ ઉપયોગ કરી ગમે તેની સાથે પ્રેમજાળમાં ફસાઇ જતી બેહન દિકરીઓને ચેતવણી આપતા આ કિસ્સાની વિગત એવી છે કે સુરતની એક યુવતિનો સંપર્ક ટિકટોક અને ફેસબૂક મારફત રાજકોટના શખ્સ સાથે થયો હતો. તે વખતે તેણે પોતે ખુબ જ માલદાર હોવાની અને ૨૦ હજાર કમાતો હોવાની વાતો કરી હતી. પ્રેમમાં ફસાયેલી આ યુવતિ બાદમાં તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જતાં બંને ભરૂચમાં મળ્યા હતાં. એ પછી આ શખ્સ તેણીને સુરતથી રાજકોટ લાવ્યો હતો.

પરંતુ બાદમાં તેણીને ખબર પડી હતી કે પોતે જેને સર્વસ્વ સોંપવા તૈયાર થઇ એ છોકરો તો કોન્ટ્રાકટ પર સામાન્ય મજૂરી કરે છે અને ઘરનું ઘર પણ નથી. પોતાની ભુલ સમજાતાં તેણીએ તેની ચુંગાલમાંથી છુટવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો આ છોકરો તેણીને પરત જવા ન દઇ હેરાન કરતો હોઇ યુવતિએ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળાનો સંપર્ક કરી વિતક વર્ણવી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ વાળા, પીએસઆઇ એ. વી. પિપરોતર, એએસઆઇ મેરામભાઇ ડાંગર, હેડકોન્સ. હીરાભાઇ રબારી, મહેશભાઇ કછોટ, શિવભદ્રસિંહ જાડેજા, કોન્સ. ભુમિબેન સોલંકી સહિતે છોકરાને બોલાવી તેની પુછતાછ કરતાં અંતે તેણે ભુલ સ્વીકારી હતી અને યુવતિને મુકત કરી હતી. પોલીસે તેણીના વાલીવારસ સુધી તેણીને પહોંચાડી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કર્યુ હતું.

(3:45 pm IST)