Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જમીન માફીયાના કાયદા હેઠળના ગુનામાં આરોપીની ત્રીજી જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટના મોટામૌવાના સર્વે નં. ૧૮૦ની સરકારી ખરાબાની જમીન અંગે રાજકોટ કલેકટર કચેરી અને ગાંધીનગર મહેસુલ વિભાગના દસ્તાવેજો પોતાના કોમ્પ્યુટરમા બનાવી આપી ફરીયાદીને સરકારી જમીન અનઅધિકૃત રીતે વેચી આપવાના કૌભાંડમાં આરોપી જયેશ નાગજીભાઈ ડાભીની જામીન અરજી સ્પેશ્યલ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે મોટામૌવા ગામમાં રહેતા અશ્વિન પરસાણાને રેવન્યુ સર્વે નં. ૧૮૦ની સરકારી ખરાબાની જમીન સરકાર પાસેથી વેચાણે લેવી હોય તેઓનો આરોપી કેતન વોરા અને બહાદુરસિંહ ચૌહાણે સંપર્ક કરેલ અને રૂપિયા બે કરોડની કિંમત નક્કી કરી રૂપિયા તોંતેર લાખ ફરીયાદી પાસેથી મેળવેલ હતા. આ રકમ મેળવ્યા બાદ આરોપીઓ કેતન વોરા અને બહાદુરસિંહે હાલના અરજદાર આરોપી જયેશ નાગજીભાઈ ડાભી પાસે જઈ સરકારી જમીન ફાળવવાના હુકમો તેમજ ૭/૧૨, ૮-અ જેવા રેવન્યુ દસ્તાવેજો તૈયાર કરાવી તેમા સરકારી અધિકારી તથા કલેકટરશ્રીના સિક્કાઓ મારી ફરીયાદીને વોટસએપથી મોકલી આપેલ હતા. ફરીયાદી અશ્વિનભાઈને આ દસ્તાવેજની ખરાઈ અંગે શંકા ઉપજતા તેઓએ રાજકોટ તાલુકા મામલતદારને આ દસ્તાવેજની ખરાઈ અંગે તપાસ કરવા જણાવેલ. મામલતદાર શ્રી કથીરીયાને આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનુ જણાય આવતા તેઓએ તત્કાલ કલેકટરશ્રીની જાણમાં આ હકીકત મુકી પોલીસમાં ફરીયાદ કરેલ હતી. મદદનિશ પોલીસ કમિશ્નરે આ ગુન્હાની તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન આ તમામ દસ્તાવેજો આરોપી કેતન વોરા અને બહાદુરસિંહે હાલના અરજદાર આરોપી જયેશભાઈ નાગજીભાઈ ડાભીની ઓફિસે તેઓના કોમ્પ્યુટરમાં તૈયાર કરેલ હોવાનું જણાયેલ હતું.

સરકાર તરફે દલીલ વખતે જણાવવામાં આવેલ હતુ કે હાલના અરજદાર આરોપી કોઈ અજ્ઞાની કે અભણ વ્યકિત નથી. પોતાના કોમ્પ્યુટરમાં આ દસ્તાવેજો તૈયાર કરતી વખતે તેઓને પુરેપુરી સમજ અને જાણ હતી કે સહઆરોપીઓ કેતન વોરા અને બહાદુરસિંહ કોઈ સરકારી અધિકારીઓ નથી અને તેમ છતા તેઓ રાજકોટ કલેકટર ઓફિસ અને ગાંધીનગર મહેસુલ વિભાગના દસ્તાવેજો તૈયાર કરાવી રહેલ છે. રૂપિયા તોતેર લાખ જેવી માતબર રકમ ફરીયાદી પાસેથી લેવામાં આવેલ હોય ત્યારે હાલના અરજદાર આરોપીનો પણ આ રકમમાં મોટો ભાગ હોય તેવી ધારણા થઈ શકે અને અન્ય દસ્તાવેજો પણ અન્ય પ્રકરણોમાં તેઓએ બનાવેલ છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે. આ રીતે અરજદાર આરોપીનો રોલ અન્ય આરોપીઓથી જરા પણ ઓછો ન હોય તેવો આજીવન કેદની સજાને પાત્ર ગુન્હાના આરોપી છે તેથી જામીન અરજી રદ થવી જોઈએ.આ તમામ રજૂઆતો ધ્યાનમાં લઈ ઘુસણખોરી વિરૂદ્ધના કાયદા હેઠળ નિમાયેલ સ્પે. કોર્ટના જજ સાહેબે આરોપીની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં શ્રી સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(11:47 am IST)