Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

EVMના બેલેટ પેપરમાં ભાજપનું કમળ મોટું રાખવાનો વિવાદ વકર્યો : કોંગ્રેસની પંચને ફરીયાદ

જો કે રાજ્ય ચૂંટણી પંચની હજુ કોઇ તપાસ આવી નથી : કોંગી આગેવાનોમાં દેકારો : પંજાનું ચીન્હ જાણી જોઇને નાનુ રાખવાના આક્ષેપો તંત્ર કહે છે આ તો ૨૦૧૫થી ચાલ્યુ આવે છે : કેન્દ્ર એ નક્કી કરેલો સીમ્બોલ જેમનો તેમ દરેક R.O.એ વાપર્યો છે

રાજકોટ તા. ૧૫ : રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં સીમ્બોલ અંગે ભારે વિવાદ ઉભો થયો છે, બાબત એવી છે કે, EVM ઉપરના બેલેટ પેપરમાં ભાજપનું ચૂંટણી ચીન્હ કમળ મોટું હોવાનું અને કોંગ્રેસનો પંજો જાણી જોઇને નાનો રાખ્યાની ફરીયાદ કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને કરતા ભારે ચર્ચા જાગી છે.

કોંગ્રેસના ડો. હેમાંગ વસાવડાએ ચૂંટણીપંચને ફરીયાદ કરી છે કે તંત્રે ભાજપની શેહમાં આવીને જાણી જોઇને પંજો નાનો રાખ્યો છે જેથી કરીને મતદારોને આ ચિન્હ ઝડપથી દેખાય નહી, જો રાજ્ય ચૂંટણી પંચ આ બાબતે કોઇ પગલા ન લે તો અમે આગળની કાર્યવાહી કરીશું.

દરમિયાન આ બાબતે સ્થાનિક જવાબદાર અધિકારીઓને પૂછતા તેમણે જણાવેલ કે, આવી કોઇ બાબત નથી, આ તો ૨૦૧૫માં પણ આ પ્રકારે અને આવડો સીમ્બોલ હતો, કેન્દ્ર સરકારે નક્કી કરેલ સાઇઝ પ્રમાણેનો સીમ્બોલ રાખ્યો છે, જેનું અમે પાલન કર્યું છે. ચૂંટણી પંચની તપાસ છે કે કેમ તે અંગે તેમણે જણાવેલ કે આવી કોઇ હાલ તપાસ આવી નથી અને કોઇ ખુલાસો પણ પૂછાયો નથી, કેન્દ્રએ નક્કી કરેલ સીમ્બોલ તેની સાઇઝ મુજબ જે તે આર.ઓ.એ વાપર્યો છે.

(3:19 pm IST)