Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આર.ટી.ઓ. પાસે 'હિટ એન્ડ રન' : અજાણ્યા વાહનની હડફેટે રામસિંહભાઇ ચૌહાણનું મોત

અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો : પરિવારમાં શોક

રાજકોટ,તા. ૧૫ : શહેરની આર.ટી.ઓ કચેરી પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત નિપજતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજસ્થાન પાલીના રાઇશ ખુર્દના વતની હાલ રાજકોટ આર.ટી.ઓ ઓફીસ પાછળ શ્રીરામ પાર્ક મેઇન રોડ પર રહેતા રામસિંહ ગોવિંદસિંહ ચૌહાણ (ઉવ.૪૦) પરમ દિવસે રાત્રે પોતાના ઘરેથી નિકળી આર્યનગરમાં રહેતા મોટાભાઇ મનોહરસિંહના ઘરે જવા માટે જતા હતા. ત્યારે આર.ટી.ઓ કચેરી પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે ઉલાળતા યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થવાથી તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું. અકસ્માત સર્જી ચાલક વાહન લઇ ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ તથા રાજાભાઇએ સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા મૃતક રામસિંહભાઇના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે મૃતકના નાનાભાઇ મહેન્દ્રસિંહ ગોવિંદસિંહ ચૌહાણની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.આઇ. એમ.બી. ઔસુરાએ તપાસ હાથ ધરી છે.

(3:08 pm IST)