Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આર્મ્સ એકટ અને દારૂના ગુનામાં ચાર માસથી ફરાર પિયુષ લીંબાસીયાને અંતે ક્રાઇમ બ્રાંચે પકડી લીધો

આરએમસીની ચૂંટણીની આગલી રાતે કુવાડવા અને ડીસીબી પોલીસમાં બે ગુના નોંધાયા હતાં : પિયુષના કોંગી કાર્યકર પત્નિ ચાંદની લીંબાસીયા અને બિપીન દવેની જે તે વખતે ધરપકડ થઇ હતીઃ રાજસ્થાન, નાથદ્વારા, ઋષીકેશ સહિતના ધાર્મિક સ્થળોએ છુપાતો રહ્યાનું પિયુષનું રટણઃ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમની કામગીરી : ફરાર રહ્યો એ સમય દરમિયાન પિયુષે રાજકોટ સેસન્સ કોર્ટ, અમદાવાદ હાઇકોર્ટ અને છેલ્લે દિલ્હી સુપ્રિમ કોર્ટ સુધી આગોતરા જામીન મેળવવા લડી લીધું: પણ સરકારી વકિલની સચોટ કાયદાકીય લડત સામે પિયુષના હાથ હેઠા પડ્યા'તાઃ છેલ્લે કલમ-૭૦ મુજબ વોરન્ટ ઇશ્યુ થયું હતું

રાજકોટ તા. ૧૫: ચાર મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીની આગલી રાતે એટલે કે તા. ૨૦-૨૧/૨/૨૧ના રોજ પેડક રોડ નારાયણનગર-૧માં રહેતાં કોંગ્રેસના કાર્યકર ચાંદનીબેન પિયુષભાઇ લીંબાસીયાના ઘરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં ચાંદનીબેનનો પતિ પિયુષ પ્રેમજીભાઇ લીંબાસીયા ચાર મહિનાથી સતત ફરાર હતો તેને ખાનગી બાતમીને આધારે ફૂલછાબ ચોક પાસેથી પકડી લઇ કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી લેવામાં આવી છે. આટલા મહિના તે રાજસ્થાન, નાથદ્વારા, ઋષીકેશ સહિતના ધાર્મિક સ્થાનો પર ફરતો રહ્યાનું કહે છે.

આરએમસીની ચૂંટણીની આગલી રાતે એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં એક મહિલા હથીયારમાંથી ફાયરીંગ કરતાં જોવા મળેલ. તપાસ કરતાં એ મહિલા ચાંદનીબેન પિયુષ લીંબાસીયા હોવાનું જાણવા મળતાં મહિલા પોલીસને સાથે રાખી નારાયણનગરમાં તેના ઘરે પોલીસ ટૂકડી પહોંચી હતી. પરંતુ ચાંદનીબેને દરવાજો ન ખોલતાં કોન્સ. ગાયત્રીબા અને નેહલબેને બાજુના મકાનમાંથી પ્રવેશ કરી પાઇપ મારફત છત પર જઇ ચાંદનીબેનના ઘરનો દવરાજો ખોલ્યો હતો. એ પછી પોલીસે અંદર જઇ તપાસ કરતાં રૂ. ૫૧૭૦૦નો દારૂ-બીયરનો જથ્થો મળ્યો હતો.

જે તે વખતે ચાંદનીબેન અને તેના પતિ પિયુષ લીંબાસીયા સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ અને ડીસીબીમાં ચાંદનીબેન, પિયુષ લીંબાસીયા તથા બિપીન દવે સામે દારૂનો ગુનો નોંધાયો હતો. તે વખતે ચાંદનીબેન અને બિપીન જેશંકરભાઇ દવે (રહે. વિતરાગ સોસાયટી ત્રણ માળીયા કવાર્ટર બી-૬ ગાંધીગ્રામ)ની દારૂના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી હતી. પિયુષ સતત ત્યારથી ફરાર હતો. તે હવે પકડાયો છે.

પિયુષને શોધવા પોલીસ સતત તેના ઘરે તથા સંભવીત આશ્રયસ્થાનો એવા ગોંડલ, કેશોદ, અમદાવાદ સહિતના સ્થળેોએ તપાસ કરી હતી. પરંતુ તે પકડાયો નહોતો. એ દરમિયાન તેણે આગોતરા જામીન માટે કોર્ટનો આશરો લીધો હતો. તેણે સેસન્સ કોર્ટમાં આગોતરા માટે અરજી કરી હતી. પરંતુ સરકારી વકિલ બી. એ. રવેસીયાએ સબળ પુરાવા સાથેનું સોગદનામુ રજુ કરતાં ૩/૩ના રોજ આગોતરા જામીન અરજી નામંજુર થઇ હતી.

એ પછી પિયુષ લીંબાસીયાએ ૩/૩ના હુકમથી નારાજ થઇ હાઇકોર્ટ ખાતે આગોતરા જામીન અરજી કરી હતી. એ અરજી પણ આરોપી વિરૂધ્ધના પુરાવાને ધ્યાને લઇ ૧૭/૩ના રોજ આગોતરા જામીન અરજી નામંજુર કરાઇ હતી. એ પછી પિયુષ લીંબાસીયાએ ૧૭/૩ના હુકમ સામે નારાજ થઇ દિલ્હી ખાતે સુપ્રિમ કોર્ટમાં પણ અરજી કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટએ સેસન્સ અને હાઇકોર્ટના હુકમને યોગ્ય હોવાનું માન્ય રાખી ૧/૬ના રોજ આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.

આમ ત્રણ ત્રણ આગોતરા જામીન અરજી સરકારી વકિલની સચોટ કાયદાકીય લડતને કારણે નામંજુર થઇ હતી. એ પછી આરોપી પિયુષ લીંબાસીયા વિરૂધ્ધ તે સતત ભાગતો ફરતો હોઇ જેથી ચીફ કોર્ડમાંથી ૧૯/૫ના રોજ સીઆરપીસી કલમ ૭૦ મુજબ પકડ વોરન્ટ પણ મેળવવામાં આવ્યું હતું. આરોપીની મિલ્કતની માહિતી મેળવી કલમ ૮૨-૮૩ મુજબની કાર્યવાહી કરવા અંગેનું પણ આયોજન કરાયું હતું.

અંતે તેને ઝડપી લેવાયો છે. તે ગુનો દાખલ થયા બાદ ચાર માસ સુધી ધાર્મિક સ્થળોએ ભાગતો ફરતો છુપાતો રહ્યાનું કહે છે. પણ ખરેખર તે કયાં કયાં અને કોને ત્યાં રોકાયો, આશરો લીધો એ સહિતની વિગતો મેળવવા વિશેષ તપાસ કરવામાં આવશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએઅસાઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્સ. સ્નેહ ભાદરકા, શકિતસિંહ ગોહિલ, ગાયત્રીબા વાઘેલા, નેહલબેન મકવાણા સહિતે આ કામગીરી કરી છે.

પકડાયેલો દારૂ ગુજરી ગયેલા પિતા અને સંબંધીએ આપ્યો'તો

. ઘરમાંથી જે તે વખતે પોલીસે જપ્ત કરેલો દારૂ-બીયર કોનો હતો? તેની પુછતાછમાં પિયુષે કહ્યું હતું કે એ દારૂ મારા પપ્પાએ અને મારા સગાએ આપ્યો હતો. જો કે આ બંને હાલમાં હયાત નથી. પરમીટનો દારૂ હોવાનું પણ તેણે કહ્યું હતું. પોલીસ આ અંગે વધુ તપાસ કરે છે.

(3:14 pm IST)