Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દિનેશ ગ્રાહક શોધે તો અવેશ ડોકટર બનતો, ને અવેશના ગ્રાહક હોય તો દિનેશ ડોકટર બની ગર્ભપરિક્ષણ કરતા!

ત્રણ કમ્પાઉન્ડર વર્ષોના અનુભવને આધારે આઠેક માસથી આચરી રહ્યા હતાં ગોરખધંધાઃ એસઓજીએ કર્યો પર્દાફાશ : મવડી રોડ હરિઓમ એકયુપ્રેશર નામે કિલનીકની જગ્યા જેના હસ્તક છે તે અમિત થિયાદ દર્દીઓ દિઠ કમિશન ખાતોઃ પરિક્ષણ થઇ ગયા બાદ તે મશીન પણ પોતાના ઘરે લઇ જતો હતોઃ ૧૨૦૦૦માં સોનોગ્રાફી કરી તુરત સ્ક્રીન પર જ દેખાડી દેતાં કે ગર્ભમાં દિકરો છે કે દિકરીઃ ૨૦ હજારમાં ગર્ભ પરિક્ષણ કયાં કરાવતાં તે સહિતના મુદ્દે તપાસ કરવા કોવિડ ટેસ્ટ બાદ રિમાન્ડની તજવીજ : એસઓજીના સોનાબેન મુળીયા, વિજેન્દ્રસિંહ ઝાલા અને અઝહરૂદ્દીન બુખારીની બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમનો ડમી ગ્રાહક મોકલી દરોડો : નેપાળમાં ભરાતી ઇલેકટ્રીક બજારમાંથી ૩ લાખમાં સોનોગ્રાફી મશીન લાવ્યાનું રટણઃ દરોડામાં રાજકોટ આરોગ્ય શાખાની ટીમ પણ જોડાઇ

રાજકોટ તા. ૧૫: મવડીના બાપા સિતારામ ચોકથી આગળ આવેલા હરિઓમ એકયુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટર નામના કિલનીકની આડમાં ગેરકાયદેસર રીતે નાણા વસુલી ગર્ભપરિક્ષણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી પરથી શહેર એસઓજીની ટીમે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમને સાથે રાખી દરોડો પાડી ત્રણ શખ્સો અમિત પ્રવિણભાઇ થિયાદ (રજપૂત) (ઉ.વ.૩૯-રહે. ગોકુલધામ પાસે ગિતાંજલી સોસાયટી-૩), દિનેશ મોહનભાઇ વણોલ (રજપૂત) (ઉ.વ.૩૬-રહે. કૃષ્ણનગર, ગુરૂપ્રસાદ ચોક અલંકાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨) તથા અવેશ રફિકભાઇ મન્સુરી (પીંજારા) (ઉ.વ.૩૨-રહે. અંધારીયાવાડ, લઘાસાબાવાની દરગાહ પાસે ધોરાજી)ને પકડી લીધા હતાં. આ ત્રણેય ખાનગી હોસ્પિટલોમાં વર્ષોનો કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતાં હોઇ કેટલાક મહિનાથી નેપાળથી સોનોગ્રાફી મશીન લાવી ગર્ભપરિક્ષણના ગોરખધંધા આદર્યા હતાં. અલગ-અલગ સમયે દિનેશ અને અવેશ ડોકટરનો સ્વાંગ રચતાં હતાં. દિનેશ ગ્રાહક શોધી આવ્યો હોય ત્યારે અવેશ અને અવેશ ગ્રાહક શોધી આવ્યો હોય ત્યારે દિનેશ ડોકટર બની પરિક્ષણ કરી આપતાં હોવાની વિગતો ખુલી છે.

જે જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો તે નેચરોપેથી કિલનીકની જગ્યા અમિતે આઠ-દસ મહિનાથી ભાડે રાખી છે. તે અને દિનેશ અગાઉ ઢેબર રોડ પરની હોસ્પિટલમાં સાત-આઠ વર્ષ સુધી કમ્પાઉન્ડરનું કામ કરી ચુકયા છે. જ્યારે ત્રીજો અવેશ ધોરાજીમાં ખાનગી તબિબને ત્યાં કમ્પાઉન્ડર હતો. આ ત્રણેય એક બીજાના સંપર્કમાં હોઇ ટુંકા માર્ગે વધુ નાણા રળવાના ઇરાદે અમિતના  નેચરોપેથી કિલનીકમાં ગોરખધંધા આદર્યા હતાં. ત્રણેય જે તે હોસ્પિટલો સાથે સકંળાયેલા હોઇ તેને વાયા મિડીયા ગર્ભપરિક્ષણ માટેના ગ્રાહકો મળી રહેતાં હતાં. સોનોગ્રાફીથી ગર્ભમાં દિકરો છે કે દિકરી તે ચેક કરવાના રૂ. ૧૨ હજાર વસુલતા અને દિકરી હોય ને ગર્ભપાત કરાવવો હોય તો તેની વ્યવસ્થા પણ આ ત્રણેય કરી આપતાં હતાં અને તેના રૂ. ૨૦ હજાર વસુલતા હતાં.

એકાદ વર્ષ પહેલા દિનેશ અને અવેશ નેપાળ ફરવા ગયા ત્યારે ત્યાં ભરાતી ખુલ્લી ઇલેકટ્રોનિક બજારમાંથી ત્રણ લાખમાં ગર્ભ પરિક્ષણનું મશીન લાવ્યા હતાં. ત્યાં કોઇપણ જાતની ડીગ્રી કે યોગ્યતા દર્શાવ્યા વગર જ આવા મશીન મળી રહે છે તેવું ત્રણેયે કહ્યું હતું. છેલ્લા ત્રણેક મહિનાથી જ ગર્ભ પરિક્ષણ ચાલુ કર્યાનું હાલ રટણ કરે છે. ત્રણેયના કોવિડ ટેસ્ટ બાદ રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે. અમિત કે જેની જગ્યા છે તે ગ્રાહક દિઠ પંદર-વીસ ટકા કમિશન મેળવતો હતો. કામ પતી જાય પછી સુટકેશ ટાઇપ મશીન તે પોતાના ઘરે લઇ જતો હતો. નવા ગ્રાહક આવે ત્યારે ફરીથી કિલનીકે મશીન લાવતો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલની સુચના મુજબ પીએસઆઇ એમ. એસ. અન્સારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અઝહરૂદ્દીન બુખારી, કૃષ્ણદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને સોનાબેન મુળીયાએ આ દરોડો પાડ્યો હતો. જેની ચોક્કસ બાતમી કોન્સ. સોનાબેન મુળીયા, વિજેન્દ્રસિંહ અને અઝહરૂદ્દીનભાઇને મળી હતી. એસઓજીની ટીમે મહેશ નામના વ્યકિતને ડમી ગ્રાહક બનાવી સફળ કામગીરી કરી હતી.

સાથે મ્યુ. કોર્પોરેશન આરોગ્ય શાખાનાડો. લલીતભાઇ વાજા, એમ. બી. ચુનારા સહિતના પણ જોડાયા હતાં. તાલુકા પોલીસમાં આ અંગે ગુનો નોંધાવાયો છે. પોલીસે એડીન કંપનીનું સોનોગ્રાફી મશીન, જેલની બે બોટલ તથા ત્રણ મોબાઇલ કબ્જે કર્યા છે.

(1:02 pm IST)