Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ચોમાસાના પ્લાસ્ટિકના રેઈનકોટને આખો દિવસ પહેરી રાખો એટલે ડોકટરોનું દર્દ સમજાઈ જશે

સ્વયંશિસ્તથી કોરોના રોકવા કોટક સ્કુલની છાત્રાઓનું જન જાગૃતિ અભિયાનઃ કોરોના ચેઈન તોડવા કોર્પોરેશનની સર્વેલન્સની પ્રશંસનીય કામગીરી

રાજકોટમાં કોરોનાનો ઉપદ્રવ તીવ્ર ગતિએ વધી રહ્યો છે.આ વૈશ્વિક મહામારીથી બચવા માટે માત્ર પોસ્ટ કે તેના વીડિયોને ફોરવર્ડ કરી દેવાથી કામ ચાલી શકે નહીં. ઉલ્ટાનું કયારેક ગેરસમજમા વધારો થઈ શકે છે.હોસ્પીટલોમા દર્દીઓની સંખ્યા વધી રહી છે.સ્વાભાવિક છે કે ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફ પણ સેવા કરવામા પહોંચી શકે નહીં. કોરોના દર્દીઓની સારવાર કરતા ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફને માથાથી પગ સુધી આખા શરીરને ઢાંકી દેતો પ્લાસ્ટિકનો ડ્રેસ પીપીટી કીટ સવારથી સાંજ સુધી પહેરી રાખવો પડે છે.

 ડોકટરોનુ આ દર્દ સમજવા માટે ચોમાસાના કે જેમાં મોઢું અને હાથ પગના પંજા તો ખુલ્લા રહે છે તેવા પ્લાસ્ટિકના રેઈન કોટને આખો દિવસ પહેરીને રાખજો એટલે બધુ સમજાઈ જશે.આટલી મુશ્કેલી વચ્ચે ડોકટરો કોરોના દર્દીઓની સેવા કરે છે.ઓકિસજનનો ભાવ પણ ૩૦ટકા જેટલો વધી ગયો છે. કોર્પોરેશન,આરોગ્ય અને પોલીસ આ ત્રણેય સરકારી તંત્ર લોકોને કોરોનાથી બચાવવા માટે ધનવંતરી રથને લોકો સુધી લઈ જઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.કોરોનાને નિયંત્રણમા રાખવા કોર્પોરેશનની સર્વેલન્સની કામગીરી પણ સારી રીતે આગળ વધી રહી છે. આવી વીકરાળ પરીસ્થિતીમા કોરોનાને રોકવા સ્વયંશિસ્ત દ્વારા ત્રણેય તંત્રને સાથ અને સહકાર આપવા માટે આપણી પોતાની અને પરીવારની કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તેનુ ગંભીરતાપૂર્વક ચિંતન કરીને તેને ચુસ્તપણે અનુસરવું જોઈએ.

આ અનુસંધાને સ્વંયશિસ્ત દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે કોટક સ્કુલની છાત્રાઓ (૧) કોટેચા જાન્વી (૨) શેખાવત પ્રગતિએ જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે જેમાં સોશ્યલ મીડિયામાં ફરતી ખોટી અફવાઓ વાળી પોસ્ટથી દુર રહેવાની કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની અપીલને પણ સામેલ કરી લેવામાં આવી છે.ઉપરાંત શ્રી મોદીના નવા સ્લોગન

'જબ તક દવાઈ નહીં...તબ તક ઢીલાઈ નહીં

દો ગજ કી દુરી...માસ્ક હૈ જરૂરી

નો સમાવેશ પણ કરવામાં આવેલો છે'

સ્વયંશિસ્ત જન જાગૃતિ અભિયાનઃ (૧) સોશિયલ ડીસ્ટન્ટ સ્વયંશિસ્ત દ્વારા ચુસ્તપણે જાળવવુ (૨)ભીડ ભાડ વાળી જગ્યાઓથી સ્વયંશિસ્ત દ્વારા દુર રહેવું ઘરની બહાર જવાનું હોય ત્યારે એક કરતાં વધારે કામ થઈ શકે તેવું આયોજન કરવું(૩)ખાસ કરીને બાળકો, વૃદ્ઘો અને જુદા જુદા રોગથી પીડાતા દર્દીઓએ શકય હોય ત્યાં સુધી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં (૪) ઘરની બહાર નીકળીએ ત્યારે બંને નાકમાં ઘી કે તેલ લગાવી લેવું (૫) કાનમાં રૂના પુંભડા ભરાવી લેવા (૬) મોઢા ઉપર મોટી સાઈઝનો રૂમાલ મુશ્કેટાટ બાંધી દેવો જેથી નાક, કાન,મોઢું અને ગળું ઢંકાઈ જાય (૭) શકય હોય તો કોલર પાસેનુ પ્રથમ બટન બંધ રાખવુ(૮) દિવસમાં ત્રણ વખત સાદા પાણી કે તાસીરને અનુકૂળ ઓસડીયા નાખીને પાંચેક મિનિટ સુધી નાસ લેવો (૯) દિવસમાં ત્રણેક વખત ગળાના કાકડા સાફ થાય તેવી રીતે નવશેકા ગરમ પાણીના કોગળા કરવા (૧૦) દિવસમાં ત્રણેક વખત ગરમ પાણી અથવા શરીરની તાસીર અનુસાર ઉકાળા પીવાનો આગ્રહ રાખવો જોઈએ(૧૧) ઘરે પાછા ફરી ત્યારે નાસ કે ગરમ પાણીના કોગળા કરી લેવા (૧૨)શાકભાજીને મીઠાવાળા પાણીમાં ધોયા પછી ઉપયોગ કરવો (૧૩) હાથને સેનેટરાઈઝ અને સાબુથી ધોવાની ટેવ રાખવી(૧૪) છીંક ખાતી વખતે રૂમાલનો ઉપયોગ કરવો (૧૫)રાત્રે સુતા પહેલા એક ચમચી મીઠાના પાવડરમા એક ચમચી જેટલું પાણી ઉમેરીને તેનું બ્રસ કરવુ (૧૬) છાતીમાં કે ગળામાં કફ હોય ત્યારે ઈલેકટ્રીક કે ગરમ પાણીની કોથળીની મદદથી છાતીનો શેક કરી શકાય (૧૭) અજમા કે સુવાદાણા ગરમ કરીને કપડાંમાં રાખીને પણ છાતીનો સેક કરી શકાય (૧૮) જો ઝીણો ઝીણો તાવ હોય તો આખુ શરીર ઢંકાય જાય તેવી રીતે પરસેવો વળી જાય ત્યાં સુધી ગરમ ધુસો ઓઢીને સૂઈ જવું (૧૯) સરકારી તંત્રો અને આયુષ મંત્રાલય દ્વારા વારંવાર બહાર પાડવામાં આવતી સાવચેતીઓનો અમલ કરવો (૨૦) ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર ફરતી ખોટી અફવાઓથી દુર રહેવું.કારણ કે આવી અફવાઓથી તંત્રએ કરેલી સકારાત્મક કામગીરી પર અને લોકોના માનસ પર વિપરીત અસર પણ પડી શકે.જે યોગ્ય નથી.અફવાઓથી નહીં ગભરાવવા મ્યનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની અપીલને પણ અનુસરવુ.

સ્કૂલના પ્રિન્સિપાલ ડો.માલા મેડમ તથા ટ્રસ્ટીશ્રી નવીનભાઈ ઠકકરે છાત્રાઓએ શરૂ કરેલા સ્વયંશિસ્ત જન જાગૃતિ અભિયાનને ખૂબ જ આવકારીને અભિનંદન પાઠવેલા છે.

લેખકઃ અશ્વિન ભુવા,

 મો.૮૩૨૦૫૫૬૦૧૨/ ૯૪૨૮૮૮૯૫૬૦

પ્રિન્સીપાલ

ડો.માલાબેન કુંડલીયા

(2:58 pm IST)