Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

પ્લાઝમા ડોનેટ કરી માનવ જીવન બચાવી પરમસુખ અનુભવતાં ડો. રાજીવ ધોકીયા અને સંદિપ ઠુમ્મર

રાજકોટ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી પણ રહી ચુકયા છે ડો. ધોકીયા

રાજકોટ, તા. ૧પ : રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેકિટસ કરતા ડો. રાજીવ ધોકીયાએ પ્લાઝમા ડોનેશન કરી દર્દીઓની સેવા સુશ્રૃષા સાથે કોઈના જીવનને બચાવવાની માનવીય સેવાના પરમસુખના વૈભવને માણ્યો છે. કોલેજ અને સમાજનું ઋણ ચૂકવી હું ધન્યતાની લાગણી અનુભવું છે તેમ ડો. રાજીવ જણાવતા અનુરોધ કરે છે કે કોરોના થી સ્વસ્થ થયેલા તમામ લોકો પ્લાઝમા દાન કરી કોરોના મહામારીમાં યથાશકિત ભાગ ભજવીને સૌ વિજયી બનીએ.

સંદીપભાઈ ઠુંમરે કોરોનાને મહાત આપવા સાથે  હિંમતભર્યું ઉદાહરણ પૂરું પાડતા પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ જણાવે છે કે લોહી આપીએ ત્યારે જેવો અનુભવ થાય છે તેવો જ અનુભવ મને પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરતા થયો છે. લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરતા તેઓ જણાવે છે કે, મેં પ્લાઝમા આપ્યું છે અને મને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેકટ જોવા મળી નથી. અહીં પ્લાઝમા ડોનેટ કરવા માટે ખાસ અલગ વિભાગ છે એટલે તમને કોરોનાનો ફરી ચેપ લાગશે તેવો પણ ભય રાખવો નહિ અને દરેક વ્યકિત નિર્ભીકપણે મારી જેમ પ્લાઝમા દાન કરે, જે બે દર્દીઓની જીંદગી બચાવશે.

મેડિસિન વિભાગના ડો. રાહુલ ગંભીર છેલ્લા ૬ માસથી કોરોનાના દર્દીઓની સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર કરી રહ્યા છે, તેઓ  પ્લાઝમા ડોનેશન વિષે વાત કરાતા જણાવે છે કે રકતદાન એ મહાદાન છે તો પ્લાઝમા તો તેનાથી પણ વિશેષ સંજીવની જેવું કામ કરે છે. કોરોનથી સ્વસ્થ થયેલ તમામ દર્દી તેમના જેવા જ અન્ય દર્દીને વહેલા સાજા થઈ દ્યરે પરત ફરે તે માટે આગળ આવે તેમ તેઓ ગંભીરતાપૂર્વક અપીલ કરે છે.

(3:39 pm IST)