Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજકોટ મ.ન.પા. અને કલેકટરે ભારે વરસાદમાં કરેલી રાહત બચાવની કામગીરીને બિરદાવતા ભૂપેન્દ્રભાઇ પટેલ

સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ મેયર - ચેરમેન સહિત મ.ન.પા.ની તમામ ટીમની પીઠ થાબડી : કલેકટરે જિલ્લામાં કરેલ ૩૩૦૬ લોકોનું સ્થળાંતર, રેસ્કયુ ઓપરેશન સહિતની કામગીરીની પ્રશંસા કરી

રાજકોટ તા. ૧૫ : ભારે વરસાદની સ્થિતિમાં મ.ન.પા. અને કલેકટર તંત્રએ કરેલી રાહત - બચાવ રકામગીરીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી હતી. રાજકોટમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મેયર પ્રદિપ ડવ તથા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ ઉપરાંત તમામ કોર્પોરેટરો - અધિકારીઓની ટીમે ચાલુ વરસાદે કરેલી કામગીરીને તેમજ કલેકટર અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થયેલ કામગીરીને પણ મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પોલીસ તેમજ અન્ય વિભાગ  સાથે સંકલનમાં રહીને જાનમાલના નુકસાનને અટકાવવાની સુંદર કામગીરી કરી છે.   જેનો ચિતાર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગઇકાલની સમીક્ષા બેઠકમાં અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેમાં સતત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રહ્યો. ૯૩૭ કેમેરા દ્વારા શહેરના ૨૧૧ સ્થળોનું લાઈવ નિરીક્ષણ, ૪૫ ટીમો દ્વારા બચાવની કામગીરી કરાઈ,     ૧૧૩૧૦ જેટલા મેનહોલની, ૨૯ મુખ્ય વોંકળાની કરાઈ સફાઈ, ૧૫ કમ્પાઉન્ડ વોલ, ૨૨ ડિવાઈડર - સ્પીડ બ્રેકર તોડી પાણીનો નિકાલ કરાયો. ૧૧ જેટલા આશ્રય સ્થાનોમાં ૧૩૦૭ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાન્તર કરાયું. ૩૯૨૧ ફૂડ પેકેટ તૈયાર કરાયા વગેરે કામગીરીનો ચિતાર રજૂ થયેલ.  

જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ આપદા પ્રબંધન હેલ્પ લાઈન શરૂ કરાઇ. જિલ્લામાં કુલ ૩૩૦૬ લોકોનું સ્થળાંતર કરાયું. એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ. ની ટીમ દ્વારા ૫૧૭ જેટલા લોકોનું રેસ્કયુ કરાયું. પી.જી.વી.સી.એલ. દ્વારા રાજકોટ ગ્રામ્યમાં વીજ પુનઃસ્થાપન કરાયું. સામાજિક સંસ્થાઓ સાથે મળી ફૂડ પેકેટ અને ધાબળાઓનું વિતરણ કરાયું. ૨૦૮ લોકોની ૮૫ ટીમ દ્વારા નુકશાનીનો સર્વેની કામગીરી કાર્યરત, શેલ્ટર હોમ તેમજ શાળાઓ આશ્રય માટે રિઝર્વ્ડ રખાઈ છે. ૩૦૪ જેટલા વિવિધ વિભાગના તરવૈયા હાજર રખાયા છે. જે.સી.બી., ડમ્પર, ટ્રેકટર, લોડર, ક્રેન, ગેસ કટર, જનરેટર સહીતની વ્યવસ્થા ઉપલબ્ધ રખાઈ છે. રોગચાળો અટકાયત માટે ઘેર ઘેર આરોગ્યની તપાસણી હાથ ધરાઈ છે. મચ્છર જન્ય રોગચાળો અટકાવવા કલોરીનેશન, ફોંગીગ મશીન, દવાયુકત મચ્છર દાનીનું વિતરણ શરૂ કરાયું વગેરે આયોજનોની વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ થયેલ.

(4:02 pm IST)