Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વરસાદી પાણી નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજનો સર્વે : વોકળાના કુદરતી વહેણમાં રસ્તા નહી બનાવાય : પુષ્કર પટેલ

ભવિષ્યમાં જળબંબાકાર સ્થિતિ ન સર્જાય તે માટે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનનું આગવું આયોજન

રાજકોટ તા. ૧૫ : શહેરમાં બે દિવસ અગાઉ જળ બંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. જેથી ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય નહી તે માટે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે સ્ટોર્મ વોટર ડ્રેનેજ દરેક વોર્ડમાં શકય તેટલા પ્રમાણમાં કરવા માટે સર્વે શરૂ કરાવ્યો છે અને વોકળામાં કુદરતી વહેણમાં રસ્તા નહી બનાવવા કે અન્ય દબાણો દુર કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ અંગેની વિગતો મુજબ તાજેતરમાં ભારે વરસાદથી શહેરમાં અનેક રસ્તા પર પાણી ભરાવાને કારણે ઉભી થયેલ સમસ્યા ભવિષ્યમાં ન ઉદભવે તે માટે ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરશ્રીઓને સુચના આપતા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું છે કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૧ વર્ષમાં કયા કયા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઇન કામગીરી કરવામાં આવેલ છે તેમજ હાલ કયા કયા વિસ્તારમાં આ કામગીરી ચાલી રહેલ છે. મહાનગરપાલિકા દ્વારા જયાં સ્ટોર્મ વોટર ડ્રેઇન કરવામાં આવેલ છે તે તાજેતરમાં ભારે વરસાદમાં પાણીના નિકાલ માટે કેટલી સફળ પુરવાર થઇ છે તેની ચકાસણી કરવી, આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં વોર્ડ વાઈઝ કયા કયા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઇન બનાવવાની જરૂરિયાત છે તે અંગે દિવસ ૩ માં સર્વે કરી વિગતો આપવી.

વિશેષમાં, ચેરમેન દ્વારા ટાઉન પ્લાનીંગ ઓફિસરને સુચના આપવામાં આવેલ છે કે, શહેરના તમામ વોંકળાની ખરેખર પહોળાઈ કેટલી છે તે માહિતી આપવી તથા વોંકળાના તમામ દબાણ દૂર કરીને વોટર વે કલીયર કરવા. જેથી કરીને વોંકળામાં વરસાદી પાણીના નિકાલમાં અડચણરૂપ હોય તે તમામ દબાણ દુર કરાવી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવી શકાય. તેમજ હવે જે કોઈ નવી ટી.પી. સ્કીમો બનાવવામાં આવે તેમાં વોંકળા કે વરસાદી પાણીના કુદરતી વહેણના ભાગમાં રસ્તાઓ ન મુકાય તે અંગે ખાસ તકેદારી રાખવા પણ ટાઉન પ્લાનીંગ ઓફિસરને જણાવવામાં આવ્યું હતું.

સતત બીજી વખત સર્વે

દરમિયાન આ અગાઉ પણ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, પુષ્કર પટેલે અધિકારીઓ સ્પષ્ટ સુચન કર્યુ હતું કે હવે શહેરમાં સ્ટોર્સ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણી નિકાલ માટેની ખાસ પાઇપ લાઇનની યોજનાં ગંભીરતાપૂર્વક અમલમાં મુકવી જરૂરી છે. આથી તમામ ૧૮ વોર્ડમાં જયાં વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યા છે. આવા સ્થળોનો સર્વે કરી સ્ટોર્સ વોટર ડ્રેનેજનાં એસ્ટીમેન્ટ-ટેન્ડર વગેરેની પ્રક્રિયા ચોમાસા દરમિયાન જ હાથ ધરવી જોઇએ જેથી દિવાળી બાદ તેના કામ શરૂ થઇ જાય અને ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવે. આ બાબતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે શહેરમાં આવેલા ૧૮ જેટલા વોર્ડમાં બે થી ત્રણ સ્થળ એવા હોય છે કે જયાં વરસાદી પાણી ભરાઇ રહે છે.

અગાઉનાં વર્ષોમાં વરસાદનું પ્રમાણ ઓછું શહેરનો વિસ્તાર પણ નાનો હતો તેથી પાણી ભરાવાની સમસ્યા નહીવત હતી. પરંતુ હવે શહેરમાં નવા ગામ ભેળવાયા છે. તેના નદી-નાળા આસપાસ વસાહતો વધી છે. રસ્તાઓ બન્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી વરસાદ પણ વધુ પડે છે. આ બધા પરિબળોને કારણ હવે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અનિવાર્ય બની છે.

આથી એક અંદાજ મુજબ તમામ ૧૮ વોર્ડમાં ત્રણ-ત્રણ સ્થળ તો એવા હશે જ કે જયાં વરસાદી પાણી ભરાઇ રહેતુ હોય અને નિકાલ શકય નહોય. આથી આવા સ્થળોનો સર્વે કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ કયાંથી કેટલે સુધી નાંખવી તેનું એસ્ટીમેટ બનાવી ટેન્ડર વગેરેની પ્રક્રિયા શરૂ કરવા  મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓને જણાવાયું હતું.

(4:04 pm IST)