Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટ ગુરૂકુળના સંતો લંડનમાં : આરતી મહોત્સવ

અંતરના નાદથી કરાતી પ્રાર્થના એટલે : પ્રભુ સ્વામી

રાજકોટ ગુરૂકુળ સંસ્થાન સાથે જોડાયેલા સંતો સર્વશ્રી પ્રભુસ્વામી, ભકિતતનમયદાસ સ્વામી, ભજન સ્વામી, યોગદર્શન સ્વામી વગેરેનું લંડન એરપોર્ટ પર સ્વાગત કરાયેલ તેમજ તેમના કાર્યક્રમ સ્થળે હરિભકતો દ્વારા આરતી મહોત્સવ ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૫ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના સુરત તથા નીલકંઠ ધામ પોઈચાથી શ્રીપ્રભુ સ્વામી, શ્રી ભકિત તનયદાસ સ્વામી, શ્રી ભજન સ્વામી તથા શ્રી યોગદર્શન સ્વામી લંડનની સત્સંગ યાત્રાએ પહોંચેલ છે.

ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પધારેલા સંતોનું ગુરુકુલના યુવાનો શ્રી સંજયભાઈ તથા દિનેશભાઈ ઝાલાવાડીયા વગેરે એ એરપોર્ટ પર સ્વાગત કરેલ. નૂતન વર્ષના નવલા દિવસોમાં કોરોના કાળ પછી બે વરસે લંડન પધારતા સંતોની ઉપસ્થિતિમાં હરિભકતોનું સ્નેહમિલન તથા આરતી મહોત્સવ યોજાએલ હતો.

શ્રીપ્રભુ સ્વામીના જણાવ્યાનુંસાર 'આર્તનાદથી કરાતી પ્રાર્થનાને આરતી કહેવામાં આવે છે'.  દરેક સંપ્રદાયોના. નાના મોટા મંદિરોમાં ભગવાનની તેમજ માતાજી તથા ગંગાજી યમુનાજી વગેરે પવિત્ર નદીઓની  ભકતો ભાવથી આરતી ઉતારતા હોય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા શિખરબદ્ઘ મંદિરોમાં પાંચ વખત આરતી થતી હોય છે. વહેલી સવારે મંગળા આરતી પછીથી શણગાર આરતી, બપોરે થાળ સમયે રાજભોગ આરતી, સાંજે સંધ્યા આરતી અને રાત્રે શયન આરતી. ઉપરાંત સંતો હરિ ભકતોના ઘરે પધરામણી એ પધારતા હોય છે ત્યારે પણ આરતી કરતા હોય છે. એ સિવાય હરિભકતો પણ પોતાના ઘરે રહેલ  ઠાકોરજીની આરતી તથા  નિત્ય પૂજામાં પણ આરતી ઉતારતા હોય છે.

સદગુરૂ શ્રી મુકતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની પ્રથમ આરતી સંવત ૧૮૫૯ ના કાર્તિક સુદિ દશમના દિવસે સોમનાથ- કેશોદ પાસે આવેલ કાલવાણી ગામે ઉતારેલ . એ જય સદગુરૂ સ્વામી આરતી સંપ્રદાયમાં લાખો અનુયાયીઓને કંઠસ્થ હોય છે અને ભાવથી એ નિત્ય બોલતા પણ હોય છે.

'જય સદગુરૂ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી' આ આરતીનો ૨૧૯ મો પ્રાગટ્ય મહોત્સવ સંતોની ઉપસ્થિતિમા ઉજવાયેલ.

લંડનના કેન્ટન હેરો ખાતે પ્રિસ્ટ મીડ સ્કૂલમાં યોજાયેલ સભાના પ્રારંભે કીર્તન ભકિત યોજાયેલ . સુરતશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડથી પધારેલ શ્રી ભકિત તનયદાસજી સ્વામીએ પ્રાસંગિક વાત કરી યજમાન શ્રી ભરતભાઇ દેસાઇ પાસે સંતોનું પૂજન કરાવેલ.

નીલકંઠધામ પોઇચાના યોગાચાર્ય સ્વામી શ્રી યોગદર્શનદાસજી સ્વામીએ વચનામૃત ઉપર વિવેચનાત્મક પ્રવચન આપેલ. જયારે સ્વામીશ્રી પ્રભુચરણદાસજીએ  સ્નેહમિલન પ્રસંગે વાત કરતાં કહ્યું હતું કે બીઝનેસનું જેમ મેનેજમેન્ટ કરીએ છીએ તેમ જીવનનું પણ મેનેજમેન્ટ કરી તમારો થોડો સમય પણ પરિવાર, સંતાન તેમજ ઇષ્ટદેવની આરાધના માટે  મેનેજ કરવાનો નૂતન વર્ષે સંકલ્પ કરાવેલ.

વિશેષમાં તેઓશ્રીએ ૨૧૯ માં આરતી પ્રાગટ્ય મહોત્સવ અંગે વાત કરતા કહ્યું હતું કે ૪પ વર્ષના સદગુરૂ શ્રી મુકતાનંદ સ્વામીએ ૨૧ વર્ષના શ્રી સહજાનંદ સ્વામીની આરતી ઉતારી  ભગવાનપણાની નિષ્ઠાની દઢતા કરી હતી.

આ પ્રસંગે નરેશભાઈ સાવલીયા,લાલજીભાઇ વેકરીયા,  માવજીભાઈ ડલાસીયા, પ્રવિણભાઈ શાહ વિશ્રામભાઈ, અંકિતભાઈ ગોડલીયા વિનોદભાઈ રાઘવાણી  વગેરે ઉપસ્થિત સહુ ભાવિકોએ તથા સંતોએ સમૂહમા ભગવાનની આરતી ઉતારેલ.

યુવાનો તથા વડિલોની સત્સંગસભા સાથે બાળકો તેમજ બાલિકાઓના બાલ સંસ્કાર કલાસ રાખવામાં આવેલ.

ભજન પ્રકાશદાસજી સ્વામીએ ભગવાનને થાળ જમાડયા બાદ ઉપસ્થિત ભકતજનોએ ભોજન પ્રસાદ લીધેલ. સભા વ્યવસ્થા લંડન સ્વામિનારાયણ ગુરૂકુલના યુવાનોએ સંભાળેલ હતી.

(10:09 am IST)