Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કોઠારીયા સોલવન્ટના મનોજને દારૃના ડખ્ખામાં પારડીના રાજેશે પથ્થર ફટકારી પતાવી દીધો'તો

૨૭/૧૦ના રેલ્વેના પાટા પાસેથી ઘાયલ મળેલા સિતારામ સોસાયટીના કોળી યુવાનનું મોત પડી જવાથી કે ટ્રેનની ટક્કરથી નહોતું થયું : ૨૦ દિવસે ભેદ ખુલ્યોઃ ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતી અને હત્યાનો ભોગ બનેલા મનોજના પત્નિ-બહેને પોતાની રીતે કરેલી તપાસમાં ભેદ ખુલ્યોઃ પત્નિ ફાલ્ગુની વાઢેરની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

હત્યાનો ભોગ બનનાર મનોજ પ્રતાપભાઇ વાઢેરનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૫: શહેરના કોઠારીયા સોલવન્ટમાં સિતારામ સોસાયટીમાં રહેતાં મનોજ પ્રતાપભાઇ વાઢેર (ઉ.વ.૪૦) નામનો કોળી યુવાન ૨૮/૧૦નાસવારે કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટકથી આગળ સિગ્નલ સામે આવેલા રેલ્વે પાટા પાસે અવાવરૃ જગ્યાએથી મોઢા પર ડાબા નેણ પાસે ઇજા થયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. જે તે વખતે તે નશો કરેલી હાલતમાં પડી જતાં અથવા ટ્રેન સાથે અથડાતાં ઇજા થવાથી મોત થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. દરમિયાન આ યુવાનનું મોત આકસ્મિક નહિ પણ તેની હત્યા થયાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલતાં હત્યા નિપજાવનાર આરોપી પારડીના શખ્સને દબોચી લેવાયો છે. દારૃની કોથળી પીવા મામલે મનોજે માથાકુટ કરતાં પારડીના રાજેશ નામના શખ્સે તેને પથ્થરના ઘા ફટકારી પતાવી દીધાનું સામે આવ્યું છે.

બનાવની વિગત એવી છે કે તા. ૨૭/૧૦ના રાત્રીના કોઠારીયા સોલવન્ટ નજીક  રેલવેના પાટા પાસેથી એક યુવાન મોઢા-માથાના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં મ્ળ્યો હતો. તેનું મોત થયું હતું. તપાસમાં તે કોઠારીયા સોલવન્ટ સિતારામ સોસાયટીમાં મારડીયા ફરસાણ પાસે રહેતો મનોજ પ્રતાપભાઇ વાઢેર હોવાનું ખુલતાં પોલીસે તેના સગાને બોલાવી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પી.એમ. રિપોર્ટમાં પડી જવાથી કે બોથડ ઘાથી ઇજા થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કંઇ શંકાસ્પદ જણાયું ન હોઇ જે તે વખતે તે નશાની હાલતમાં પડી જતાં અથવા ટ્રેન સાથે અથડાતાં ઇજા થયાના અનુમાન સાથે એકસીડેન્ટલ ડેથની નોંધ કરવામાં આવી હતી. દરમિયાન આ બનાવ હત્યાનો હોવાનું ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી બાતમી પરથી સ્પષ્ટ થતાં આજીડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસે હત્યાનો ભોગ બનનાર મનોજ વાઢેરના પત્નિ ફાલ્ગુનીબેન વાઢેર (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૨ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ફાલ્ગુનીબેને પોલીસને જણાવ્યું છે કે મારે સંતાનમાં એક પુત્રી ૧૪ વર્ષની જાનવી અને એક પુત્ર ૧૧ વર્ષનો દિક્ષીત છે. મારા પતિ છુટક મજૂરી કરતાં હતાં. સાસુ નર્મદાબેનને સંધીવાની બિમારી હોઇ તે આઠેક વર્ષથી પથારીવશ છે. મારે પડોશમાં રહેતાં અને કન્સ્ટ્રકશનનું કામ કરતાં પરેશભાઇ પટેલ સાથે પરિચય થતાં મેં તેની સાથે ૨૦૧૭માં સેવા કરાર કર્યા છે. અમે ત્યારથી એકબીજાના સુખ દુઃખમાં ભાગ લઇએ છીએ. મારા પતિ મનોજ વાઢેરને દારૃ પીવાની ટેવ હોઇ તે કોઇ કામ ધંધો કરતો ન હોઇ જેથી અમારે વારંવાર ઝઘડા થતાં હતાં. આ કારણે અમે ૧૧/૧૧/૨૦૧૭ના રોજ નોટરી સમક્ષ સ્ટેમ્પ પેપર પર છુટાછેડા લીધા હતાં.

ત્યાર પછી હું મારા સંતાનોને લઇને મારા પિતાના ઘરે રહેાવ જતી રહી હતી. પરંતુ મારા સાસુ એકલા રહેતાં હોઇ તેની કોઇ સારસંભાળ રાખે તેમ ન હોઇ જેથી હું ફરી વખત પતિ મનોજ વાઢેર સાથે નોટરી સમક્ષ સમજુતી કરાર કરી ૨૧/૧૧/૧૭ના રોજ તેની સાથે રહેવા આવી ગઇ હતી અને સાસુની સંભાળ પણ રાખતી હતી. પરંતુ પતિ દારૃ પીતો હોઇ અને ઘર ચલાવી શકતો ન હોઇ મારે પરેશ પટેલ સાથે સેવા કરાર હોઇ તે સંબંધને કારણે પતિ સાથે ફરીથી ઝઘડાઓ થતાં હતાં.

દરમિયાન ૨૩/૧૦/૨૧ના રોજ મારા બહેન ધરતીબેન જે રણુજા મંદિર પાછળ ગણેશનગરમાં રહે છે તેની દિકરીનો બર્થડે હોઇ હું મારા સંતાનોને લઇને સાંજે પાંચેક વાગ્યે બહેનના ઘરે ગઇ હતી. ત્યારે પતિ મનોજે મને ફોન કરી જેમ ફાવે તેમ ઝઘડો કરતાં હું મારી બહેનના ઘરે જ રોકાઇ ગઇ હતી. ૨૮/૧૦ના સવારે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે મારા પતિ મનોજ વાઢેરને અકસ્માતમાં ઇજા થઇ છે અને તેને હોસ્પિટલે લઇ ગયા છે તેવી જાણ થતાં હું અને મારી બહેન હોસ્પિટલે ગયા હતાં. જ્યાં મારા પતિની લાશ જોવા મળી હતી. તેના મોઢા પર ડાબી બાજુ નેણના ભાગે ઇજા હતી. ત્યાં એવી ચર્ચા થતી હતી કે ટ્રેન સાથે ભટકાતાં ઇજા થઇ છે. પોલીસ પણ આ અંગે તપાસ કરતી હતી.

એ પછી અમે પણ અવાર-નવાર મનોજની લાશ જ્યાથી મળી હતી ત્યાં તપાસ કરવા જતાં હતાંઉ એ દરમિયાન ૧૩/૧૧ના સાંજે હું અને મારા નણંદ જયશ્રીબેન બનાવ સ્થળે તપાસ કરતાં હતાં ત્યારે એક શખ્સે આવીને તમે અહિ શું તપાસ કરો છો? એવું પુછતાં અમે તેને કહેલું કે પંદરેક દિવસ પહેલા મારા પતિનું અહિ મોત થયું હતું. તે અંગે તપાસ કરીએ છીએ. આથી એ કશખ્સે કહેલું કે ૨૭મીની રાતે નવેક વાગ્યે બે જણા અહિ દારૃ પીવા બેઠા હતાં અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક જણાએ બીજાને પથ્થરના ઘા મારી દીધા હતાં. મેં આ બધુ નજરે જોયુ હતું. પથ્થર મારનારો પાતળા બાંધાનો હતો. બીજા દિવસે સવારે ૨૮મીએ મેં જોતાં પાટા પાસે લાશ પડી હતી.

આ વાત એ શખ્સે કરતાં મેં તેને પોલીસ પાસે આવવાનું કહેતાં તેણે પોતાને પોલીસની લપમાં પડવું નથી તેમ કહ્યું હતું. આ પછી મારા નણદોઇ જે પોલીસમાં નોકરી કરતાં હોઇ જેથી અમે આજીડેમ પોલીસ સ્ટેશને આવી અમને જે અજાણ્યા શખ્સે વાત કરી હતી તે પોલીસને કરી હતી. આજીડેમના ઇન્ચાર્જ પીઆઇ જે. ડી. ઝાલા, જાવેદભાઇ રિઝવી સહિતની ટીમે ઘટનાની તપાસ કરી અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમ તપાસમાં હતી ત્યારે ટીમને મળેલી પાક્કી બાતમીને આધારે પારડીના રાજેશ પુનાભાઇ નામના શખ્સને ઉઠાવી લેવાયો હતો. તેને ઉંચો નીચો કરતાં તેણે ૨૭/૧૦ની રાતે મનોજ વાઢેરને પથ્થરના ઘા ફટકારી દીધાની કબુલાત આપી હતી. રાજેશે કહ્યું હતું કે પોતે દારૃની પોટલીઓ લઇ પીવા બેઠો હતો ત્યારે મનોજ કે જેને પોતે ઓળખતો નહોતો તેણે આવી પોટલી માંગતા ઝઘડો થતાં તેણે લાફો મારતાં પોતાને ગુસ્સો ચડતાં પથ્થર ફટકારી દીધા હતાં. એ શખ્સ મરી ગયો છે તેવી એ રાતે પોતાને ખબર નહોતી. બીજા દિવસે ૨૮મીએ ખબર પડી હતી. ત્યારથી પોતે સતત ગભરાતો હતો અને પરિચીતોને વાત કરતો હતો કે પોતાનાથી ખોટુ થઇ ગયું છે. પોલીસે હત્યાના આરોપીની વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(1:42 pm IST)