Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સપના જોવાની હિંમત કરો, હંમેશા મોટું વિચારો પણ શરૂઆત નાનાથી કરોઃ ફાલ્ગુની નાયર

મૂળ ગુજરાતી મહિલા ફાલ્ગુની નાયર દ્વારા સંચાલિત 'નાયકા' કંપની સ્ટોક એકસચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા આગેવાનીવાળી કંપની બની. :  જાત- મહેનતથી પોતાની સફળતાની ગાથા લખી અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા. :  પુત્રી અદ્વૈતાએ સીવી કવાફીની કવિતા 'ઈથકા' સંભળાવીઃ જેનાથી ફાલ્ગુની એટલા પ્રભાવિત થયા કે નોકરી છોડીને પોતાની કંપની શરૂ કરવાનું નકકી કર્યું :  નાયકા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સ્પોટલાઈટમાં રહેલી સ્ત્રી :  નાયકા પાસે ૫૫ લાખ માસિક સક્રિય વપરાશકર્તાઓ, ૭૫થી વધુ સ્ટોર્સ અને ૧૨૦૦થી વધુ બ્રાન્ડના ૭ લાખથી વધુ ઉત્પાદનો છે

ભારતની મહિલાઓ દેશના દરેક ક્ષેત્રમાં ઝંડો લહેરાવી રહી છે. ભારતીય મહિલાઓની ક્ષમતાનું પ્રમાણ દેશ-વિદેશમાં ગૂંજી રહ્યું છે. પછી તે ભારતનો ખેલાડી હોય કે અભિનેત્રી. મહિલા ડોકટરો, એન્જીનીયર અને બિઝનેસ વુમન પોતપોતાના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહી છે. તેમાંથી એક મહિલાનું નામ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, તે છે ફાલ્ગુની નાયર. ફાલ્ગુની નાયર એક બિઝનેસ વુમન છે જેમની કંપની આ દિવસોમાં દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બની ગઈ છે. ફાલ્ગુની નાયર ખુદ દેશની સૌથી અમીર મહિલાઓમાં સામેલ છે. તેણીની સફળતા પણ ખાસ છે કારણ કે ફાલ્ગુની શેલ્ફ મેડ ફીમેલ બિલિયોનેર છે. ફાલ્ગુનીએ આ પદ કોઈ વારસામાં મળેલી કંપની કે માતા-પિતાના પૈસાના આધારે નથી બનાવ્યું, પરંતુ તેણે જાતે પોતાની સફળતાની ગાથા લખી છે. ફાલ્ગુની નાયરનું નામ આજે બધા જાણે છે. સામાન્ય મહિલાઓ ભલે તેમને ઘરે-ઘરે ઓળખતી ન હોય, પરંતુ તેઓ તેમની કંપની અને ઉત્પાદનોને જાણતા અને ઉપયોગમાં લેતી હશે. આવો જાણીએ કોણ છે ફાલ્ગુની નાયર? કેવી છે ફાલ્ગુનીના સંદ્યર્ષની કહાની?

શરૂમાં જણાવી દઇએ કે, બ્યુટી સ્ટાર્ટઅપ કંપની 'નાયકા'ના સ્થાપક ફાલ્ગુની નાયર ભારતના સૌથી ધનાઢ્ય સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસના નવીનતમ ડેટામાં આ માહિતી સામે આવી છે. નાયકાનું બુધવારે શેર માર્કેટમાં લિસ્ટિંગ થયું હતું. શેરબજારે આ આઇપીઓ ને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. બપોરે ૧૨:૫૩ વાગ્યે, કંપનીનો શેર રૂ. ૨૨૦૬ પ્રતિ તેમને સીવી કવાફીની કવિતા 'ઈથકા' સંભળાવી. આનાથી ફાલ્ગુની એટલા પ્રભાવિત થયા કે તેણે નોકરી છોડીને પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું. આ સમયે ફાલ્ગુની નાયર ની ઉંમર ૪૯ વર્ષની હતી. બાદમાં તેણીએ કોટક મહિન્દ્રા છોડવાનો નિર્ણય કર્યો. નોકરી છોડી દીધી અને નાયકાની સ્થાપના કરી. આજે તેમની કંપની દેશની બ્યુટી પ્રોડકટની ટોપ ઈ કોમર્સ સાઈટ્સમાં સામેલ છે. ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે, તેઓ અનેક કંપનીઓના આઇપીઓનું માધ્યમ બન્યા છે. જેમાંથી તેઓને ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી અને નાયકાનો જન્મ થયો હતો.

અહીંથી ફાલ્ગુની નાયરના જીવનનો બીજો અધ્યાય શરૂ થયો. ફાલ્ગુનીએ વર્ષ ૨૦૧૨માં નાયકાની શરૂઆત કરી હતી. નાયકા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સ્પોટલાઇટમાં રહેલી સ્ત્રી (હિરોઇન). ફાલ્ગુની ભારતીય મહિલાઓની સુંદર દેખાવાની જરૂરિયાતને સમજતી હતી. નાયકા સુંદરતા અને વ્યકિતગત સંભાળ સાથે સંકળાયેલ કંપની છે. જયારે તેઓએ નાયકા લોન્ચ કરી ત્યારે જે તે સમયે મહિલાઓ માટે સૌંદર્ય સંભાળ સંબંધિત ઉત્પાદનોની ખરીદી કરવાનો કોઈ વિકલ્પ નહોતો. તે સમયે, મોટાભાગની ભારતીય મહિલાઓ તેમની પડોશની દુકાનોમાંથી બ્યુટી અને હેર-કેર પ્રોડકટ્સ ખરીદવાનું પસંદ કરતી હતી. જયાં વધુ વિકલ્પોનો અભાવ હતો અને બ્યુટી પ્રોડકટ ખરીદતા પહેલા ભાગ્યે જ કોઈએ ટ્રાયલ સાંભળ્યું હતું. ફાલ્ગુની નાયરે મહિલાઓની આ જરૂરિયાતને સમજી અને તેને ઓનલાઈન માર્કેટ પ્લેસ તરીકે શરૂ કરી. તે પછી તેણે પોતાની બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ બનાવી. તેમની પાસે ૩૫ સ્ટોર છે. આટલું જ નહીં, તેમની નાયકા ફેશનમાં વસ્ત્રો, એસેસરીઝ, ફેશન સંબંધિત ઉત્પાદનો અને ૪,૦૦૦ થી વધુ સુંદરતા, વ્યકિતગત સંભાળ અને ફેશન બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. જયાં સ્ત્રીઓ ઉપરાંત પુરૂષો માટે પણ ફેશન સંબંધિત પ્રોડકટ્સ ઉપલબ્ધ બનાવ્યા છે.

ફાલ્ગુની નાયરની સફર આસાન રહી નથી. તેમના ત્રણ મુખ્ય ટેકનોલોજી અધિકારીઓએ પ્રથમ ચાર વર્ષમાં રાજીનામું આપ્યું હતું. રોકાણ માટે પણ ઘણી મહેનત કરવી પડી હતી. ફાલ્ગુની કહે છે કે શરૂઆતમાં નાયકામાં ઓર્ડર આવવાની રાહ જોતા હતા. તે પોતે જ તમામ ઓર્ડર પર ધ્યાન રાખતા હતા. ૨૦૧૨માં શરૂ થયેલ, નાયકા મહિલાઓની સુંદરતા અને સુખાકારી ઉત્પાદનો માટેના સૌથી મોટા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું. આજે આ પ્લેટફોર્મ પર દર મિનિટે ૩૦થી વધુ મેકઅપ પ્રોડકટ્સ વેચાય છે.

નાયકા એ બ્યુટી રિટેલ કંપની છે જે ઓનલાઈન અને ઓફલાઈન કોસ્મેટિક પ્રોડકટ્સનું વેચાણ કરે છે. નાયકાની ટેગલાઇન છે - તમારી સુંદરતા, અમારો જુસ્સો. મહિલાઓ પર ફોકસ કરીને તેના લોગોનો રંગ પણ ખૂબ જ સમજી વિચારીને ગુલાબી રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં તે ઈ-કોમર્સ પ્લેટફોર્મ હતું, પરંતુ બાદમાં ઓફલાઈન સ્ટોર્સ પણ ખુલ્યા. ફાલ્ગુની કહે છે કે અમે ઓમ્નીચેનલ રિટેલર બનવાનું નક્કી કર્યું કારણ કે સુંદરતાએ એક એવી શ્રેણી છે જયાં શારીરિક પરીક્ષણો જરૂરી છે. અમને સમજાયું કે જો આપણે પ્રીમિયમ ઉત્પાદનો વેચવા માંગતા હોય તો રંગ મેચિંગ આવશ્યક છે. નાયકા પાસે ૫૫ લાખ માસિક સક્રિય વપરાશકર્તાઓ, ૭૫ થી વધુ સ્ટોર્સ અને ૧૨૦૦ થી વધુ બ્રાન્ડના ૭ લાખથી વધુ ઉત્પાદનો છે. અગાઉ, નાયકા  માત્ર અન્ય બ્રાન્ડ્સને દર્શાવતી હતી હવે તે તેની પોતાની બ્રાન્ડની પ્રોડકટ્સ પણ લોન્ચ કરી રહી છે. ફાલ્ગુની કહે છે કે અમે ડિસ્કાઉન્ટ ફેશન વેબસાઈટ બનવા નથી ઇચ્છતા પરંતુ સ્ટાઇલિશ કયુરેટેડ ફેશન માટેનું પ્લેટફોર્મ બનવા માંગીએ છીએ.

નાયકામાં, ફાલ્ગુની ૧૬૦૦ થી વધુ લોકોની ટીમનું નેતૃત્વ કરે છે. તાજેતરમાં, ફર્મના શેરમાં અદભૂત રેલી જોવા મળી હતી જે પછી ફાલ્ગુની નાયરની નેટવર્થ ઼ ૬.૫ ડોલર બિલિયનને વટાવી ગયું હતું. ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનવાન સ્વ-નિર્મિત મહિલા બની છે અને તેમની કંપની નાયકા સ્ટોક એકસચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા સંચાલિત કંપની બની છે. વિવિધ ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ આ ઉદ્યમી મહિલા સાહસી ફાલ્ગુની નાયરને બિઝનેસ ટુડે દ્વારા વ્યાપાર ૨૦૧૭માં સૌથી શકિતશાળી મહિલાનો એવોર્ડ, FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશન (FLO) એવોર્ડ અને ઇકોનોમિક ટાઇમ સ્ટાર્ટઅપ એવોર્ડ ૨૦૧૭ માં વુમન અહેડ, ૨૦૧૯માં  બિઝનેસપર્સન ઓફ ધ યરનો એવોર્ડ, ૨૦૧૫માં સી ધ પીપલ દ્વારા ડિજિટલ વુમન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ફાલ્ગુની નાયર મહિલાઓને સંદેશ આપતા કહ્યું હતું કે, સ્વપ્ન જોવાની હિંમત કરો. હંમેશા મોટું વિચારો, પણ શરૂઆત નાના થી કરો'. (૩૦.૬)

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

 

કેટરીના કૈફ અને આલિયા ભટ્ટે પણ નાયકામાં પૈસા રોકયા હતા..!

નાયકા એ અત્યાર સુધીમાં કુલ ૩૪૧.૯ ઼ મિલિયનનું ભંડોળ મેળવ્યું છે, એટલે કે ૧૫ રોકાણકારો પાસેથી આશરે રૂ. ૨,૫૪૫ કરોડ. ૨૦૧૪માં, કંપનીને સીકોઇયા કેપીટલ ઇન્ડિયા તરફથી આશરે રૂ. ૭ કરોડનું પ્રારંભિક રોકાણ મળ્યું હતું. ત્યારબાદ, કંપનીને હર્ષ મરીવાલા, દિલીપ પાઠક, ટીવીએસ કેપિટલ અને સ્ટેડવ્યુ કેપિટલ તરફથી કેટલાક મોટા રોકાણો મળ્યા. કેટરિના કૈફ અને આલિયા ભટ્ટે પણ નાયકામાં પૈસા રોકયા છે. ફાલ્ગુની નાયર કહે છે કે, આલિયા ત્રણ બાબતોને કારણે નાયકામાં રોકાણ કરવા માંગતી હતી. પ્રથમ - તે ભારતીય છે, બીજું - તે એક મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને ત્રીજું ભારતની કોઈપણ બ્રાન્ડ વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે છે. આલિયા અને કેટરિનાએ નાયકામાં કેટલા પૈસાનું રોકાણ કર્યું છે તેનો ખુલાસો થઈ શકયો નથી. નાયકા એ ૨૦૧૯માં ૨૦ ડ્રેસીસ અને ૨૦૨૧માં પીપા.બેલા કંપનીને પણ હસ્તગત કર્યા.

નાયકાનો આઇપીઓ ૮૨ ગણો છલકાઈ ગયો હતો.!

નાયકાનો ૩ દિવસ ચાલેલો આઇપીઓ ૧ નવેમ્બરે બંધ થયો હતો. નાયકાના શેરની ભારે ડિમાન્ડ રહેતાં ભરણું ૮૨ ગણું છલકાઈ ગયું હતું. આ આઇપીઓ દ્વારા કંપનીએ રૂપિયા ૫,૩૫૨ કરોડ હાંસલ કર્યા છે. કંપનીના ૨.૬૪ કરોડ શેર માટે ૨૦૦ કરોડ કરતાં વધુ અરજીઓ મળી હતી. નાયકાના શેરોની કવોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સમાં ભારે માગ રહી હતી. રિટેલ રોકાણકારો માટે રખાયેલું ભરણું પણ ૧૨ ગણું છલકાઈ ગયું હતું.

(3:03 pm IST)