Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટય સ્થાન આસોજમાં 'પ્રભુ સ્મૃતિ તીર્થ'ના નવિનીકરણનો પ્રારંભ

રાજકોટ તા. ૧૫ : યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં પ્રાગટ્યસ્થાન આસોજમાં 'પ્રભુ સ્મૃતિ તીર્થ'ના નવિનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  રાજયના મહેસુલ, કાયદો, આપત્તિ વ્યવસ્થાપન અને સંસદીય બાબતોના મંત્રી  રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ભકિતશિલા પૂજન દ્વારા આ નવનિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. 

આ પ્રસંગે યોજાયેલા સમારોહને સંબોધન કરતાં રાજયના મહેસૂલ મંત્રી  રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ હરિપ્રસાદ સ્વામીજીએ હંમેશાં સંસ્કૃતિ અને સંસ્કારનું સંવર્ધન કર્યું છે. આત્મીયતાથી સમાજનું પોત સુધાર્યું છે.  આસોજમાં પ્રગટ થઈને લાખો લોકોનાં જીવનને નૂતનદિશા આપનાર હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીયતાની શકિતનો જગતને પરિચય કરાવ્યો. આ એ ભૂમિ છે જયાં વસતા પરિવારમાં દરરોજ ગીતાજીના પાઠ થતા હતા, ત્રણ-ત્રણ શંકરાચાર્યોની પધરામણી થઈ હતી,  સાધુ-સંતો અને અભ્યાગતોને આવકારો મળતો હતો.  આવી પવિત્ર ભૂમિને આ ભકિતશિલા પૂજન દ્વારા તિલક થઈ રહ્યું છે.  એ દિવ્ય ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું તે જીવનની ધન્યતા છે.

શ્રી ત્રિવેદીએ રાજયની સરકાર વિકાસની ગતિની સાથોસાથ આધ્યાત્મિક પ્રગતિમાં શ્રધ્ધા ધરાવતી હોવાનુંકહીને 'પ્રભુ સ્મૃતિ તીર્થ'ના સર્જનમાં રાજય સરકારના સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી.  તેમણે હરિપ્રસાદ સ્વામીજી સાથેનાં સંસ્મરણોની સ્મૃતિ કરી હતી. 

આ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતું કે, જીવનમાં દાસત્વ અને સુહૃદભાવની પ્રતિષ્ઠા એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું યુગકાર્ય રહ્યું.  આપણે એ ગુણોને આત્મસાત કરીને સ્વામીજીનાં યુગકાર્યને આગળ વધારવું છે.  સ્વામીજીએ અંતર્ધ્યાન થયા ત્યાં સુધી ગુરૂભકિત અને પ્રભુભકિતનું અનોખું દર્શન કરાવ્યું છે.  એ દર્શનની સ્મૃતિ કરતાં કરતાં એમની પરાવાણીમાં વ્યકત થતાં રૂચિ, રહસ્ય અને અભિપ્રાયને આપણાં જીવનનું કેન્દ્ર બનાવવાં છે. 

પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ઉમેર્યું હતું કે, આત્મીયતાથી સમૃધ્ધ સમાજનાં સર્જન અને એમના સંબંધમાં આવેલા સહુ સુખિયા થાય તે માટે સ્વામીજીએ જે પરિશ્રમ કર્યો છે તેનું ઋણ કયારેય અદા થઈ શકે તેમ નથી. આસોજમાં દિવ્યતિદિવ્ય સ્મૃતિતીર્થનું નિર્માણ તો થશે.  પરંતુ સાથેસાથે આપણે સહુએ સ્વામીજી ઇચ્છતા હતા તેમ આત્મીયતા, દાસત્વ અને સુહૃદભાવથી જીવનને મંદિરરૂપ બનાવીને તેમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા કરવી છે.  પ્રાગટ્ય સ્થાનનું મંદિર ગમે તેટલું ભવ્ય હશે પણ, જો હૃદયમાં મંદિર નહીં બને તો તેનું કોઈ જ મૂલ્ય નહીં રહે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં પૂ. પ્રબોધજીવન સ્વામીએ સ્મૃતિ તીર્થની સેવા મળી તેને જીવનની શ્રેષ્ઠ તક ગણાવીને ઝડપી લેવા સહુને અનુરોધ કર્યો હતો.  આપણું જીવન પ્રત્યેકપળે પ્રભુકેન્દ્રિત રહે તે માટે સંકલ્પ કરવાનો દિવસ હોવાનું તેમણે કહ્યું હતું. 

પૂજય ભકિતપ્રિય સ્વામીએ તેમના ઉદબોધનમાં હરિપ્રસાદ સ્વામીજીના બાળવયના તેમજ ગુરૂહરિ યોગીજી મહારાજ સાથેનાં વિવિધ પ્રસંગો વાણી લઈને તેને જીવન સાથે સુસંગત કરવા ઉપસ્થિત સમુદાયને આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે નિર્માણ કાર્યમાં દરેક તબક્કે તમામ સહયોગની ખાત્રી આપી હતી.

ભકિતશિલા પૂજન સમારોહની શરૂઆત શાસ્ત્રોકત પરંપરા પ્રમાણે મહાપૂજા સાથે કરવામાં આવી હતી.  નિમંત્રિત હરિભકતોની હાજરીમાં યોજાયેલા આ સમારોહનું સંચાલન કરતાં પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ આસોજનું મહાત્મ્ય સમજાવવાની સાથેસાથે આગામી એક વર્ષમાં 'પ્રભુ સ્મૃતિ તીર્થ'નું નવિનીકરણ અને પુનઃનિર્માણ કાર્ય સંપન્ન કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ તીર્થ સહુને સુખશાંતિની અનુભૂતિ કરાવનારૂ અને આત્મીયતાનાં સ્પંદનોનું પ્રસાર કરનારૃં બની રહેશે તેવી શ્રધ્ધા વ્યકત કરી હતી.

આ કાર્યક્રમમાં વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, અશોકભાઇ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, પ્રો. સી.એમ. પટેલ, જે.એમ.દવે, સોખડાના અગ્રણી રાજુભાઇ પટેલ, આસોજ, સોખડા વગેરે ગામના અગ્રણીઓ અને ભાવિકો તેમજ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સત્સંગના વિવિધ વિભાગોમાંથી મર્યાદિત સંખ્યામાં નિમંત્રિત કરાયેલા હરિભકતોએ ભકિતપૂર્ણ હૃદયે ભાગ લીધો હતો.

(4:30 pm IST)