Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

દુકાનોના છાપરા-ઓટલાનો ભુક્કો બોલાવાશે

કાલથી ‘વન વીક વન રોડ' ઝુંબેશનો થશે પ્રારંભ : દર મંગળવારે એક ઝોનમાં એક રાજમાર્ગ પર થશે કાર્યવાહીઃ માર્જીન-પાર્કિંગની જગ્‍યામાં દુકાનદારોએ ગેરકાયદે ઉભા કરેલા છાપરા-ઓટલા સહિતના દબાણો દુર થશે : ટાઉન પ્‍લાનીંગ,જગ્‍યારોકાણ,રોશની શાખા, સોલીડ વેસ્‍ટ શાખા અને ફુડ શાખા સંયુકત રીતે પોલીસ બંદોબસ્‍ત સાથે ત્રાટકશે

રાજકોટ તા. ૧૬: શહેરના મુખ્‍યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્‍યા દુર કરવા દુકાનો તેમજ વ્‍યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલાઓ ઉપર ફરી બુલડોઝર ફેરવી દેવા. તંત્રએ તૈયારી કર્યાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રાજય માર્ગો પર બહાર પાર્કિંગની જગ્‍યામાં છાપરા - ઓટલાના દબાણો થઇ ગયા છે એટલું જ નહી શહેરનાં અન્‍ય વિસ્‍તારોના મુખ્‍યમાર્ગો ઉપર પણ આજ સ્‍થિતિ છે. જેનાં કારણે દુકાનોમાં આવનાર ગ્રાહકો રોડ ઉપર વાહન પાર્કિંગ કરે છે અને આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકજામ થઇ જાય છે.

આ સમસ્‍યા ઉકેલવા આવતીકાલ શહેરના બજાર વિસ્‍તારો જેવા કે ગુંદાવાડી, પરાબજાર, સદરબજાર, યાજ્ઞીક રોડ, રેસકોર્ષ રીંગ રોડ, ગોંડલ રોડ, કેનાલ રોડ વગેરે રસ્‍તાઓ ઉપર માર્જીન અને પાર્કિંગની જગ્‍યામાંથી છાપરાઓ તેમજ ઓટલાઓ અને વ્‍યાપારી દ્વારા ફુટપાથ કે પાર્કિંગની જગ્‍યામાં રખાયેલ ચીજવસ્‍તુઓના દબાણો દુર કરવા વન વીક વન રોડ કડક ઝુંબેશ શરૂ થશે. દર મંગળવારે એક ઝોનમાં એક મુખ્‍ય માર્ગે પરના છાપરા-ઓટલાના દબાણલ દુર કરાશે.

આ ઝુંબેશ ટાઉન પ્‍લાનીંગ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ શાખા  તેમજ ફુડ શાખા  (ફુડ વિભાગ ખાણી-પીણીનું ચેકીંગ કરશે) સંયુકત રીતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ હાથ ધરનાર હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:31 pm IST)