Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

મકર સંક્રાંતિ પર્વને કારણે વીજ તંત્રને દોડધામ થઇ પડીઃ રાજકોટમાં ૮૧ ફીડર બંધઃ ર૬૪ ફરિયાદો

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કુલ ૬ર૮ ફરીયાદોઃ શનિવાર મોડી રાત સુધી કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવિત્ર ઉત્તરાયણ તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ, પરંતુ આ પર્વને કારણે પીજીવીસીએલ તંત્રને શનિવાર સવારથી મોડી રાત સુધી દોડધામ થઇ પડી હતી, પતંગ-દોરાને કારણે જમ્‍પરો ઉડતા ડીઓ બળી જતા તથા તાર તૂટતા લાઇટો ગૂલ થવાની રાજકોટ-સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કૂલ ૬ર૮ જેટલી ફરીયાદો આવી હતી, રાજકોટ સીટીમાં જ ર૬૪ જેટલી ફરીયાદોને કારણે ટીમો સતત દોડતી રહી હતી, અનેક વિસ્‍તારમાં કલાકો સુધી લાઇટો ગૂલ થઇ હતી, ૮૧ જેટલા ફીડરોમાં ટ્રીપીંગ-ફોલ્‍ટ સર્જાયા હતા.

એરિયા વાઇઝ ફોલ્‍ટમાં જોઇએ તો એચ.ટી.-૧માં સપના ફીડર, મારૂતિ ફીડર, જંગલેશ્‍વર ફીડર, થોરાળા, તિરૂપતિ, લાતી પ્‍લોટ, જય જવાન જય કિસાન ફીડર વગેરે તો એચ.ટી.-ર માં આમ્રપાલી ફીડર, ગાયકવાડી ફીડર, ગૌતમનગર, ઓસ્‍કાર, જંકશન, માલવિયા ફીડર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એચ.ટી.-૩માં સરદાર ફીડર, ન્‍યારી ફીડર, રાધિકા, માટેલ, પુષ્‍કરધામ, અર્જુન ફીડર વગેરેનો અને ર થી ૩ કલાક સુધી ફોલ્‍ટનાં કારણે બંધ રહેલ ફીડરોમાં ગૌતમનગર, સંતોષીનગર ગાયકવાડી, નવદુર્ગા ફીડરનો સમાવેશ થાય છે, મોડી રાત સુધીમાં તમામ ફરીયાદોનો નિકાલ કરાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું. 

(4:03 pm IST)