Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

૧૧મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્‍ટ : એ.જી. ઓફિસ-રાજકોટ ચેમ્‍પિયન 

રાજકોટ : ૧૧મી ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્‍ટ (દિવસ અને રાત્રિ) રાજકોટ શહેર પોલીસ અને જ્‍યોતિ ચેલેન્‍જ કપ-૨૦૨૩નું આયોજન  ૮ દિવસ સુધી રેસકોર્સ સ્‍થિત ફૂટબોલ મેદાન ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍ય ની ૨૫ ટિમો એ ભાગ લીધું હતું. દરેક મેચ માં ખેલાડીઓ દ્વારા ઉત્તમ કક્ષાની રમતનું તેમજ ખેલદિલીનું શ્રેષ્‍ઠ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. સેમી ફાઇનલ મેચ  ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ અને ટીમ સેન્‍ટ જોસેફ, અમદાવાદ વચ્‍ચે તેમજ ટીમ કેન્‍ટોન્‍મેન્‍ટ ફૂટબોલ કલ્‍બ, અમદાવાદ અને ટીમ એચ.આર. માડમ, જામનગર વચ્‍ચે ખુબ જ રસપ્રદ રીતે રમાયેલ હતા.

ફાઇનલ મેચ ટીમ એ.જી ઓફિસ, રાજકોટ અને ટીમ એચ.આર. માડમ, જામનગર વચ્‍ચે રમાતા ખુબ રસાકસી    જામી હતી. ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા ચીફ ગેસ્‍ટ તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એ ખાસ ઉપસ્‍થિતિ આપેલ હતી.   તદુપરાંત રાજકોટ શહેર પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ  સૌરભ તોલંબિયા  (અધિક પોલીસ કમિશનર),  સજનસિંહ પરમાર   (DCP ઝોન ૧),  સુધીરકુમાર દેસાઈ સાહેબ (DCP ઝોન ૨),  વિશાલ રબારી સાહેબ (ACP-સાયબર સેલ),   આર.એસ. બારિયા(ACP મહિલા સેલ),   બી.વી. જાદવ  (ACP ઇસ્‍ટ ઝોન),   ભાર્ગવ પંડ્‍યા   (ACP),  એમ.બી. મકવાણા (RPI) અને એસ.બી. ઝાલા (RPI) ઉપસ્‍થિતિ રહ્યા હતા.

ટુર્નામેન્‍ટ માં અગત્‍ય ભાગ ભજવનાર આયોજકો રાજકોટ શહેર પોલીસ તરફ થી  અનિલભાઈ દવે (ASI) તેમજ  પરેશભાઈ સોઢા (ASI), જ્‍યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ વતી કૌશિકભાઈ સોલંકી (GM - HR & Admi) અને એહસાસ ટ્રસ્‍ટ વતી  મિતેશભાઈ શાહ (સેક્રેટરી) એ પણ ફાઇનલ  દિવસ હાજરી આપી જરૂરી સંકલન પૂરૂ પાડ્‍યું હતું.

પોલીસ ડિપાર્ટમેન્‍ટના આમંત્રણ ને માન આપીને ટુર્નામેન્‍ટને આર્થિક સહાય કરનાર ઉદ્યોગકારો મનીષભાઈ મડેકા (રોલેક્‍સ રિંગ્‍સ લિમિટેડ, રાજકોટ),  શક્‍તિસિંહ જાડેજા (ઓમ્‍નીટેક એન્‍જીનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા),   કિશનભાઈ આડેસરા (ENLIVEN ડિજિટલ કન્‍ટેન્‍ટ, રાજકોટ) અને  બાબુભાઈ ડાંગર (KROMB ઇન્‍ડીયા પ્રાઇવેટ લિમિટેડ) એ પણ ખાસ હાજરી નોંધાવેલ હતી. હાજર રહેલા સર્વે મહેમાનોનું સ્‍વાગત રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ  હસ્‍તકે કરી સર્વોને પ્રશંસા પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા. સમાપન સમારભંના સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જ્‍યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ તરફ થી   અંબરીશભાઈ નશીતએ કર્યું હતું.  મેચ માં કુલ ૯૦ મીનીટના મુકાબલા માં પ્રથમ ૮૦ મિનિટ સુધી બંને ટિમો માંથી કોઈને પણ ગોલ ન થતા મેચ નો રોમાંચ ચરમસીમા પર પહોંચ્‍યો હતો અને અંત ની ૧૦ મિનીટ માં ટીમ એ.જી ઓફિસ તરફ થી રમતા  દિપેશ પુન એ શાનદાર ગોલ કરતા ટીમે ૧-૦ની લીડ મેળવી મેચમાં વિજય મેળવ્‍યો હતો. સમાપન સમારોહની શરૂઆતમા વિશાલ રબારી  (ACP સાયબર સેલ)એ સ્‍વાગત પ્રવચન આપતા  પ્રેક્ષકોને તેમજ અતિથિગણ ને ટુર્નામેન્‍ટ વિષે માહિતી આપી હતી. એ પછી રાજકોટ શહેર પોલીસ કમિશનર  રાજુ ભાર્ગવએ વક્‍તવ્‍ય આપ્‍યું હતું. સર્વ ટિમોના ખેલાડીઓ, કોચ, રેફરી, સહકાર આપનાર ઉદ્યોગપતિઓ, આયોજકોને આ ટુર્નામેન્‍ટ ને સફળ બનાવવા માટે બિરદાવેલ અને ખેલાડીઓને આવતા વર્ષે વધુને વધુ માત્રામાં ભાગ લેવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.

ટૂર્નામેન્‍ટમાં ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ ને ચેમ્‍પિયન થવા બદલ રૂા. ૫૧,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, ટીમ એચ.આર. માડમ, જામનગરને રનર અપ થવા બદલ  રૂા. ૩૫,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, ટીમ સેન્‍ટ જોસેફ, અમદાવાદને ત્રીજુ સ્‍થાન પ્રાપ્ત કરવા બદલ  રૂા. ૭,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અને ટીમ કેન્‍ટોન્‍મેન્‍ટ ફૂટબોલ કલ્‍બ, અમદાવાદ ને ત્રીજુ સ્‍થાન  પ્રાપ્ત કરવા બદલ રૂા. ૩,૦૦૦નું રોકડ ઇનામ આપવામાં આવેલ.

 દરેક મેચમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ  પ્રોત્‍સાહન માટે ઈનામ વિતરણ કરવામાં આવ્‍યું. જેમાં   દિપેશ પુન (ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ)ને બેસ્‍ટ પ્‍લેયર ઓફ ધ મેચ માટે  ટ્રોફી તેમજ ભેટ, પ્રકાશ કોટવાલ (ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ)ને બેસ્‍ટ ગોલકીપર માટે રૂા. ૧,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, મનન શર્મા (ટીમ એચ.આર. માડમ, જામનગર)ને બેસ્‍ટ ડિફેન્‍ડર માટે  રૂા. ૧,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, શ્‍યામ વાળા (ટીમ એચ.આર. માડમ, જામનગર)ને બેસ્‍ટ મિડફિલ્‍ડર માટે  રૂા. ૧,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી, સૌમિલ ફૂલાણી (ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ) ને બેસ્‍ટ ફોરવર્ડ માટે  રૂા. ૧,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અને પવન રામાનુજ (ટીમ એ.જી. ઓફિસ, રાજકોટ) ને બેસ્‍ટ પ્‍લેયર ઓફ ધ ટુર્નામેંટ માટે  રૂા. ૧,૦૦૦નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવેલ હતી.

 કાર્યક્રમના અંતમાં રાજકોટ શહેર પોલીસના એમ.બી. મકવાણા (RPI) એ આભાર વિધિ કરીને પૂર્ણાહુતિ આપી હતી.

(4:23 pm IST)