Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

''વહાલુડીના વિવાહ-૩'' લગ્નોત્સવ સંપન્ન

ર૧ દિકરીઓને તેમના ઘર આંગણે લગ્ન કરાવી આપતું દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ

રાજકોટ તા. ૧૬: માવતરોની સેવા કરતી સંસ્થા ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ માત્ર તરછોડાયેલા બા-બાપની જ નહિ પરંતુ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ ''વહાલુડીના વિવાહ'' યોજી તેમના ભાઇ અથવા પિતા બનવાનું અદભૂત કામ કરે છે.

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા ર૦૧૮ના વર્ષથી વહાલુડીના વિવાહ યોજવામાં આવે છે. આ લગ્નોત્સવમાં સુખી સંપન્ન પરિવારના દાતાઓનો પણ અદભૂત સહયોગ મળે છે. ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના સંસ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજાના નેતૃત્વ નીચે ચાલુ સાલ પણ વધુ ર૧ દિકરીઓના લગ્નોત્સવ પ્રસંગ સંપન્ન થયો.

વહાલુડીના વિવાહ શિર્ષક અંતગૃત સતત ત્રીજા વર્ષે યોજાયેલ આ લગ્નોત્સવ ''વહાલુડીના વિવાહ-૩'' સંપન્ન થયો. જે કુલ ૧૦ દિવસ સુધી ચાલ્યો. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં ચાલુ સાલ દરેક દીકરીઓના ઘરે લગ્ન યોજાયા. સરકારની ગાઇડ લાઇન મુજબ અત્યંત સાદાઇ અને ગરીમાપૂર્ણ આ પ્રત્યેક લગ્નમાં ૭૦ લોકોની હાજરીમાં જ પ્રત્યેક પ્રસંગ ઉજવવામાં આવ્યા.

માતા-પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ આવી ગરીબ નિરાધાર દીકરીઓના જીવનમાં રંગ પુરવા દાતાઓના સહકારથી પ્રત્યેક દીકરીને આ લગ્નોત્સવમાં ૧.રપ લાખ (સવા લાખ)નો કરીયાવર ઉપરાંત ૧પ૦૦૦ ની ફિકસ ડિપોઝીટ તેમજ જમણવારના ખર્ચ પેટે રૂ. ૧૦,૦૦૦/- રોકડા આપવામાં આવેલ. ૧૦ દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં ''દીકરાનું ઘર''ના ૧૭૧ થી વધુ કાર્યકર્તા ભાઇઓ-બહેનો જોડાયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ''દીકરાનું ઘર'' દ્વારા યોજાતા વહાલુડીના વિવાહમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નિરાધાર દીકરીઓની અરજી મંગાવવામાં આવે છે. તેમાંથી પ્રતિ વર્ષ રર દીકરીઓને પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૬ દીકરીઓના લગ્ન કરાવી આપવામાં ''દીકરાનું ઘર'' નિમિત બની છે.

''દીકરાનું ઘર'' દ્વારા યોજાયેલ આ વહાલુડીના વિવાહમાં સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટીઓ મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી તેમજ ડો. નિદત બારોટ માર્ગદર્શનની ભૂમિકામાં રહ્યા હતા.

વહાલુડીના વિવાહ-૩ સંપન્ન કરવામાં સંસ્થાના સમર્પિત કાર્યકરો ઉપેનભાઇ મોદી, શૈલેષભાઇ જાની, ગૌરાંગ ઠકકર, અશ્વિનભાઇ પટેલ, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળા, સુનીલ મહેતા, હરેન મહેતા, પ્રજ્ઞેશભાઇ પટેલ, ગુણુભાઇ ઝાલાડી, યશવંત જોશી, જીતુભાઇ ગાંધી, પરિમલભાઇ જોશી, જયેન્દ્રભાઇ મહેતા, હરીશભાઇ હરીયાણી, મહેશ જીવરાજાની, દોલતભાઇ ગદેશા, હસુભાઇ શાહ, ધીરજભાઇ ટીલાળા, પ્રમોદ વેકરીયા, હાર્દિક દોશી, શૈલેષ દવે, ડો. પ્રતિક મહેતા, આશિષ વોરા, પ્રમોદ વેકરીયા, જીજ્ઞેશ પુરોહિત, પારસ મોદી ઉપરાંત સંસ્થાના મહિલા કમિટીના સભ્યો કલ્પનાબેન દોશી, કાશ્મીરા દોશી, પ્રિતિ વોરા, ફાલ્ગુનીબેન કલ્યાણી, રાધીબેન જીવાણી, ગીતાબેન એ. પટેલ, ગીતાબેન કે. પટેલ, ગીતાબેન વોરા, અરૂણાબેન વેકરીયા, અલ્કા પારેખ, રૂપાબેન વોરા, આશાબેન હરીયાણી, આનંદીબેન પટેલ, મૌસમીબેન કલ્યાણી, ચેતના પટેલ, વર્ષાબેન આદ્રોજા, હિરલ જાની, કિરણબેન વડગામા, ડિમ્પલ કાનાણી સહિતના કાર્યકરોનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

(3:07 pm IST)