Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કોઠારીયા રોડની તિરૂપતિ સોસાયટીમાંથી ભોજપુરનો રાજેન્દ્ર ૧૮૨ કિલો ગાંજાવાળી ગોળીઓ સાથે પકડાયો

બે મહિનાથી યુપીથી લાવતો હોવાનું રટણઃ પાનના ગલ્લાવાળા રૂ.૧૦ની એક વેંચતા : સીઆઇડી ક્રાઇમનો દરોડોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધી વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી

રાજકોટ તા. ૧૬: દારૂ ઉપરાંત હવે શોખીનો ગાંજા સહિતના માદક પદાર્થોનો નશો કરવાના રવાડે પણ ચડી ગયા છે. શહેર પોલીસ અને સીઆઇડી ક્રાઇમ અવાર-નવાર નશીલા પદાર્થો સાથે જુદા જુદા શખ્સોને પકડી લે છે. સીઆઇડી ક્રાઇમની ટીમે રાજકોટના કોઠારીયા રોડ પરની તિરૂપતી સોસાયટી શેરી નં. ૧૧માં ભાડાના મકાનમાં રહેતાં મુળ બિહારના ભોજપુરના રતનપુરના રાજેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ ગુપ્તા (ઉ.વ.૩૭)ને રૂ. ૭૯૬૦૦ની કિંમતના ગાંજા મિશ્રીત પીપરમેન્ટના ૭૯૬ પેકેટ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ આજીડેમ પોલીસમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ શખ્સ તેના વતન તરફથી છેલ્લા બે મહિનાથી આવી નશાયુકત ગોળીઓ લાવીને વેંચતો હોવાનું બહાર આવ્યું છે.

સીઆઇડી ક્રાઇમની ટીમના પીઆઇ જે. જે. ચોૈહાણ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે તિરૂપતી સોસાયટીમાં રહેતો ભોજપુરનો શખ્સ ગાંજો ભેળવેલી ગોળીઓ વેંચે છે. તેને આધારે તેના ઘરમાં દરોડો પાડી તપાસ કરતાં ઘરમાંથી ગાંજો ભેળવેલી રૂ. ૭૯૬૦૦ની ૧૮૨ કિલો ૯૬૦ ગ્રામ વજનની ગોળીઓ-પીપરમેન્ટના પેકેટનો જથ્થો મળી આવતાં તેની સામે ગુનો નોંધી ગોળીઓ, ૨ હજારનો મોબાઇલ ફોન તથા ગોળીઓ વેંચીને કમાયેલા રૂ. ૫૦૦૦ કબ્જે લઇ ધરપકડ કરી તેને આજીડેમ પોલીસને સોંપાયો હતો.

મુળ બિહારનો આ શખ્સ છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં રહી મજૂરી કામ કરે છે અને બે-ત્રણ મહિનાથી યુપી ખાતેથી આવી નશાયુકત ગોળીઓ ખુબ ઓછા ભાવે લાવી રાજકોટમાં અલગ અલગ પાનના ગલ્લાવાળા કે પછી બીજા મજૂર બંધાણીઓને વેંચતો હોવાનું તેણે રટણ કર્યુ હતું. પાનના ધંધાર્થીઓને તે એક પેકેટ રૂ. ૭૫ થી ૧૦૦માં વેંચતો હતો. પાનવાળા રૂ. ૧૦ લેખે એક ગોળી વેંચતા હતાં. નોંધનીય છે કે સીઆઇડી ક્રાઇમમે છેલ્લા એક અઠવાડીયામાં રાજકોટ પંથકમાં ત્રીજો દરોડો પાડ્યો છે. રાજેન્દ્રપ્રસાદની વિશેષ તપાસ માટે આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ ઝાલા, જાવેદભાઇ રિઝવી સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 pm IST)