Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રેલનગરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યોઃ રીઢો રવિ અને પ્રવિણ પકડાયા

સવા મહિના પહેલા લખન કોરીયાના ઘરમાં ચોરી કરી'તીઃ કિરતસિંહ, અમિતભાઇ, નગીનભાઇ અને પ્રદિપસિંહની બાતમીઃ પીએસઆઇ એમ. જે. હુણની ટીમની કાર્યવાહી : રવિ કબીરા અગાઉ ચોરીના ચાર અને મારામારીના એક ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે

રાજકોટ તા. ૧૬: સવા મહિના પહેલા રેલનગરમાં ભગીની નવોદિતા ટાઉનશીપમાં રહેતાં મુળ ગડુ શેરબાગના પ્રજાપતિ યુવાન  લખન નારણભાઇ કોરીયાના ઘરમાંથી રોકડ અને બે મોબાઇલ ફોન મળી ૨૭ હજારની ચોરીનો બનાવ બન્‍યો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે શખ્‍સોને પકડી લઇ મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ ચોરી, ચિલઝડપ, છેતરપીંડી, લૂંટ સહિતના અગાઉ બનેલા ગુનાઓને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના કિરતસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત અને કોન્‍સ. નગીનભાઇ ડાંગર તથા પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતાં બે શખ્‍સોને જામનગર રોડ એરપોર્ટ રોડ બગીચા પાસેથી પકડી લીધા હતાં. આ બંને પાસેથી વીવો કંપનીના બે મોબાઇલ મળતાં તે ચોરાઉ હોવાની બાતમી હોઇ આકરી પુછતાછ કરતાં પહેલા તો પોતાના હોવાનું કહ્યા બાદ ચોરી કર્યાનું કબુલતાં ધરપકડ કરાઇ હતી.

પુછતાછમાં પોતાના નામ રવિ વિનોદભાઇ કબીરા (ઉ.૨૪-રહે. રૈયાધાર મફતીયાપરા, મુળ, પરસાણા સોસાયટી-૩, જામનગર રોડ સાંઢીયા પુલ પાસે) તથા પ્રવિણ રાજુભાઇ સવાસરીયા (ઉ.૧૯-રહે. પોપટપરા માઉન્‍ટેન પોલીસ લાઇન પાછળ ત્રેપન ક્‍વાર્ટર પાસે) જણાવ્‍યા હતાં. રવિ રિક્ષા ચાલક છે અને પ્રવિણ મજૂરી કરે છે. બંનેએ ગત ૨૭/૬ના રોજ રેલનગરમાં ગેરેજનું કામ કરતાં લખન કોરીયાના ઘરમાંથી આ ચોરી કરી હતી. પરિવારજનો ગરમીને કારણે રૂમનો દરવાજો ખુલ્લો રાખી સુતા હોઇ આ બંને એ ખુલ્લા ઘરમાંથી ચોરી કરી હતી.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ઘનશ્‍યામભાઇ મેણીયા, સંજયભાઇ, રૂપાપરા સહિતે આ કામગીરી કરી હતી.

પકડાયેલામાં રવિ કબીરા અગાઉ ગાંધીગ્રામ, પ્ર.નગર, આજીડેમ, એ-ડિવીઝન પોલીસમાં ચોરીના ચાર અને મારામારીના એક મળી પાંચ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે.

(11:39 am IST)