Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સિવિલ કોવિડમાં રોજ જોવા મળે છે ભાવનાત્મક દ્રશ્યો : તાળીઓના ગડગડાટ સાથે દર્દીઓને ઘરે જવા વિદાય

સાજા થતાં દર્દીઓ વિદાય વખતે આંખમાંથી હર્ષના આંસુ સાથે માંડે છે જોશભેર ડગલા : દર્દીઓના પ્રતિભાવોઃ સિવિલમાં સારવાર આપતી દિકરીઓ સાક્ષાત જોગમાયા જેવી...સિવિલનો સ્ટાફ પરિવારથી વિશેષ રાખે છે કાળજી...વીઆઇપી સુવિધા મળી હોવાનો પણ પ્રતિભાવ

રાજકોટ તા. ૧૬ : એક હાથમાં કપડાની થેલી અને બીજા હાથથી અલવિદા, આંખમાંથી હર્ષના આંસુ, જોશભેર ડગલા માંડતા દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપતી વેળાએ હદયમાંથી ઉભરતી ખુશીઓની લાગણીઓનો વહેતો દરિયો રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે સાજા થયાં બાદ ઘર-પરિવાર સાથે મિલન કરવા જતા દર્દીઓ અને સ્ટાફ વચ્ચેનું આ દ્રશ્ય રોજબરોજ અહી જોવા મળે છે.

અને હા, આ દર્દીઓ અહી ઘર પરિવારથી દુર એક થી બે સપ્તાહ રહ્યા હોઈ અહીંનો સ્ટાફ જ તેમના આત્મજન બની જતા હોઈ છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જયારે તેમની સારવાર અને કાળજી લેવામાં આવતી હોએ છે તેના બદલામાં દર્દીઓ પણ વિદાય વેળાએ ભાવુક બની તેમના આ નવા પરિવાર પ્રત્યે ખુલ્લા દિલે અભિવ્યકિત કરવા તત્પર હોઈ છે. આ છે દર્દીઓના પ્રતિભાવ....

અશ્વિનભાઈ સોનગરા

અશ્વિનભાઈ નાથાભાઈ સોનગરાએ સિવિલ ખાતે મળતી સારવારથી અત્યંત ભાવુક બની તેમની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, સ્ટાફ ખુબ માયાળુ છે, બહાર જે હોસ્પિટલ માટે વાતો થાય છે તે માત્ર અફવા છે. આ સારવાર આપતી છોકરીઓ નથી પણ સાક્ષાત જોગમાયાઓ છે, દરેક દીકરીઓએ માથા પર હાથ મૂકી સાંત્વના આપી અમારી સંભાળ લીધી છે. અશ્વિનભાઈ દીકરીઓએ કરેલી સારવાર માટે કૃતજ્ઞતા ભાવ વ્યકત કરતા જણાવે છે કે આ દીકરીઓને ગોદ લઈ તેમને જીવનની બધી ખુશીઓ આપવી જોઈએ... રાજકોટમાં આટલા સારા ડોકટર, હોસ્પિટલ, સ્ટાફ કયાય નહિ મળે, અડધી રાત્રે ઓકસીજનની નળી હલી ગઈ હોઈ તો સરખી કરી આપે છે. મને અહીના ખોરાક અને તમામ સુવિધાથી સંપૂણ સંતોષ છે તેમ અશ્વિનભાઈ જણાવે છે.

પ્રકાશ અમૃતલાલ વોરા

રાજકોટના પ્રકાશ અમૃતલાલ વોરા છેલ્લા સાત દિવસથી કોવીડ -૧૯ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમનો અનુભવ અને લાગણી વ્યકત કરતા કહે છે કે, મને અહી વી.આઈ.પી. સુવિધા મળી રહી છે, જે મારા અનુભવથી કહું છું. આજે મને જયારે ખુબ સારું થઈ ગયું છે અને મને નવો અવતાર મળ્યો છે ત્યારે ચોક્કસ કહીશ કે આવો સ્ટાફ અને ડોકટરની ટીમ કે જેઓ મને ઓળખતા પણ નથી તેઓએ મારી ખુબ સારી સેવા કરી છે. જેમનો હું દિલથી આભારી છું.

પુષ્પાબેન ભટ્ટી

સિસ્ટર, નર્સ, ડોકટરોએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે. ખાવા પીવાની કોઈ કચાસ રાખી નથી. સારવાર લેતા લેતા આજે મારો નવમો દિવસ છે હોસ્પિટલમાં, હવે સાવ સારું થઈ ગયું છે અને હવે મને હોસ્પિટલમાંથી રજા આપે છે એટલે હું હવે ઘરે જવાની છે. નવજીવન પ્રાપ્ત થયાના આનંદ સાથેના આ શબ્દો છે રાજકોટના વતની પુષ્પાબેન નીલેશભાઈ ભટ્ટીના.

દર્દીઓને સંતોષ થાય એટલે અમને કામની કદર થયાનો સંતોષ : ડો. નિધી પટેલ

રાજકોટ : ન્યુરો સર્જન તરીકે છેલ્લા છ માસથી સેવા આપતા અને હાલ રેસીડન્ટ અને ઇન્ટર્ન ડોકટર્સની ટીમની જવાદારી સાથે જેમને ફલોર મેનેજરની અતિ મહત્વની જવાબદારો સોપવામાં આવી છે તે ડો. નિધિ પટેલ દર્દીઓ સાથેના અનુભવ જણાવતા કહે છે કે અહી દર્દીઓ અને અમારી વચ્ચે ગજબનો આત્મીય નાતો બંધાઈ જતો હોઈ છે.

ન્યુરો સર્જન હોવા છતાં બધું છોડી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યો છું ત્યારે દર્દીઓને સારવારથી નવજીવન મળતા ખુબ આનંદ થાય છે. દર્દીઓ જયારે એમ કહે કે આવી સારવાર મેળવવી અમને ખાનગી હોસ્પીટલમાં પણ શકય નથી તેવી લાગણી દર્દીઓ બતાવે છે ત્યારે આપણા કામની કદર થતી હોવાની સાથે ખુબ જ આનંદની અનુભૂતિ થતી હોવાનું ડો. નિધિ પટેલ કહે છે.

છેલ્લા ૬ માસથી સાજા થયેલા દર્દીઓની લાગણીભરી વિદાય વેળાએ'હારશે કોરોના... જીતશે રાજકોટ'ના જોશભેર નારાઓથી સમગ્ર કેમ્પસનું વાતાવરણ વાઈબ્રન્ટ બની જાય છે...

કોરોના મુકત થતાં દર્દીઓ સતત માની રહ્યા છે તબિબો-નર્સિંગ સ્ટાફનો આભાર

સિવિલ હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થા હોવાની વાતો તદ્દન ખોટી... સંક્રમિતોએ અહિ જ સારવાર લેવી જોઇએ : રમેશભાઇ રૈયાણી

સરકારી કોવિડ હોસ્પિટલમાં ડોકટર,આરોગ્યકર્મીઓ અને અન્ય સેવારત કર્મયોગીઓની સમર્પિત સેવાભાવ સાથે દર્દી નારાયણની સેવા કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વેળાએ અનેક દર્દીઓ ડોકટર આરોગ્યકર્મીઓના ઋણી હોવાનો અહેસાસ સાથે ભાવુક બની ગયો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થયેલા ગોંડલના વતની શ્રી રમેશભાઈ ગોપાલભાઈ રૈયાણી કહે છે કે,સરકારી હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થા હોવાની વાત તદ્દન ખોટી છે. કોરોના સંક્રમિતોએ સરકારી હોસ્પિટલમાં જ સારવાર મેળવવી જોઈએ. અહીંયા ખૂબ સરસ વ્યવસ્થાની સાથે એટલો જ વિવેકી આરોગ્યકર્મીઓનો પુરતો સ્ટાફ છે. તમને સારવાર દરમિયાન કોઈ અગવડતા ન પડવા દયે. ડોકટર્સ અને આરોગ્યકર્મીઓની આ સમર્પિત ભાવ સાથેની સેવાને શ્રી રૈયાણીએ બિરદાવી હતી.

રાજકોટના નંદા હોલ પાસે નિવાસ કરતા અને કોરોના વાયરસથી મુકત બનેલા શ્રી પ્રકાશ પરમાર કહે છે કે,બે દિવસથી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ સમરસ હોસ્ટેલ ખાતેની હોસ્પીટલમાં શિફટ કરવામાં આવ્યો હતો. આજે ડોકટર અને આરોગ્ય કર્મીઓની ઉત્ત્।મ સારવાર અને સેવાથી હું સ્વસ્થ બન્યો છું તેવો તેમણે અહોભાવ પ્રગટ કર્યો હતો. તેવા જ કોરોનાથી મુકત બનેલા જામકંડોરણાના જયાબેન અને જસદણના સોનાબેન ડોકટર અને આરોગ્ય કર્મીઓની સેવાથી સ્વસ્થ થયા હોવાનો એકરાર કરતા તેમનો આભાર પ્રગટ કરતાં થાકતાં નથી.

સમરસ કોવિડ સેન્ટર... સમભાવથી થઇ રહી છે દરેક દર્દીઓની સારવાર

ભ્રમિત વાતો પર નહિ, આરોગ્ય કર્મીઓની સેવા પર વિશ્વાસ કરો : નંદલાલભાઇ

રાજકોટ : 'મેં તો મારા મિત્રને પણ કહ્યું હતું કે, ભાઈ કોરોનાની સારવાર માટે આંખો મીંચીને પૂરા વિશ્વાસ સાથે સમરસ કોવીડ કેર સેન્ટરમાં જ જતો રહેજે. હું સારવાર લઈને પરત ફરી ગયો છું. ખાનગી હોસ્પિટલને પણ પાછળ મુકી દે દર્દીની એવી સારવાર અને દેખરેખ કરવામાં આવી રહી છે.' સરકાર અને આરોગ્ય વિભાગની કામગીરીની પ્રશંશા સાથે અન્ય શહેરીજનોને આરોગ્ય કર્મીઓની સેવા-ચાકરી પર ભરોસો મુકવાની સલાહ આપતા આ શબ્દો છે નંદલાલભાઈ રાખડીયાના.

નાના મૌવા વિસ્તારમાં રહેતા નંદલાલભાઈએ સમરસ કોવીડ કેર સેન્ટરની સારવાર અંગે મંતવ્ય વ્યકત કરતાં કહ્યું હતું કે, 'તાવ અને શરદીના લક્ષણો હોવાથી ફેમિલિ ડોકટર પાસે દવા લીધી હતી પરંતુ તબિયતમાં સુધારો ન થતાં મેં અને મારા પત્નીએ સ્વૈચ્છાએ આરોગ્ય કેન્દ્રમાં એન્ટીજન ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. ટેસ્ટ પોઝીટીવ આવતા તબીબે પુછ્યું હતું કે હોમ આઈસોલેટ થવું છે કે સમરસ કોવીડ કેર સેન્ટરમાં? પણ અમે દંપતિએ સમરસમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું. અને ખરેખર ત્યાં કોરોના દર્દીઓની અંતઃકરણની સાર-સંભાળ રાખવામાં આવી રહી છે.'

 સોશ્યિલ મીડિયાના વાયરલ વીડિયોથી ભ્રમિત થઈને શું કામ આપણે આરોગ્ય કર્મીઓની સારવાર પર સંદેહ કરીએ છીએ. કોઈપણ પ્રકારના અનુભવો વગર રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમયસરમાં અપાતી સારવાર માટે શા કારણે નકારાત્મક વલણ અપનાવી લેવું જોઈએ તેમ નંદલાલભાઈએ કહ્યું હતું.

ભયમુકત બનીને સારવાર કરતાં આરોગ્ય કર્મીઓ દર્દીઓને ઉત્તમોત્તમ સારવાર પ્રદાન કરી રહ્યા છે. ત્યારે આપણે પણ ભયમુકત થઈને તેમની સારવારનો લાભ લઈને સંપૂર્ણ સ્વસ્થ બનીએ.

(3:35 pm IST)
  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • જાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST