Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં PSIની પરિક્ષાની તૈયારી માટે દોડી રહેલા ભાણવડના ભાવેશનું હૃદય બેસી જતાં ‘જિંદગીની દોડ'નો અંત

૨૮ વર્ષના ભરવાડ યુવાનના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: રાજકોટ પોપટપરામાં મોટા ભાઇ સાથે રહી પરિક્ષાની તૈયારી કરતો હતો : ભાવેશ આ વખતે ચોક્કસ પાસ થઇ જશે તેવી પરિવારજનોને આશા હતી

તસ્‍વીરમાં ભાવેશ મકવાણાનો નિષ્‍પ્રાણ દેહ અને હોસ્‍પિટલે દોડી આવેલા તેની સાથે જ પીએસઆઇની પરિક્ષાની તૈયારી કરનારા યુવાનો નજરે પડે છે.
રાજકોટ તા. ૧૬: જિંદગીની સફરનો અંત ગમે ત્‍યારે અને ગમે ત્‍યાં આવી જતો હોય છે. દેવભુમિ દ્વારકાના ભાણવડ ગામના વતની અને હાલ રાજકોટ પોપટપરામાં મોટા ભાઇ સાથે રહી પીએસઆઇની પરિક્ષાની તૈયારી કરી રહેલા ૨૮ વર્ષના ભરવાડ યુવાનું આજે સવારે રેસકોર્ષમાં બહુમાળી સામેના ગાર્ડનવાળા મેદાનમાં પરિક્ષાની તૈયારી અંતર્ગત દોડતી વખતે હૃદય બેસી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં અને તેની સાથે તૈયારી કરી રહેલા યુવાનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ ભાણવડ રહેતો ભાવેશ કાનાભાઇ મકવાણા (ભરવાડ) (ઉ.વ.૨૮) ચારેક વર્ષથી રાજકોટ પોપટપરા-૧૦માં પોતાના મોટા ભાઇ જેશાભાઇ મકવાણા સાથે રહેતો હતો અને અને પીએસઆઇની પરિક્ષાની તૈયારી કરતો હતો. પરિક્ષા પાસ કરવા માટે ૨૫ મિનીટમાં પાંચ કિલોમીટરની દોડ પુરી કરવાની હોય છે. આ દોડની તૈયારી કરવા માટે તે ઘણા દિવસોથી રેસકોર્ષના લવગાર્ડનવાળા મેદાનમાં આવતો હતો અને બીજા યુવાનો કે જે પણ પીએસઆઇની પરિક્ષાની તૈયારી કરે છે તેની સાથે દોડવાની તૈયારી કરતો હતો.
આજે સવારે પણ તે નિત્‍યક્રમ મુજબ દોડવા માટે ઘરેથી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ પર આવ્‍યો હતો. અહિ એક રાઉન્‍ડ પુરૂ કર્યા પછી બીજુ રાઉન્‍ડ દોડતી વખતે એકાએક બેભાન થઇ ઢળી પડયો હતો. સાથે દોડનારા બીજા પચાસથી સાંઇઠ જેટલા યુવાનોએ તેને તાબડતોબ કાર મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તેનો મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
બનાવની જાણ ભાવેશના ભાઇ જેશાભાઇને કરવામાં આવતાં તે તથા બીજા સ્‍વજનો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. જેશાભાઇ બેડી ચોકડીએ ચાની દૂકાન ધરાવે છે. તેણે જણાવ્‍યું હતું કે ભાવેશ ભણવામાં હોશીયાર હતો અને તેને પીએસઆઇ બનવું હોઇ જેથી રાજકોટ પોતાની સાથે રહી પરિક્ષાની તૈયારી કરતો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પત્‍નિનું નામ ભાવુબેન છે. પિતા કાનાભાઇ મકવાણા અને માતા ડાહીબેન મકવાણા સહિતના પરિવારજનો ભાણવડ  ગોપાલપરામાં રહે છે. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેણે અગાઉ પણ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓ આપી હતી. આ વખતે તે સો ટકા પીએસઆઇની પરિક્ષામાં પાસ થઇ જ જશે તેવી પરિવારજનોને આશા હતી. પરંતુ અકાળે કાળ ભેટી જતાં સ્‍વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.
હોસ્‍પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ સાકરીયા અને રાઇટર ગોૈતમભાઇ રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.


દોડવાના નિયમોમાં ફેરફાર થતાં પરિક્ષાર્થીઓ પર બોઝો વધતો હોવાનો યુવાનોનો આક્ષેપ
મૃત્‍યુ પામનાર ભાવેશ મકવાણાની સાથે જ પીએસઆઇની પરિક્ષાની તૈયારી કરી રહેલા અને ભાવેશને હોસ્‍પિટલે લઇ આવેલા યુવાનોએ જણાવ્‍યું હતું કે પીએસઆઇની પરિક્ષાની તૈયારીમાં દોડના નિયમોમાં ફેરફાર થયો હોવાથી પરિક્ષાર્થીઓ પર બોઝો વધી જાય છે. ૨૫ મિનીટમાં પાંચ કિલોમીટર પુરૂ કરી લે એ પરિક્ષાર્થી પાસ તો ગણાય છે. પરંતુ નવા નિયમ મુજબ જેટલા પરિક્ષાર્થી હોય તેમાંથી પંદર ગણાને માર્કસ મુજબ ભરતી પ્રક્રિયામાં આગળ એન્‍ટ્રી અપાય છે. એટલે કે ૨૫ મિનીટને બદલે ૨૦ મિનીટમાં પાંચ કિ.મી. દોડ પુરી કરે તો તેને ૫૦ માર્ક અપાય છે. જે વધુ માર્ક લાવે તેનો ચાન્‍સ આગળ વધવા માટે વધુ રહે છે. આ નિયમમાં ફેરફાર થવો જોઇએ તેવી અમારી માંગણી છે. તે યુવાનોએ કહ્યું હતું. નોંધનીય છે કે અગાઉ ભરતી પ્રક્રિયામાં ઇન્‍ટરવ્‍યુ લેવામાં આવતાં હતાં. એ પ્રથા રદ કરી તેના બદલે દોડમાં નવો માર્કસનો નિયમ લાગુ કરાયો હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

 

(11:20 am IST)