Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનથી શહેરમાં 'વન ડે ટુ વોર્ડ' સફાઇ ઝુંબેશનો પ્રારંભ

દરેક વોર્ડમાં જેસીબી, ટીપરવાન, ટ્રેકટર સહિતના સાધનો સાથે સઘન સફાઇ - દવા છંટકાવ કરાવવા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભરનું આયોજન

રાજકોટ તા. ૧૬ : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ મુકેલ છે. સમગ્ર દેશમાં દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે 'સ્વચ્છ ભારત મિશન' અભિયાન શરૂ કરેલ છે. આવતીકાલ તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે ટુ વોર્ડ' સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

આ સફાઈ ઝુંબેશમાં સોલિડ વેસ્ટ વિભાગ મેનેજમેન્ટ સહિત જે તે વોર્ડના સંબંધક અધિકારીઓ દ્વારા વોર્ડની સફાઈ માટેની રૂટ વિગેરે નક્કી કરાશે. સફાઈ ઝુંબેશમાં જે.સી.બી., ડમ્પર, ટીપરવાન, ટ્રેકટર, જરૂરી સાધનો સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમ્યાન રોગચાળો પ્રસરે નહિ તે માટે મેલેરીયા વિભાગ દ્વારા વોર્ડમાં આવેલ નાના-મોટા ખાડા-ખાબોચિયામાં MLO છંટકાવની કામગીરી, પુખ્ત મચ્છરના નાશ માટે ઘરની અન્ડર ફોગીંગની કામગીરી, વ્હીકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગની કામગીરી, ઘરમાં રહેલ પાણીના ટાંકા, પીપ, અન્ય પાત્રો ચકાસી મચ્છરના પોરા જણાય તો ટેમીફોશ દવા નાંખી મચ્છરના પોરાનો નાશ કરવાની કામગીરી, ઘરની અંદર કે બહાર મોટા ખુલ્લા પાણી ભરેલા પાત્રો હોય તો પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, પત્રિકા વિતરણ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ધરાશે. વિશેષમાં, બાંધકામ વિભાગ દ્વારા વોર્ડમાં ગારો-કીચડની સફાઈ તેમજ ગાર્ડન વિભાગ દ્વારા ઝાડ-પાન તથા ડાળીઓના કચરાઓનું નિકાલ કરાશે'વન ડે ટુ વોર્ડ' સફાઈ ઝુંબેશ સતત નવ દિવસ સવારના ૮.૩૦ કલાકથી સફાઇ કાર્યહાથ ધરવાનું આયોજન કરેલ છે.યાદીના અંતે શ્રી પટેલ તથા શ્રી પાંભરે અપીલ કરી છે કે, આપણું શહેર સ્વચ્છ અને હરીયાળું બને તે માટે મહાનગરપાલિકા તંત્રની સાથે તમામ નગરજનોના સહકારથી ખૂબજ સારૂ પરિણામ મળશે જે માટે કચરો જયાં ત્યાં રોડ પર નહિ નાંખવાને બદલે ડસ્ટબીનમાં નાંખવા તેમજ ઘરનો કચરો ટીપરવાનને જ આપવો.

(4:07 pm IST)