Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સોની ગૃહસ્થને આપઘાતની ફરજ પાડવાના કેસમાં ૪ આરોપીની આગોતરા અને બે ની જામીન અરજી રદ્દ

રાજકોટ તા. ૧૬ : રાજકોટના સેશન્સ જજે સોની અગ્રણી રમેશભાઈ મોરારજીભાઈ લોઢીયાને આત્મહત્યાની ફરજ પાડવા બદલ ક્ષત્રિય આરોપીઓ અરવિંંદસિંહ મહિપતસિંહ, જગદિશસિંહ મહિપતસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ રતુભા જાડેજા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા ની આગોતરા જામીન અરજીઓ તેમજ દિલીપસિંંહ પ્રતાપસિંહ રાયજાદા અને દિવ્યાબા દિલીપસિંહ રાયજાદા ની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે. 

 આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટમાં રહેતા સોની અગ્રણી રમેશભાઈ મોરારજીભાઈ લોઢીયા એ આરોપીઓને રૂ.૭પ–લાખ ઉછીના આપેલ હતા જેની સિકયુરીટી પેટે આરોપીઓએ રૂ.૩૭–લાખના દાગીના ગીરવે મુકેલ હતા. આ ગીરવે મુકેલ દાગીનાઓ રમેશભાઈએ બેંકમાં આપી રૂ.ર૧–લાખની લોન લીધેલ હતી. સમય જતા કુલ ૮–આરોપીઓએ પોતાના દાગીના રમેશભાઈને રૂ.૭પ–લાખ પરત ચુકવ્યા વિના માંગેલ હતા. આ રીતે આરોપીઓના દાગીના બેંકમાં ગીરવે મુકેલ હોવાથી રમેશભાઈ આ દાગીના આરોપીઓને પરત આપી શકે તેમ ન હતા. આથી રમેશભાઈએ આરોપીઓને દાગીના પરત આપતા પહેલા પોતાના રૂ.૭પ–લાખ પરત ચુકવવાનો આગ્રહ રાખેલ. આરોપીઓને આ રકમ પરત ચુકવવી ન હોવાથી ગુજ. રમેશભાઈ ઉપર દાદાગીરી, બળજબરી અને ધાકધમકીઓ આપી તેઓના દાગીના પરત આપવા દબાણ કરેલ હતું. આ દબાણ મુજબ રમેશભાઈ આરોપીઓને દાગીના પરત આપી શકે તેમ ન હોવાના માનસિહ તનાવથી તેઓએ આત્મહત્યા કરી લીધેલ હતી. આત્મહત્યા કરતા પહેલા રમેશભાઈએ સ્યુસાઈડ નોટ લખી તમામ આરોપીઓના નામ જણાવેલ હતા. 

આ કામે રમેશભાઈ મોરારજીભાઈ લોઢીયાનુ મૃત્યુ થતા આજી ડેમ પોલીસે દિલીપસિંહ રાયજાદા અને તેમના પત્નિ દિવ્યાબા દિલીપસિંહની ધરપકડ કરેલ હતી. અન્ય આરોપીઓ મળી આવેલ ન હોવાથી તેઓની ધરપકડ થયેલ ન હતી. ધરપકડ થયેલ દંપતીએ રેગ્યુલર જામીન અરજી કરેલ હતી અને અન્ય આરોપીઓએ આગોતરા જામીનની અરજી રજુ કરી કોર્ટ સમક્ષ રજુઆત કરેલ કે, મરણજનારએ ૧૧–પાનાની સ્યુસાઈડ નોટ લખેલ છે તેમાં રૂ.૭પ–લાખના વ્યવહારની હકિકત કોઈ સ્પષ્ટતાથી જણાવેલ નથી તેથી આ સ્યુસાઈડ નોટ ઉપર આધાર રાખી આરોપીઓને જેલમાં રાખી શકાય નહી. શ્રી સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા

સરકારી વકિલશ્રી એસ.કે.વોરાએ જણાવેલ હતુ કે, જે માનસિક અવસ્થામાં રમેશભાઈ મોરારજીભાઈ લોઢીયાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કરેલ તે માનસિક અવસ્થામાં સ્યુસાઈડ નોટ લખતી વખતે વકિલના ડ્રાફટીંગ જેવી સ્પષ્ટતાની અપેક્ષા રાખી શકાય નહી. સ્યુસાઈડ નોટ લખતી વખતે મરણજનારની માનસિક અવસ્થા, તેની સામાજીક સ્થિતી, ભણતર, વિગેરેને ઘ્યાનમાં રાખી મરણજનારને આત્મહત્યા કરવાનુ જે કારણ હોય તે કોર્ટે પોતાના વિવેકબુઘ્ધિથી તારવવુ જોઈએ. આ મુજબ મરણજનારની સ્યુસાઈડ નોટમાં વાકયરચના અસ્પષ્ટ હોવા માત્રથી આરોપીઓએ મરણજનારને આત્મહત્યાની ફરજ પાડેલ નથી તેમ માની શકાય નહી. બંને પક્ષકારોની દલીલના અંતે સેશન્સ જજે ૪–આરોપીઓની આગોતરા જામીન અરજી અને મહિલા સહીત ર–આરોપીઓની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે. 

આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.(૨૧.૧૬)

સંજયભાઇ વોરા

 જિલ્લા સરકારી વકીલ

(3:03 pm IST)