Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દુધસાગર રોડ પર ડ્રેનેજ પાઇપ લાઇન નહી નંખાતા ગંદા પાણીની રેલમછેલ : ભાનુબેન સોરાણી

વોર્ડ નં. ૧૫માં શાસકોની કિન્નાખોરી : કોંગ્રેસ : ૩૦ વર્ષ જુની લાઇન બદલાવવા વર્ષો જુની માંગ - ધાર્મિક સ્થળો પાસે ગંદકીથી લોકોની લાગણી દુભાઇ રહી છે : અધિકારી ફાઇલ ઉપસ્થિત નથી કરતા : વશરામભાઇ સાગઠિયા - મકબુલ દાઉદાણીના આક્ષેપો

રાજકોટ તા. ૧૬ : વોર્ડ નં. ૧૫માં ડ્રેનેજ પાઇપ લાઇન નાંખવા બાબતે શાસકો કિન્નાખોરી રાખતા હોવાના આક્ષેપો વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ કર્યા છે.

આ અંગે મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા શ્રી વશરામભાઈ સાગઠીયા, વોર્ડ નં.૧૫ ના કોર્પોરેટર શ્રી મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈએ સંયુકત યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરના વોર્ડ નં.૧૫માં આવેલ દૂધસાગર માર્ગ ચુનારાવાડ ચોક થી માજોઠી નગરના કોર્નર સુધી જે હયાત ડ્રેનેજ લાઈન છે જેમાં લાઈન નાની હોય ૩૦ વર્ષ જૂની લાઈન હોય જે ત્યારના વસ્તીના ધોરણે નાખેલ હોય હાલ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેવાસીઓનો વધારો થયેલો છે ત્યારે આ જ ડ્રેનેજ લાઈનમાં બે મોટી ઇન્ડસ્ટ્રીઝનું અને ગોપાલ ડેરીનું ગંદુ-મેલું પાણી વિપુલ જથ્થામાં છોડવામાં આવે છે.

આ વિસ્તારમાં વર્ષો જૂની ભગવતી સોસાયટી, લાખાજીરાજ સોસાયટી, માજોઠી નગર, સહિતના વિસ્તારનું ડ્રેનેજનું પાણી આ લાઈનમાં આવતું હોય ત્યારે લાઈનની ક્ષમતા બહારની ડ્રેનેજની લાઈનમાં રોજીંદા પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાય છે જેથી લોકો ખુબ જ હેરાન થાય છે.

એચ.જે. સ્ટીલ પાસેના મેનહોલના હેડીંગ ભરાઈ જતા હોય અને આ ઢાળ વાળો રોડ હોય અને ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ ત્યારે એકાદ કિલોમીટર જેટલું ગંદુ પાણી રોડ ઉપર ભરાયેલા રહે છે આ રોડ ઉપર વાહન નીકળે ત્યારે બાજુમાં દુકાનો અને લોકોને આ ગંદુ પાણી ઉડતું હોય તેમજ ઘર અને દુકાનોના ઓટલે જ પાણી ભરાઈ જવાની સમસ્યા સાથે આ રોડ પર બે ધાર્મિક મસ્જીદ આવેલ છે અને હનુમાનજીનું મંદિર આવેલ છે આ બંને મસ્જીદ અને હનુમાનજીના મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ છેલ્લા સાત માસથી સતત ગંદા પાણીનો ચાર-ચાર ઇંચ જેટલો ભરાવો થાય છે, જયારે ધાર્મિક સ્થાનમાં પ્રવેશવાની જગ્યાએ જ આ ગંદા પાણી ભરાવાનો વિકટ પ્રશ્ન થતો હોય અને આ રોજીંદા પ્રશ્ને ઉકેલ ન આવવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે લોકો દ્વારા અમોને અવાર-નવાર વ્યાપક પ્રમાણમાં ફરિયાદ અને નવી લાઈન નાખવા રજુઆતો આવેલ છે.

જે સંદર્ભે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો દ્વારા છેલ્લા ત્રણ વર્ષ પહેલા ડ્રેનેજ લાઈનના ડાયામીટર વધારવા અને મોટી ક્ષમતા વાળી ડ્રેનેજ લાઈન નાખવા માટે ફાઈલ ઉપસ્થિત કરાવેલ હતી જયારે ગંજીવાડા મહાકાલી ચોક થી ચુનારાવાડ ચોક થી નદી કાંઠા સુધી તે કામની સાથે આ કામની રજૂઆત સાથે શામેલ હતી એ કામ પૂર્ણ થઇ ગયેલું હોય ત્યારે આ કામ શા માટે બાકી રાખ્યું ? સીટી ઈજનેરશ્રી ચિરાગ પંડ્યા દ્વારા આ કામ આખા ટેન્ડરમાંથી દૂધસાગર માર્ગ બાકાત કરેલ હતો જે સમયની ફાઈલ આજની તારીખે પુરાવા તરીકે શાખામાં ઉપલબ્ધ છે.

દરમિયાન ઇસ્ટ ઝોનના વર્તમાન સીટી ઈજનેરશ્રી દ્વારા સ્થાનિક કોર્પોરેટરો, લત્ત્।ાવાસીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફને ગેરમાર્ગે દોરી શાસકોના ઈશારે આ કામે સાત માસથી વિકટ પ્રશ્ન હોય તો ફાઈલ પણ ઉપસ્થિત કરેલ નથી

આ વોર્ડમાં હિંદુ-મુસ્લિમ ભાઈચારાથી વર્ષોથી રહે છે ત્યારે છેલ્લા સાત માસથી એક ને એક ફરિયાદ આવતી હોય જેનો ઉકેલ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ અને કોન્ટ્રાકટરનો સ્ટાફ પણ દરરોજ સવારે બે થી ચાર કલાક સુધી કામગીરી કરે છે.

આમ, ઇસ્ટ ઝોન સીટી ઈજનેર નાયબ કમિશ્નરશ્રી (ઇસ્ટઝોન)ને અને કમિશ્નર સાહેબને ડ્રેનેજ લાઈન બાબતે ગેરમાર્ગે દોરી રહ્યા છે જે પ્રશ્ને કોઈ નક્કર પગલા લેવામાં આવતા ન હોય તેમજ સાઈટ વિઝીટ દરમ્યાન ઇસ્ટ ઝોન સીટી ઈજનેર લોકોને ખોટા આશ્વાસન આપી લોકોને છેતર્યા છે અને હિંન્દુ – મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુબાઇ રહી છે. આજે વોર્ડ નં.૧૫ના લોકો ખુબ જ હેરાનગતિ ભોગવી રહ્યા ત્યારે રોજબરોજનો ડ્રેનેજ પ્રશ્નનો તાત્કાલિક વ્યવહારૂ ઉકેલ લાવવો જોઈએ તેવું વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, વોર્ડ નં.૧૫ ના કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:37 pm IST)