Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

કલેકટર કચેરીમાં એક સાથે ૧૧ ઓબર્ઝવરોની ચૂંટણી અંગે સમીક્ષા બેઠક : તમામ માહિતી આપતા કલેકટર

પોલીસ કમિશ્‍નર-ડીએસપીએ-બંદોબસ્‍ત-ફલાઇંગ સ્‍કવોડ-ચેકીંગની વિગતો જણાવી

રાજકોટ તા.૧૫:  રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓ મુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે આજે રાજકોટ જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ ૬ સામાન્‍ય નિરીક્ષકો, ૪ ખર્ચ નિરીક્ષકો, ૧ પોલીસ નિરીક્ષકનું સ્‍વાગત કર્યું હતું. તેમણે રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્‍તારમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓની વિગતવાર જાણકારી નિરીક્ષકશ્રીઓને આપી હતી. ચૂંટણીપંચની માર્ગદર્શિકાના ચુસ્‍ત પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો તેમણે રજૂ કરી હતી.

જિલ્લામાં પોસ્‍ટલ બેલેટ, દિવ્‍યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્‍યવસ્‍થા, ઈ.વી.એમ. સ્‍ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્‍યવસ્‍થા, જિલ્લામાં ચૂંટણી સ્‍ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્‍ત, આચાર સંહિતાનો ચુસ્‍ત અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનીટરીંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્‍વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિગતવાર માહિતી નિરીક્ષકશ્રીઓને આપવામાં આવી હતી.

સામાન્‍ય નિરીક્ષકો સર્વ શ્રી નીલમ મીના, શ્રી શિલ્‍પા ગુપ્તા, સુશીલકુમાર પટેલ, શ્રી વી.વી. જયોત્‍સના, શ્રી મિથીલેશ મિશ્રા, શ્રી પ્રીતિ ગેહલોતએ પોતાના મત વિસ્‍તારની વિગતવાર માહિતી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા. જયારે પોલીસ નિરીક્ષકશ્રી એસ. પરીમાલાએ કાયદો વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી.

ચાર ખર્ચ નિરીક્ષક સર્વ શ્રી જનાર્દન એસ., શ્રી બાલા ક્રિષ્‍ના એસ., શ્રી શૈલેન સમદર, શ્રી અમિતકુમાર સોનીએ ઉમેદવારો, રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. જિલ્લામાં થયેલી ચૂંટણીની તૈયારીઓ જોઈને નિરીક્ષકશ્રીઓએ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

આ બેઠકમાં રાજકોટ જિલ્લા ચૂંટણી ખર્ચના નોડલ અધિકારીશ્રી દેવ ચૌધરી,  નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી આશિષકુમાર, શ્રીએ.કે. સિંઘ, ગ્રામ્‍ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ. જે. ખાચર, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી આર.એસ. ઠુંમર, અધિક કલેકટરશ્રી ઈલાબહેન ચૌહાણ, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી અવની હરણ, આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીઓ, તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:46 am IST)