Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

જૂનાગઢના ધારાસભ્‍ય સંજય કોરડિયાનો નૂતન અભિગમ : દર શુક્રવાર સેવાવાર

કઠીન પરિશ્રમ હી સફલતા કી કુંજી હૈ, અથક પ્રયાસો સે મિલી સફલતા ગુંજી હૈ : દર મહિનાના ચારેય શુક્રવારે જુદા-જુદા સ્‍થાનોએ લોકદરબાર : મતક્ષેત્રના દરેક ગામમાં વર્ષમાં ઓછામાં ઓછી ૩ મુલાકાત : ગિરનારના વિકાસ માટે લાંબા ગાળાની ૨૦૦ કરોડની યોજના : સન્‍માનમાં ફુલહાર કે ગુલદસ્‍તાને બદલે સ્‍ટેશનરી સ્‍વીકારી પ્રેરક રાહ ચિંધતા જૂનાગઢના ધારાસભ્‍ય : એકત્ર થનાર સ્‍ટેશનરી સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ભેટ અપાશે : બહેનોને રંજાડતા આવારા તત્‍વો સામે પોલીસ તંત્રના માધ્‍યમથી લાલ આંખ

હાથવગા માણસ, કામના માણસ : જૂનાગઢના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર શ્રી સંજય કોરડિયાએ ગઇકાલે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લોકપ્રશ્નો અને વિકાસની યોજના બાબતે વિગતવાર ચર્ચા કરેલ. આ પ્રસંગે ‘ઉમિયા પરિવાર'ના તંત્રી શ્રી જયેશ વાછાણી તથા યુવા અગ્રણી રજની ગોલ (ભવ્‍ય કોમ્‍યુનિકેશન) ઉપસ્‍થિત રહેલ. જયેશ વાછાણીએ ઉમિયા પરિવારનો અંક શ્રી કિરીટભાઇને અર્પણ કર્યો હતો. અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ડો. અનિલ દશાણીએ ભાવભીનુ સ્‍વાગત કર્યું હતું. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૧૭ : જૂનાગઢ વિધાનસભા વિસ્‍તારમાં ભાજપના ધારાસભ્‍ય તરીકે ૪૦ હજાર કરતા વધુ મતની જંગી સરસાઇથી ચૂંટાયેલા પ્રતિભાવંત અગ્રણી શ્રી સંજય કોરડિયાએ ગઇકાલે ‘અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ ધારાસભ્‍ય તરીકે આરંભેલી કામગીરી અને ભવિષ્‍યમાં કરવા ધારેલી કામગીરી અંગે વિસ્‍તૃત ચર્ચા કરેલ. તેમણે દર શુક્રવારને સેવાવાર તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. મતક્ષેત્રના દરેક ગામની (કુલ ૧૭ ગામ) વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત લોકકાર્યના હેતુથી મુલાકાત લેવાનો તેમનો સંકલ્‍પ છે. વિશ્વ વિખ્‍યાત ગીરનારના વિકાસ માટે ૨૦૦ કરોડની યોજના અમલમાં મુકવા તેમણે સરકારમાં પ્રયાસો શરૂ કરી દીધા છે.

શ્રી સંજય કોરડિયાએ ‘અકિલા'ના આંગણે જણાવેલ કે, મહિનાના ચારેય શુક્રવાર હું લોકોના કામ માટે લોકોની વચ્‍ચે જ રહીને વિતાવવા માંગુ છું. દર મહિનાના પહેલા શુક્રવારે હું કાર્યાલયે હાજર રહીશ. ચૂંટણી પરિણામના બીજા જ દિવસથી ધારાસભ્‍ય તરીકેનું કાર્યાલય શરૂ કરી દીધું છે. બીજા અને ચોથા શુક્રવારે જુદા-જુદા ક્ષેત્રના સંગઠનો સાથે સંવાદ કરીશ. બાકીનો એક શુક્રવાર મ્‍યુનિ. કોર્પોરેશન કચેરીમાં હાજરી આપી લોકોના પ્રશ્નો સાંભળીશ. મારા મત વિસ્‍તારમાં ૧૭ ગામડાઓનો સમાવેશ થાય છે. પ્રસંગોપાત ગામમાં જવાનું થાય તે સિવાય લોકોના પ્રશ્નોની જાણકારી મેળવવા વર્ષમાં દરેક ગામમાં ઓછામાં ઓછા ત્રણ વખત જવાનો મારો નિર્ધાર છે. પાંચ વર્ષની ધારાસભ્‍ય તરીકેની મુદત પૂરી થતાં સુધીમાં દરેક ગામમાં હું ૧૫-૧૫ વખત પ્રવાસ કરી ચૂક્‍યો હઇશ.

ધારાસભ્‍યએ જણાવેલ કે, સમયાંતરે તાલુકાવાર અધિકારીઓ સાથે બેઠક થતી રહેશે. લોકોના પ્રશ્નોના નિવારણ માટે કાયમ મારૂં કાર્યાલય ખુલ્લું છે અને લોકો માટે હું પણ ઉપલબ્‍ધ રહીશ. શાળા-કોલેજો જતી કન્‍યાઓને રંજાડતા તત્‍વો સામે કડક હાથે કામ લેવા પોલીસને સ્‍પષ્‍ટ જણાવી દીધું છે. હોસ્‍પિટલ, લાઇબ્રેરી જેવા જાહેર સ્‍થળોની ઓચિંતી મુલાકાત લઇ ત્‍યાંની પરિસ્‍થિતિની જાણકારી મેળવવા અને કોઇ સમસ્‍યા હોય તો નિવારવા મારા પ્રયત્‍નો ચાલુ થઇ ગયા છે. નિતી નિયમ વિરૂધ્‍ધની અથવા પ્રજાને અડચણરૂપ કામગીરી સામેની અમારી ઝુંબેશાત્‍મક કામગીરીની સારી અસર દેખાવા લાગી છે. લોકો મારા લાયક કામ માટે ગમે ત્‍યારે મારો મો. ૯૮૨૫૦ ૮૨૦૧૦ ઉપર સંપર્ક સાધી શકે છે.

શ્રી સંજય કોરડિયાએ જણાવેલ કે, ધારાસભ્‍ય તરીકે મને મળતુ પગાર ભથ્‍થુ ગરીબ દિકરીઓના લાભાર્થે વાપરવાનું મે અગાઉથી જાહેર કરી દીધું છે. લોકો મારા સન્‍માન માટે બુકેને બદલે સ્‍ટેશનરી આપે તેવી મારી અપેક્ષા છે. હમણાં જ મારી સ્‍ટેશનરી તુલા કરવામાં આવેલ. મને સન્‍માનમાં મળતી સ્‍ટેશનરીની આઇટમો હું મારા મતક્ષેત્રની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ભેટ આપી દઇશ. આવતા પાંચ વર્ષમાં જૂનાગઢ વિસ્‍તાર શૈક્ષણિક, પ્રવાસન અને કૃષિ આધારીત ઉદ્યોગોના ક્ષેત્રે વિકાસની વધુ હરણફાળ ભરે તેવા મારા પ્રયાસો છે.

સંજય કોરડિયાએ જૂનાગઢ શહેરને હેરીટેજનો દરજ્‍જો અપાવવા, નરસિંહ સરોવર અને સુદર્શન તળાવનું નવિનીકરણ કરવા, ગીરનારને સાંકળીને ટુરીસ્‍ટ સર્કિટ બનાવવા, સોનરખ નદી પર રિવરફ્રન્‍ટ બનાવવા, ખાણીપીણી માટે બહુહેતુક રાત્રી બજાર બનાવવા, ઝાંઝરડા - ટીંબાવાડી - દોલતપરા વિસ્‍તારમાં ફલાયઓવર કરવા, નવુ માર્કેટ યાર્ડ કરવા, ગીરનાર પરથી પડતા વરસાદી પાણીના સંગ્રહ માટે નવા સરોવર બનાવવા વગેરે વચનો આપેલા છે.

 

જુનાગઢ શહેર ફાટક મુક્‍ત થશે : ધારાસભ્‍યના કામની વ્‍હીસલ વાગી

રાજકોટ : જૂનાગઢના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્‍ય સંજય કોરડિયાએ જણાવેલ કે, લોકોએ મારા પર મુકેલ ભરોસો હું પ્રજાલક્ષી કામગીરી માટે સતત સક્રીય રહીને સાર્થક કરવા માંગુ છું. જૂનાગઢ શહેરમાં હાલ આઠ ફાટકો આવેલી છે. ટ્રેન પસાર થતી હોય ત્‍યારે ફાટક બંધ થવાથી ટ્રાફિકજામ થઇ જાય છે. મેં ચૂંટણી વખતે વચન આપેલ તે મુજબ શહેરની ફાટક મુક્‍ત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. ટ્રેન પીલોર ઉપરથી પસાર થઇ જાય અને નીચે વાહન વ્‍યવહાર રાબેતા મુજબ ચાલુ રહે તેવી વ્‍યવસ્‍થા માટે રેલવે સહિતના તંત્ર સાથે ચર્ચા શરૂ થઇ ચૂકી છે. હમણાં જ કેન્‍દ્ર સરકારે જૂનાગઢ - વિસાવદરને બ્રોડગેજ લાઇનમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.

(10:46 am IST)