Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

ર૧મીએ ખોડલધામમાં યજ્ઞ, સભા, મહાપ્રસાદનાં આયોજનો

પ્રાણ પ્રતિષ્‍ઠાના સાત વર્ષ : મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં વિવિધ કાર્યક્રમો : મુખ્‍યમંત્રી, પ્રધાનો, ધારાસભ્‍યોના નરેશભાઇના હસ્‍તે સન્‍માન થશે : ધ્‍વજારોહણ તથા લોકડાયરો પણ યોજાશે

ખોડલધામની પત્રકાર પરિષદમાં પ્રવીણભાઇ જસાણી, હર્ષદભાઇ માલાણી, હસમુખભાઇ લુણાગરિયા, જયેશભાઇ પટેલ, રમેશભાઇ ટીલાળા, ભવાનભાઇ રંગાણી, જીતુભાઇ વસોયા, કમલનયનભાઇ સોજીત્રા, તુષારભાઇ લુણાગરીયા, ચીરાગભાઇ સિયાણી વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટઃ શ્રદ્ધાળુઓના આસ્‍થાના પ્રતિક સમાન,  લેઉવા પટેલ સમાજને સંગઠનના એક તાંતણે બાંધનાર અને વિશ્વનું પ્રથમ એવું મંદિર જ્‍યાં ધર્મ ધ્‍વજાની સાથે સાથે રાષ્‍ટ્ર ધ્‍વજા પણ ફરકી રહી છે તેવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા  ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવને આગામી તારીખ ૨૧ જાન્‍યુઆરી, ૨૦૨૩ ને શનિવારના રોજ છ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. ત્‍યારે ૨૧ જાન્‍યુઆરી, ૨૦૨૩ ને શનિવારના રોજ  ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા  ખોડલધામ મંદિરે ભારત ભરના કન્‍વીનર, સહ કન્‍વીનર, સ્‍વયંસેવક, મહિલા સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓની મિટીંગ અને સભાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.  ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિ અને માર્ગદર્શનમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી, નવનિયુક્‍ત મંત્રીઓ અને ધારાસભ્‍યઓ ઉપસ્‍થિત રહેશે અને તેઓનું વિશેષ સન્‍માન કરાશે.

૨૧ જાન્‍યુઆરી ને શનિવારના રોજ સવારે ૮ કલાકે કન્‍વીનર, સહ કન્‍વીનર અને સ્‍વયંસેવક મિટીંગની શરૂઆત થશે. સવારે ૮ થી ૧૦ વાગ્‍યા સુધી ભવ્‍ય સાંસ્‍કળતિક લોક ડાયરો યોજાશે. તેમજ યજ્ઞશાળામાં કન્‍વીનરો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે તથા ધ્‍વજાજીનું પૂજન કરાશે.

ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નવનિયુક્‍ત મંત્રીઓ, ધારાસભ્‍યઓ, લેઉવા પટેલ સમાજના ટ્રસ્‍ટીઓની હાજરીમાં મંદિરના શિખર પર બાવન ગજની ધ્‍વજાનું આરોહણ કરવામાં આવશે. ત્‍યારબાદ સભા શરૂ થશે, જેમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નવનિયુક્‍ત મંત્રીઓ અને ધારાસભ્‍યઓનું  નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં  ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા વિશેષ સન્‍માન કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ રાષ્‍ટ્રગાન કરવામાં આવશે.

૨૧ જાન્‍યુઆરીનો દિવસ  ખોડલધામ મંદિરના ઈતિહાસમાં વિશેષ સ્‍થાન ધરાવે છે.  ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા થયેલા શિલાન્‍યાસ સમારોહ, શિલાપૂજન સમારોહ, જાજરમાન સમૂહ લગ્નોત્‍સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ, કળષિ મેળો, મહા ખેલકુંભ જેવા ઐતિહાસિક અને ન ભૂતો ન ભવિષ્‍યતિ સમાન કાર્યક્રમો ૨૧ જાન્‍યુઆરીના દિવસે જ આયોજિત કરવામાં આવ્‍યા હતા. આ દિવસોમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડ, ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્‍ડન બુક ઓફ રેકોર્ડ જેવા કિર્તીમાનો પણ સ્‍થાપેલા છે. ત્‍યારે આ વર્ષે ૨૧ જાન્‍યુઆરીએ ભારત ભરના કન્‍વીનર, સહ કન્‍વીનર, સ્‍વયંસેવક, મહિલા સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાઓની મિટીંગ અને સભાનું ભવ્‍ય આયોજન  ખોડલધામ મંદિરે કરવામાં આવ્‍યું છે. જેમાં  ખોડલધામના ઓલ ઈન્‍ડિયામાં સેવા બજાવતા કન્‍વીનર/સહ કન્‍વીનર ભાઈઓ-બહેનો અને સ્‍વયંસેવક ભાઈઓ-બહેનો હજારોની સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. તો સર્વે શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી મા ખોડલના આશીર્વાદ લઈ ધ્‍વજારોહણ, લોકડાયરો, યજ્ઞ, સભા અને મહાપ્રસાદનો લ્‍હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે.

(11:29 am IST)