Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજકોટમાં કાલે આહિર સમાજના સમુહલગ્ન

રેસકોર્ષ મેદાનમાં આહિર યુવા ચેરી.ટ્રસ્‍ટનું આયોજનઃ ૫૦ યુગલો જોડાશેઃ દિકરીઓને ૧૦૦થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશેઃ સાથે રકતદાન મહાકેમ્‍પનું પણ આયોજન

રાજકોટ,તા.૧૭ : આહિર યુવા ચેરીટેબલ ટ્રસ્‍ટના નેતૃત્‍વમાં આરિ યુવા સમુહલગ્ન સમિતિ દ્વારા રાજકોટના આંગણે કાલે સમુહલગ્નનું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્‍યું હતું કે કોરોના સમય બાદ ફરી આનંદનો અવસર આવ્‍યો હતોય જ્ઞાતિજનોમાં અનેરો ઉમંગ છવાયો છે. છેલ્લા ૨૮ વર્ષથી થતા આ પ્રકારના આયોજનનોમાં અત્‍યાર સુધીમાં ૧૬૦૦થી વધુ દિકરીઓને આવા સમુહલગ્નના આયોજનથી સાસરે વળાવવામાં આવી છે.

ત્‍યારે આવતીકાલે તા.૧૮ના બુધવારે વધુ એક મંગલ અવસર આયોજીત થયો છે. કાલે બુધવારે રેસકોર્ષ મેદાનમાં વિશાળ સમીયાણા વચ્‍ચે ૫૦ યુગલનો સમુહલગ્નગ્રંથી જોડાશે. સવારે ૭:૩૦ વાગ્‍યે મંડપ રોપણ, ૯ વાગ્‍યે હસ્‍ત મેળાપ,  બપોરે ૧ વાગ્‍યે ભોજન સમારોહ અને બપોરે ૧:૩૦ વાગ્‍યે વિદાય સમારોહ યોજાશે.

દર વર્ષની માફક સેવાયજ્ઞરૂપે મહારકતદાન કેમ્‍પ પણ યોજવામાં આવેલ છે. એકત્ર રકત જરૂરીયાતમંદ દર્દીઓ માટે અર્પણ કરાશે. જાનૈયા માંડવીયા તેમજ આમંત્રિતો સૌ કોઈને વધુ સંખ્‍યામાં રકતદાન કરવા અનુરોધ કરાયો છે.

સમાજમાં ખોટા ખર્ચા ન થાય અને એકતાનો સૂર પ્રબળ બને તેવા હેતુથી દરવર્ષે સમિતિ આ સમુહલગ્નનું આયોજન કરે છે. ત્‍યારે આ વર્ષે ૨૮માં આહિર સમુહલગ્નનું આયોજન થયું છે. બપોરે ભોજન સમારોહમાં ૨૫ હજારથી વધુ લોકો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ફનવર્લ્‍ડની બાજુમાં રેસકોર્ષ મેદાન ખાતે આયોજીત આ સમુહલગ્નમાં જ્ઞાતિજનોએ ઉપસ્‍થિત રહી વર- કન્‍યાને આર્શીવચન- શુભેચ્‍છા પાઠવવા સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

સમગ્ર આયોજનને  સફળ બનાવવા આહિર યુવા સમુહલગ્ન સમિતિના પ્રમુખ વિપુલભાઈ ડવ (મો.૯૬૬૨૦ ૭૦૦૪૩)ની આગેવાની હેઠળ સમિતિના રાજયો સર્વશ્રી પ્રદીપભાઈ જાદવ, વરજાંગભાઈ હુંબલ, મુકેશભાઈ એલ. ચાવડા, દિલીપભાઈ બોરીચા, જગદીશભાઈ બોરીચા, મેરામભાઈ બી.શિયાળ, કનુભાઈ મારૂ, કાળુભાઈ હેરભા, નિર્મળભાઈ મેતા, ઈલેશભાઈ ડાંગર, વિનુભાઈ છૈયા, કનુભાઈ ખાટરીયા, કાનાભાઈ મારૂ, હિતેષભાઈ ચાવડા, વિક્રમભાઈ ખીમાણીયા, અર્જુનભાઈ હુંબલ, મુન્‍નાભાઈ હુંબલ,  રાયમલભાઈ ચાવડા, માંડણભાઈ ચાવડા, અમુભાઈ મકવાણા, રણજીતભાઈ જળુ વગેરે  જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આહિર યુવા સમુહલગ્ન સમિતિના આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(1:43 pm IST)