Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કાલે કુ.નેહ ધડુક દ્વારા આરંગેત્રમ

રાજકોટની ૧૪ વર્ષની દીકરીનો ભરતનાટયમ નૃત્‍યનો ભવ્‍ય કાર્યક્રમઃ પિતા પ્રશાંતભાઈ અને માતા ધ્રુતિબેનની પ્રેરણાથી સાડા ચાર વર્ષની વયથી કુ.નેહએ નૃત્‍યની શરૂઆત કરેલી : નૃત્‍ય સ્‍પર્ધાઓમાં અનેક ઈનામો જીત્‍યાઃ કલાગુરૂ વનિસ ઓઝા અને હેતલ મકવાણાના માર્ગદર્શનમાં આરંગેત્રમની પદવી મેળવશે
રાજકોટઃ ફકત ચૌદ વર્ષની વય ધરાવતી કુ.નેહ ધડુકનું આરંગેત્રમ (ભરતનાટયમ નૃત્‍ય)નો ભવ્‍ય કાર્યક્રમ આવતીકાલે તા. ૧૮ જુનના રોજ સાંજે ૪ કલાકે  હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે.
પોતાના શૈશવકાળનુ તથા આગંતુક માતા પિતાનું  જાહેરમા આરંગેત્રમ કાર્યક્રમ યોજવાનું સેવેલુ સ્‍વપ્‍ન અનેક મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં પૂર્ણ થશે.
કુદરતે માનવીને આપેલ આવડત, હુન્નર કે કૌશલ્‍યને જાહેરમાં પ્રદર્શિત કરવા માટે પોતાના ધગશની સાથે માતા પિતાની પ્રેરણા, ઘરનું વાતાવરણ, ગુરૂઓ તરફથી મળેલ યોગ્‍ય માર્ગદર્શન અત્‍યંત જરૂરી છે. ઉપરોકત દરેક બાબતોને યથાર્થ ઠેરવતી અને રાજકોટ શહેરમા આવેલ સેન્‍ટ પોલ સ્‍કૂલમાં ૧૦માં ધોરણમાં અભ્‍યાસ કરતી તેજસ્‍વી વિદ્યાર્થીની અને પિતા પ્રશાંતભાઈ અને માતા ધળતિબેનની સાચા અર્થમાં સ્‍નેહ ધરાવતી કુ. નેહ ધડુકે ફક્‍ત સાડા ચાર વર્ષની વયે જાહેરમાં સ્‍ટેજ પર નળત્‍યના કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો હતો.
તદુપરાંત તેણીએ  ખૂબજ નાની વયમાં સ્‍કૂલમાં પોતાની જ્ઞાતિ મંડળોમાં અનેક સોસાયટીઓમાં, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં યોજાયેલી નૃત્‍ય સ્‍પર્ધામાં અનેક ચંદ્રકો પ્રાપ્‍ત કરેલ છે.
અનેક મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં યોજાનાર આ આરંગેત્રમ કાર્યક્રમ કુ. નેહ  દેવાધિદેવ મહાદેવ ગુરુવર્ય સુશ્રી વિનસ ઓઝા, ગુરૂવર્ય સુશ્રી હેતલ મકવાણા,  માતા તથા પિતા, દાદા તથા દાદી તથા અનેક  શુભેચ્‍છકોને  અર્પણ કરનાર છે ‘‘શિવ નર્તન કલા કેન્‍દ્ર''ના નૃત્‍યના દિવ્‍યતાને સમર્પિત એવા કલાગુરૂ શ્રી વિનસ ઓઝા તથા કલાગુરૂ શ્રી હેતલ મકવાણાના માર્ગદર્શન હેઠળ કુ. નેહ ધડુક ફક્‍ત ચૌદ વર્ષની વયે આરંગેત્રમની પદવી પ્રાપ્‍ત કરવા જઇ રહી છે.
રાજકોટ શહેરના અનેક ઉધોગપતિઓ, રાજકીય આગેવાનો, શ્રી પંચનાથ હોસ્‍પિટલના ટ્રસ્‍ટીશ્રીઓ, ‘‘શિવ નર્તન કલા કેન્‍દ્ર''ના પદાધિકારીશ્રીઆ, સભ્‍યશ્રીઓ,ધડુક તથા માંકડ પરિવારનાં સભ્‍યશ્રીઓ તથા અનેક શુભેચ્‍છકો આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ કુ. નેહ ધડુકને પ્રોત્‍સાહિત કરવા માટે ઉપસ્‍થિત રહેનાર છે.

 

(3:37 pm IST)