Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સુજોક થેરાપીઓની રાજયકક્ષાની પરિષદ રવિવારે રાજકોટમાં: રાજયભરના નિષ્‍ણાંતો ભાગ લેશે

ᅠરાજકોટ તા.૧૭: સુજોક થેરાપી આડ અસર રહીત સારવાર પધ્‍ધતિ છે. સુજોક થેરાપીમાં ફકત હાથના પંજામાં જ એકયુપ્રેસર, એકયુપંકચર, કલર થેરાપી, મેગ્નેટ થેરાપી, સીડ થેરાપી, મોક્ષા વગેરે દ્રારા સારવાર આપવામાં આવે છે જે કફથી માંડીને કેન્‍સર સુધીના રોગોમાં ઉપયોગી છે. આ થેરાપી શારીરિક ઉપરાંત માનસિક  અને ભાવનાત્‍મક રોગોમાં પણ ઉપયોગી સાબિત થઇ છે. સુજોક થેરાપીનો પધ્‍ધતિસરનો અભ્‍યાસક્રમ, સર્ટિફિકેટ અને ડિપ્‍લોમાં ઇન સુજોક થેરાપી, સમગ્ર ભારતમાં માત્ર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી,  રાજકોટ ખાતે ચલાવવામાં આવેલો. સુજોક થેરાપીની માતૃસંસ્‍થા ઇન્‍ટરનેશનલ સુજોક એસોસિએશનનું ભારતનું વયુમથક નાગપુર ખાતે આવેલ છે. આ એસોસિએશન દ્વારા તા.૧૯ રવિવારે રાજકોટમાં રાજયકક્ષાની પરિૅષદ યોજવામાં આવી છે.
આ પ્રકારની પરિષદ ૨૫મી વખત યોજાતી હોઇ આ વખતે સિલ્‍વર જયુબિલીની ઉજવણી કરવામાં આવનાર છે. આ કોન્‍ફરન્‍સમાં સમગ્ર ગુજરાતમાંથી આ પધ્‍ધતિના નિષ્‍ણાતો ભાગ લેશે.
ઉપરાંત ડો. વલ્‍લભભાઇ કથિરિયા  (પૂર્વ સાંસદ, મંત્રી તેમજ અધ્‍યક્ષ-રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ), ડો. કલાધર આર્ય(પ્રોફેસર  અને હેડ-યુજીસી, એચઆરડીસી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) તેમજ ડો. દર્શિતાબેન શાહ (ડેપ્‍યુટી મેયર- રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન) પણ હાજરી આપશે. વધુ વિગત માટે સંસ્‍થાના તપન પંડયા (૯૮૭૯૮ ૪૧૦૪૮)નો સંપર્ક કરી શકાય છે.

 

(3:38 pm IST)