Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

બેડલામાં દેવશીએ કાબરણના વિશાલને બડીકાથી ફટકારી ખૂનની ધમકી દીધીઃ એટ્રોસીટી નોંધાઇ

લીલુ વાઢવા મામલે અને પૈસા પ્રશ્ને માથાકુટ કર્યાની એરપોર્ટ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૭: ચોટીલાના કાબરણના યુવાનને રાજકોટના બેડલા ગામે રહેતાં શખ્સે વાડીએ લીલુ વાઢવા અને પૈસા મામલે ગાળો દઇ લાકડાના બટકાથી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બનાવમાં મારામારીમાં ઘાયલ થયેલા કાબરણના વિશાલ વાઘેલાના ભાઇ રવિ અરજણભાઇ વાઘેલા (ઉ.૨૩-રહે. કાબરણ)ની ફરિયાદ પરથી બેડલા ગામના દેવશી સાકરીયા વિરૂધ્ધ મારામારી, ધમકી, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. રવિએ પોલીસને જણાવ્યું હતું કે પોતે તા. ૩ના સાંજે પાંચેક વાગ્યે પિતા અરજણભાઇ કરસનભાઇ (ઉ.૫૦) સાથે ચોટીલા ખાતે પિતાની દવા લેવા આવ્યો હતો ત્યારે તેના ફોનમાં રાજેશ બાબુનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તારા બંને ભાઇ ગોપાલ અને વિશાલને બેડલામાં દેવશી સાકરીયા સાથે માથાકુટ થઇ છે અને તે મારી વાડીએ આવ્યા છે. વિશાલને હાથમાં દુઃખાવો થાય છે તું જલ્દી આવ.

ફોન આવતાં રવિ ત્યાં ગયો હતો અને ભાઇઓને પુછતાં કહ્યું હતું કે પોતે દેવશીભાઇની વાડીએ લીલુ વાઢતા હતાં ત્યારે તેણે ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં તેણે લીલુ વાઢવા કેમ આવતા નથી અને પૈસા પણ કેમ આપતાં નથી તેમ કહી ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી લાકડાના બટકાથી માર માર્યો હતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી આપી હતી.

પીએસઆઇ આર. એચ. કોડીયાતરે રવિની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)