Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

એલોપેથી દવા અને ઇંજેકશન આપવાના ગુનામાં હોમીયોપેથીક ડોકટરનો છૂટકારો

રાજકોટ તા. ૧૭: હોમીયોપેથીક ડોકટરનો એલોપેથીની દવાઓ અને ઇન્જેકશન આપવા અંગેના ગુનામાં નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટના રહેવાસી અને હોમીયોપેથીક ડોકટર તરીકે પ્રેકટીસ કરતા ડો. દિનેશભાઇ વલ્લભભાઇ રાઠોડ હોમીયોપેથીક ડોકટર હોવા છતાં એલોપેથીની દવા તથા ઇન્જેકશન આપતા હોવાની કવીક રીસ્પોન્સ સેલના પોલીસ ઈન્સપેકટરશ્રી એમ. વી. રાણા ને માહીતી મળતા તે અંગે તપાસ કરતા આરોપી ડોકટર દિનેશ રાઠોડ દર્દીઓને એલોપેથીની દવાઓ તેમજ ઇન્જેકશન આપતા રંગે હાથે ઝડપાઇ ગયેલ જેથી આરોપી વિરૂધ્ધ મેડીકલ પ્રેકટીસ એકટની કલમ ૩૦ તથા ૩૩ અનવયે ફોજદારી ફરીયાદ કરેલ, અને તપાસ દરમ્યાન આરોપી પાસેથી એલોપેથીની દવાઓ તથા ઇન્જેકશન મુદામાલ તરીકે કબજે કરવામાં આવેલ અને સંપુર્ણ તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ.

આ કેસમાં ફરીયાદી તરફે અનેક દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓ અને પંચને તપાસવામાં આવેલ. આરોપી તરફે એડવોકેટશ્રી પીયુષભાઇ કારીયાએ તમામ સાક્ષીઓની ઉલટ તપાસ કરેલ અને કેસના અંતે તહોમતદાર પક્ષે બચાવમાં ધારદાર દલીલ કરી અને નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ રજુ રાખેલ. જે તહોમતદાર પક્ષની દલીને માન્ય રાખી નામદાર એડી. ચીફ જયુડી. મેજી. સાહેબશ્રી એસ. જે. પંચાલે આરોપી ડો. દિનેશભાઇ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ મહત્વના ચુકાદામાં આરોપી તરફે વકીલ શ્રી પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, સચીન એમ. તેરૈયા તથા કેવલ જે. પુરોહીત રોકાયેલ હતા.

(2:29 pm IST)