Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કાગદડીના ખોડીયાર આશ્રમના મહંતના આપઘાત કેસમાં ડોકટરની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૭: કાગદડી ખોડીયાર આશ્રમના મહંતશ્રીના આત્મહત્યા કેસમાં ડો. નિમાવતની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી છે.

આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે, કાગદડી ખાતે આવુેલ ખોડીયાર આશ્રમના મહંતશ્રીનું ગત તા. ૦૧/૦૬/ર૦ર૧ના રોજ મરણ થતા ત્યારબાદ તા. ૦૮/૦૬/ર૦ર૧ના રોજ ખોડીયાર આશ્રમના ટ્રસ્ટીઓને મહંતશ્રીનું અવસાન કુદરતી રીતે થયેલું ન હોવાનું જણાય આવતા તા. ૦૮/૦૬/ર૦ર૧ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ-૩૦૬, ૧૧૪ મુજબની ફરીયાદ કરવામાં આવેલ જેમાં મહંતશ્રીને રૂમમાંથી મળેલ સુસાઇટ નોટ સામે આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવેલ ત્યારબાદ પોલીસ તપાસ દરમ્યાન મહંતશ્રીનું અવસાન બાદ તેઓનું પી.એમ. કરાવ્યા વગર ટ્રસ્ટીઓના કહેવા મુજબ ડેથ સર્ટીફીકેટ ડોકટરના કહેવાથી બનાવવામાં આવેલ હોય જેથી પોલીસે આ કામમાં પાછળથી કલમનો ઉમેરો કરી ખોટું ડેથ સર્ટીફીકેટ બનાવવા આઇ.પી.સી. કલમ-૪૬પ, ૪૭૭, ૧ર૦(બી) મુજબનો ગુન્હો નોંધેલો.

આ બનાવના કામે ડોકટરે પોતાને પોલીસ ખોટી રીતે આ ગંભીર ગુન્હામાં સંડોવતા હોય અને તેઓનો આ બનાવ સંદર્ભે કોઇ જ પ્રત્યક્ષ કે પરોક્ષ રોલ ન હોય તેથી તેના એડવોકેટશ્રી હરેશ બી. પરસોંડા મારફતે રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી જે જામીન અરજી નામંજુર થતા તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી જેમાં પ્રથમ તારીખમાં નામદાર અદાલતે વચગાળાનો હુકમ આપી ધરપકડ સામે સ્ટે આપેલ અને પોલીસ સમક્ષ નિવેદન આપવા જણાવેલ જે હુકમ મુજબ ડો. નિમાવત તા. ૦૮/૦૭/ર૦ર૧ના રોજ પોલીસ સમક્ષ જાતેથી નિવેદન આપવા ગયેલા અને પોલીસ એ તેમની વિગતવાર પુછપરછ કરેલી જેમાં ડો. નિમાવત સામે ગુન્હાના કામે કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ પુરાવા મળી આવેલ નહીં તેવું પ્રાથમીક તારણ નીકળેલ.

આ અરજીની સુનવણી થતા અરજદાર તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે આ બનાવ સંદર્ભે તેઓએ કોઇ રોલ ભજવેલ નથી અને તેઓ ખોડીયાર આશ્રમના ટ્રસ્ટી પણ નથી અને બનાવના દિવસે મહંતશ્રીનું અવસાન થતા આશ્રમેથી કોઇ વ્યકિતનો ફોન આવતા તેઓ રૂબરૂ ગયેલા અને મહંતશ્રીને તપાસ કરતા તેઓના શરીર ઉપર કોઇ ઇજાના નિશાન ન હોય તેથી મહંતશ્રીનું કુરદતી રીતે મૃત્યુ થયેલું હશે તેવું ટ્રસ્ટીઓને જણાવેલ અને નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ દ્વારા પણ તપાસના કાગળો રજુ કરેલા અને નામદાર કોર્ટના વચગાળાના હુકમનું પાલન કરીને ડો. નિમાવત સામેથી નિવેદન નોંધાવવા ગયેલ હોય અને તેથી હાલના કેસમાં પોલીસને ડો. નિમાવતની રૂબરૂ હાજરીની જરૂરીયાત રહેલી ન હોય અને ડો. નિમાવતની કંન્ડક જોતા તે કોઇ ક્રિમીનલ ઇતિહાસ ધરાવતા નથી અને કયાંય નાશી ભાગી જાય તેવી વ્યકિત નથી. ડોકટર તરીકે એક પ્રતિષ્ઠીત વ્યકિત છે અને પોલીસને તપાસના કામે સંપુર્ણ સાથ અને સહકાર આપે છે જેથી નામદાર અદાલતે દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખી ડોકટરને આગોતરા જામીનનું રક્ષણ પુરૃં પાડેલ છે અને ગુજરાત હાઇકોર્ટે તેઓને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર તરફે એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હરેશ બી. પરસોંડા, પિયુષ ડી. ઝાલા, દુગર્વેશ જી. ધનકાણી, વિવેક એન. સાતા, ઋષીરાજ જે. ચૌહાણ, દિવ્યેશ લાખાણી, સાજીદ કકલ, જયદિપ ડી. જાગાણી, ચાંદની પુજારા તથા હાઇકોર્ટના એડવોકેટ શ્રી અપુર્વ કાપડીયા તથા દિવ્યેશ નિમાવત રોકાયેલા હતા.

(2:31 pm IST)