Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

૯મીએ પડોશીઓના હુમલામાં ઘાયલ થયેલા રણુજા મંદિર પાસે રહેતાં પ્રફુલાબેન દરજીનું મોત : પરિવારમાં કલ્પાંત

'તારા દિકરાએ ત્રણ લગ્ન કર્યા છે, સારા માણસો આવું ન કરે'...કહી ઝઘડો કરાયો હતો : પડોશી સોનલબેન, તેના પતિ પ્રતાપ અને પ્રતાપના મિત્ર અશોકે ઢીકા-પાટુ-પાઇપથી માર માર્યો હતોઃ જો કે પ્રફુલાબેન સતત બિમાર પણ રહેતાં હતાં: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં મારથી મોતનો રિપોર્ટ આવશે તો ગુનો નોંધાશે

તસ્વીરમાં પ્રફુલાબેન હીંગુનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને શોકમય સ્વજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રણુજા મંદિર પાસે પટેલ પાર્કમાં રહેતાં દરજી મહિલા પ્રફુલાબેન પર સાત દિવસ પહેલા પડોશીઓએ હુમલો કરી ઢીકાપાટુ પાઇપથી માર મારતાં સારવાર હેઠળ હતાં. તેનું આજે સારવારમાં મોત નિપજતાં પરિવારજનોએ હત્યા થયાનો આક્ષેપ કર્યો છે. જો કે પોલીસના કહેવા મુજબ આ મહિલા સતત બિમાર પણ રહેતાં હતાં. જેથી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં મારની ઇજાથી મૃત્યુનો રિપોર્ટ આવશે તો હત્યાનો ગુનો નોંધવા કાર્યવાહી થશે.

વિગત એવી છે કે ગત તા. ૯ના સાંજે કોઠારીયા રણુજા મંદિરની પાછળ પટેલ પાર્ક મેઇન રોડ પર બાલાજી પ્રોવિઝન સ્ટોર પાસે રહેતાં પ્રફુલાબેન અશ્વિનભાઇ હીંગુ (દરજી) (ઉ.વ.૫૫) મારામારીની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેમની ફરિયાદ પરથી તેના પડોશીઓ અશોક કડીયા, પ્રતાપ રાજપૂત અને સોનલબેન પ્રતાપ રાજપૂત સામે આજીડેમ પોલીસે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓની ધરપકડ પણ કરી હતી.જે તે દિવસે પ્રફુલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે હું તા.૯ના સાંજે પાંચેક વાગ્યે અમારા ઘર પાસે હતી ત્યારે શેરીમાં રહેતાં સોનલબેને મને કહેલું કે તારા દિકરાએ ત્રણ લગ્ન કર્યા છે, સારા માણસો આવું ન કરે. આથી મેં તેને કહેલું કે મારા દિકરાએ જે કર્યુ એ, એમાં તમારે શું લેવા દેવા?

આ વાત પછી સોનલબેને મને ગાળો દીધી હતી અને તેના પતિ પ્રતાપભાઇ અને પ્રતાપભાઇના મિત્ર અશોક કડીયા આવી જતાં ત્રણેયે મળી મને ઢીકાપાટુનો માર મારર્યો હતો. એ દરમિયાન પ્રતાપભાઇ કયાંકથી લોખંડનો પાઇપ લાવ્યા હતાં અને મને ડાબા પગમાં મારી દેતાં હું પડી ગઇ હતી.

એ પછી અશોકભાઇએ મને મોઢા પર ફેટ મારી હતી અને સોનલબેને ઝાપટો મારી હાથ પકડી ખેંચીને ઢસડી હતી. તેમજ ત્રણેયએ ગાળો દઇ મુંઢ માર પણ માર્યો હતો. દેકારો થતાં શેરીના માણસો ભેગા થઇ જતાં મને છોડાવી હતી. મારથી મને શરીરે, ડાબા પગ, ડાબા હાથ, ડાબી આંખ ઉપર માર માર્યો હતો. જે તે વખતે હેડકોન્સ. એમ. ડી. પરમારે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર પ્રફુલાબેનના પતિ સિકયુરીટીમાં કામ કરે છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

સારવાર દરમિયાન પ્રફુલાબેન હીંગુએ આજે દમ તોડી દેતાં તેમના પતિ સહિતના સ્વજનોએ અગાઉના મારને કારણે જ મોત થયાનો આક્ષેપ કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મારથી મોત થયાનો રિપોર્ટ આવશે તો પોલીસ ગુનો નોંધશે. જો કે પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે પ્રફુલાબેન લાંબા સમયથી બિમાર પણ રહેતાં હતાં.

(2:31 pm IST)