Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ચિલઝડપકાર અઝીઝ ઝડપાયોઃ ૧૧ ગુના કબૂલ્યાઃ પોલીસને જોઇ છરી કાઢી એક છાત્રનું બાઇક લૂંટી ભાગ્યો, પીછો કરી ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ચાર દિવસમાં બનેલા ચાર બનાવો સહિત એક વર્ષમાં કરેલી ૧૧ ચિલઝડપ અને એક વાહનચોરીનો ભેદ ઉકેલાયોઃ કાલાવડ જાનકી પાર્કથી કેકેવી ચોક સુધી પીછો કરવામાં આવતા પડી જતાં ફરી છરી બતાવી પોલીસ પર હુમલો કરવા પ્રયાસ કર્યો પણ કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજાએ સાહસ પુર્વક અટકાવ્યો : હાલ સાધુ વાસવાણી રોડ આવાસ યોજના કવાર્ટરમાં રહેતો મુળ જામ ખંભાળીયાનો ૪૭ વર્ષનો આધેડ અઝીઝ અગાઉ રિક્ષા હંકારતોઃ લોકડાઉનમાં રિક્ષા બંધ પડતાં બેકાર થઇ જતાં ચિલઝડપ કરવાના રવાડે ચડ્યો : ૨.૨૫ લાખના ત્રણ ચેઇન, ચોરાઉ એકટીવા, લૂંટેલુ યો-બાઇક અને છરી કબ્જેઃ ૫મીએ પ્રહલાદ પ્લોટમાંથી એકટીવા ચોરી કર્યા બાદ તેનો ઉપયોગ કરી ૬ ચિલઝડપ કરી : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રાજકોટમાં ત્રણ વર્ષ પુરા થતાં ક્રાઇમ બ્રાંચે નોંધનીય ડિટેકશન કરી ગિફટ આપી : કામગીરી કરનાર ટીમને પ્રશંસાપત્ર અને ૧૫ હજારનું ઇનામ આપતાં પોલીસ કમિશનર

 

ડિટેકશન કરનાર ટીમના એમ. વી. રબારી, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયાની ટીમનું પ્રસંશાપત્ર અને રોકડ પુરષ્કાર આપી સન્માન કરાયું હતું : વેલડનઃ ૧૧ ચિલઝડપ, એક વાહન ચોરી અને એક લૂંટ કરનાર એઝાઝને આજે ઝડપી લેવાયો છે. તેની વિગતો આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી તથા ટીમ અને કબ્જે થયેલા બે વાહન, ચેઇન, છરી તથા ઝડપાયેલો એઝાઝ  નજરે પડે છે. જેની ફરિયાદીઓ પાસે ઓળખ પરેડ કરાવવામાં આવશે. આજે પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાને શ્રી મનોજ અગ્રવાલને ત્રણ વર્ષ પુરા થયા હોઇ તેમને નોંધનીય ડિટેક શન કરી ક્રાઇમ બ્રાંચની ટીમે ભેટ આપી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં મોટે ભાગે સવારના સમયે જ ખાસ કરીને વૃધ્ધોને નિશાન બનાવી સોનાના ચેઇનની ચિલઝડપ કરી જવાની ઘટનાઓ વધી ગઇ હતો. છેલ્લા  પાંચ દિવસમાં જ આવી આલગ અલગ છ ઘટનાઓ બની હતી. જે તમામ ઘટનાઓમાં  ગ્રે કલર જેવા નંબર વગરના એકટીવાનો ઉપયોગ થયો હતો. ક્રાઇમ બ્રાંચે અંતે આ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખી સાધુ વાસવાણી રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતાં કચ્છી સંધી શખ્સને પકડી લીધો છે. તેણે હાલની છ સહિત ૧૧ ચિલઝડપ અને એક વાહન ચોરી કબુલી છે. આજે ક્રાઇમ બ્રાંચની ટીમ વોચમાં હોઇ જાનકી પાર્કમાં તે પોલીસમેનને  ઓળખી જતાં છરી કાઢી નજીકમાં ક્રિકેટ એકેડેમી હોઇ ત્યાં છાત્રને છરી બતાવી તેનું યો-બાઇક લૂંટીને ભાગ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતાં તે કેકેવી ચોક નજીક બાઇક સહિત પડી ગયો હતો. ફરી તેણે ઉભા થઇ છરી કાઢી હતી. પણ ક્રાઇમ બ્રાંચના એક સશકત જવાને હિમ્મત-સાહસ અને સમય સુચકતા વાપરી પાટૂ મારી પછાડી દીધો હતો અને ટીમે તેને દબોચી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચે ચિલઝડપકાર અઝીઝ જુસબભાઇ ઉઠાર (કચ્છી સંધી) (ઉ.વ.૪૭-હાલ બેકાર, રહે. બ્લોક નં. ૫ કવાર્ટર નં. ૭૦, ચોથો માળ, આવાસ યોજના કવાર્ટર પામ સીટી પાસે સાધુ વાસવાણી રોડ, મુળ જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા)ને દબોચી લઇ તેની પાસેથી રૂ. ૭૫ હજારનો એક સોનાનો ચેઇન, બીજો રૂ. ૮૦ હજારનો, ત્રીજો રૂ. ૭૦ હજારનો ચેઇન તથા મેટલ બ્રાઉન કલરનું રૂ. ૩૦ હજારનું એકટીવા તથા રૂ. ૪૦ હજારનું યો-બાઇક અને એક છરી કબ્જે કર્યા છે.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ ડિટેકશનની વિગતો આપતાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારના સમયે ખાસ કરીને વૃધ્ધો મંદિરે દર્શન કરવા જવા નીકળે, ચકલાને ચણ નાખવા કે ખિસકોલી, કીડીઓને ખોરાક આપવા નીકળે ત્યારે તેને નિશાન બનાવી એક શખ્સ ચેઇનની ચિલઝડપ કરી ભાગી જતો હતો. આ શખ્સને સત્વરે દબોચી લેવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સુચના આપી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લગાડાઇ હતી.

દરમિયાન આજે એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી અને તેમની ટીમના માણસો સવારે ૫:૩૦ કલાકથી માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીઓમાં મોર્નિંગ વોકના કપડા પહેરીને ખાનગીમાં વોચમાં ગોઠવાઇ ગયા હતાં. આ વખતે કોન્સ. અશોકભાઇ ડાંગર સવારે સવા છ વાગ્યે કાલાવડ રોડ જાનકી પાર્ક મેઇન રોડ પર ઉભા હતાં ત્યારે એક એકટીવાચાલક વૃધ્ધો પર નજર નાંખતો જોવા મળ્યો હતો.

તેના પર પુરેપુરી શંકા જતાં કોન્સ. અશોકભાઇ તેની નજીક જતાં જ તે પોલીસ હોવાનું ઓળખી ગયો હતો અને પોતાનું એકટીવા ભગાવવા જતાં સ્લીપ થતાં પડી ગયો હતો. ઉભો થઇ નેફામાંથી છરી કાઢી ભાગવા માંડ્યો હતો. અશોકભાઇએ તેનો દોડીને પીછો કરતાં તે નજીકમાં ટ્વેન્ટી ટુ યાર્ડ ક્રિકેટ એકેડેમી પાસે દોડી ગયો હતો. ત્યાં ક્રિકેટ રમતાં વિદ્યાર્થીઓ પૈકીના શિલીન રસિકભાઇ નોંધણવદરાને છરી બતાવી તેની પાસેથી તેના યો-બાઇકની ચાવી ઝૂંટવી યો બાઇક લઇને ભાગ્યો હતો.

આ વખતે પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમના એએસઆઇ જયુભા એમ. પરમાર, પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા સહિતે તેને રસ્તામાં કોર્ડન કરી લેતાં તે કેકેવી ચોક થઇ ઇન્દિરા સર્કલ તરફ ભાગ્યો હતો. આથી આ ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

એ વખતે હુન્ડાઇ  શો રૂમના ખુણા પાસે તે ભાગતી વખતે યો-બાઇક સાથે તે પડી ગયો હતો. ત્યાં જ પાછળ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ ટુવ્હીલર સાથે પહોંચી ગઇ હતી. આ વખતે ચિલઝડપકાર પાસેની છરી રોડ પર પડી ગઇ હતી. તે ફરી ઉભો થયો હતો અને રોડ પરથી છરી ઉઠાવવા ભાગ્યો હતો. જો તે છરી ઉઠાવી હુમલો કરે તો કોઇપણ પોલીસ કર્મચારીને ઇજા થઇ શકે તેમ હતું. આ વખતે કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા કે જેઓ ફિઝીકલ ફિટ હોઇ અને નેશનલ હોકી પ્લેયર હોઇ તેમજ રાજકોટ પોલીસ હોકી ટીમના પણ અચ્છા ખેલાડી હોઇ તેણે હિમ્મત અને સમય સુચકતા વાપરી પાટુ મારી તેને પછાડી દીધો હતો. તે સાથે જ બીજી ટીમે તેને ઘેરી લીધો હતો અને પકડી લીધો હતો.

પુછતાછમાં તેણે પોતાનું નામ એઝાઝ ઉઠાર હોવાનું અને મુળ જામખંભાળીયાનો હોવાનું કબુલ્યું હતું. તેણે એવું રટણ કર્યુ હતું કે અગાઉ રિક્ષા હંકારતો હતો. વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. લોકડાઉનને કારણે બેકાર થઇ ગયો હોઇ ખર્ચા કાઢવા ચિલઝડપ કરવાના રવાડે ચડ્યો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની રાહબરી સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં આ ડિટેકશનની કામગીરી પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયેન્દ્રસિંહ પરમાર, પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. અશોકભાઇ ડાંગર, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા સહિતે કર્યુ છે. પોલીસ કમિશનરશ્રી આ સમગ્ર ટીમને પ્રશંસાપત્ર આપી તેમજ રૂ. ૧૫ હજારનો રોકડ પુરષ્કાર આપી સન્માન કર્યુ હતું.

  • એઝાઝે આ ૧૨ ગુનાની કબુલાત આપી

. ઝડપાયેલા એઝાઝે છેલ્લા પાંચ દિવસમાં કરેલી છ ચિલઝડપ સહિત એક વર્ષમાં ૧૧ ચિલઝડપ અને એક વાહન ચોરી કર્યાની કબૂલાત આપી છે. આજે પકડાયો એ પહેલા બાઇક લૂંટનો ગુનો પણ તેના નામે ચડ્યો છે.તેણે રૈયા રોડ હનુમાન મઢી પાસે વૃધ્ધના ચેઇનની ચિલઝડપ, જંકશન પ્લોટ હંસરાજનગર પાસે એક બહેનના ચેઇનની ચિલઝડપ, ગાયકવાડી-૫માં એક વૃધ્ધાના ચેઇનની ચિલઝડપ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર પાસે શેરીમાંથી એક વર્ષ પહેલા ચેઇનની ચિલઝડપ, એક વર્ષ પહેલા ઇમ્પીરીયલ હોટેલ પાસેની શેરીમાંથી ચેઇનની ચિલઝડપ, દસ મહિના પહેલા રૈયા રોડ બાપા સિતારામ ચોકમાં ચીલઝડપપ જંકન રેલ્વે સ્ટેશન રોડ પર પોલીસ ચોકી પાછળના ભાગમાંથી એક ચિલઝડપ, કોટેચા ચોક પાસે શેરીમાંથી ચેઇનની ચિલઝડપ, રૈયા રોડ બાપા સિતારામ ચોક વિક્રમ મારબલ પાસે એક ચિલઝડપ, એરપોર્ટ રોડ પર સર્કલ પાસે એક વૃધ્ધાના ચેઇનની ચિલઝડપ તથા એરપોર્ટ ફાટક પાસે એક બહેનના ચેઇનની ચિલઝડપ અને ગત ૫મીએ પ્રહલાદ પ્લોટમાંથી એક એકટીવાની ચોરી કબુલી છે. આ એકટીવાનો ઉપયોગ કરી છ ચિલઝડપ છેલ્લા ચાર પાંચ દિવસમાં કરી છે.

  • દિલ્હીની ચિલઝડપની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલા તેમાંથી પ્રેરણા મેળવી! : ચિલઝડપથી મેળવેલા ચેઇન સ્મોલ ફાયનાન્સમાં ગીરવે મુકી લોન મેળવતોઃ પછી ફરી દાગીના છોડાવી લેતો

. એઝાઝ પહેલા રિક્ષા ફેરવી ગુજરાન ચલાવતો હતો. પણ લોકડાઉનમાં ધંધો બંધ થતાં બેકાર હતો. એ દરમિયાન તેણે દિલ્હીની એક ચિલઝડપની ઘટનાનો સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હોઇ તે જોયો હોઇ તેમાંથી પ્રેરણા મેળવી હતી અને ચિલઝડપ કરવાના રવાડે ચડ્યો હતો. ખંભાળીયામાં સોૈ પ્રથમ એક આવો ગુનો કર્યો હતો. તેમાંથી મળેલા રૂપિયામાંથી નવી રિક્ષા ખરીદ કરવી હતી. પરંતુ પૈસા એકઠા થતાં ન હોઇ તેમજ પૈસાની સતત ખેંચ રહેતી હોઇ સવારના સમયે વૃધ્ધા-વૃધ્ધોને ટારગેટ બનાવી ચિલઝડપ કરવા માંડ્યો હતો.

ચિલઝડપ કરેલા ચેઇન તે સ્મોલ ફાયનાન્સ બેંકમાં ગિરવે મુકી તેના પર લોન લઇ લેતો હતો. એ પછી થોડા સમય બાદ ગીરવે મુકેલા દાગીના પાછા છોડાવી લેતો હતો. દાગીના ખરીદનાર પાસે જ દાગીના વેંચવાની તેની મોડેસ ઓપરેન્ડી છે.

  • ચિલઝડપ કર્યા બાદ આગળ જઇ ટી-શર્ટ, શર્ટ બદલી નાંખતો

એઝાઝ ચિલઝડપ કરવા નીકળે ત્યારે એકટીવાની ડેકીમાં બીજુ ટી-શર્ટ અને ટોપી રાખતો હતો. ચિલઝડપ કરી આગળ જઇ પહેરેલુ શર્ટ-ટીશર્ટ કાઢી નાંખી ડેકીમાંથી બીજુ પહેરી લેતો અને ટોપી પણ પહેરી લેતો હતો. જેથી પોતાની ઓળખ છુપાવી શકે.

(3:26 pm IST)