Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પોલીસ કમિશનર કચેરીની સામે પડેલી બિન વારસી કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ધ્યાન જતાં તેમણે કાર અંગે તપાસ કરવા બાબતે કંટ્રોલ રૂમમાં સૂચના આપી: પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા દારૂની પેટીઓ મળી

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સતર્કતાના કારણે પોલીસ કમિશનર કચેરીની સામે પડેલી બિન વારસી કારમાંથી દારૂ ભરેલ બોટલોની પેટીઓ મળી આવી છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસની પ્રાથમિક તપાસમાં બિન વારસી કારમાંથી 68 બોટલ દારૂની મળી આવી છે. તેમજ ગાડીમાંથી એક આરસી બુક પણ મળી આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ગાડી અમદાવાદ પાસિંગ કારની હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ પોલીસ કમિશનર કચેરીની સામેના ભાગમાં એક કાળી ફિલ્મ લગાવેલી નંબર પ્લેટ વગરની કાર પાર્ક થયેલી હતી. જેના પર રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ધ્યાન જતાં તેમણે તાત્કાલિક અસરથી કાર અંગે તપાસ કરવા બાબતે કંટ્રોલ રૂમમાં સૂચના આપી હતી. કંટ્રોલરૂમ દ્વારા તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરવામાં આવતા પોલીસ લખેલા બોર્ડ વાળી કારમાં દારૂની પેટીઓ પડી હોવાનું જણાઈ આવ્યું હતું. જે અંતર્ગત તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક શાખાની ટોઈંગ વ્હિકલ દ્વારા કારને પ્રદ્યુમન નગર પોલીસમાં ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં કારમાંથી દારૂની પેટીઓ ઉતારવામાં આવી હતી

(1:05 am IST)