Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કાલે મનપાના જનરલ બોર્ડમાં સામાન્‍ય પ્રશ્નોઉપર ચર્ચાઃ ૧૭ દરખાસ્‍તો વિશે નિર્ણય લેવાશે

લાયબ્રેરી, આરોગ્‍ય કેન્‍દ્ર, રામવન અને ઝુ, બ્રીજના જાહેરમાં ચાલતા કામો તથા બજેટની વાસ્‍તવિકતા સહિતના પ્રશ્નો : ભાજપના ૧૪ કોર્પોરેટરો અને કોંગ્રેસના ૨ કોર્પોરેટરોએ ૩૩ સવાલો કર્યા રજુ : ૧૭ દરખાસ્‍તોનો થશે નિર્ણય

રાજકોટ તા. ૧૮: આવતીકાલે  તા. ૧૯ના રોજ મ્‍યુનિ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાશે. જેમાં ભાજપના ૧૪ કોર્પોરેટરોએ ૨૮ અને કોંગ્રેસના ૨ કોર્પોરેટરના ૫ પ્રશ્નો સહિત કુલ ૩૩ પ્રશ્નોની ચર્ચા થશે છે. જેમાં વોર્ડ નં. ૧૪ના ભાજપના કોર્પોરેટર ભારતીબેન મકવાણાએ પૂછેલા મનપાની મોબાઇલ લાઇબ્રેરી કેટલી, છેલ્લા છ માસમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો તથા હરતા-ફરતા દવાખાનાનો છ માસમાં કેટલા શહેરીજનોએ લાભ લીધો સહિતના સામાન્‍ય પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.

મનપાનું આવતીકાલે ૧૯મી જાન્‍યુઆરીના રોજ મળનાર જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર ભારતીબેન મકવાણાના પ્રશ્નથી પ્રારંભ થશે. જ્‍યારે બીજા ક્રમાંકે વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર રવજીભાઇ મકવાણાએ રામવનમાં છેલ્લા ત્રણ માસમાં મુલાકાતીઓની સંખ્‍યા જણાવી ટીકીટની આવક કેટલી, મનપાના કેટલા બિલ્‍ડીંગમાં સોલાર રૂફટોપ મુકવાના બાકી છે તેની વિગતવાર માહિતી આપવી.

જ્‍યારે ત્રીજો પ્રશ્ન વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મનપાની રોશની શાખા, આરોગ્‍ય વિભાગ, સોલીડ વેસ્‍ટ, સુરક્ષા વિભાગ, બાંધકામ, વોટર વર્કસ, ડ્રેનેજ સહિતની શાખાની છ માસની કામગીરીની વિગતો આપવી. તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં મંજુર થયેલ કેટલા કામો કાગળ ઉપર છે સહિતના પ્રશ્નો  રજુ થયા છે.

દરમિયાન ચોથો પ્રશ્ન વોર્ડ નં. ૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાનો મનપા હસ્‍તક કેટલા ફાયર સ્‍ટેશન છે અને કેટલા નવા બનાવવાનું આયોજન છે. ફાયર ઇમરજન્‍સી વિભાગ હસ્‍તક કુલ વાહનો કેટલા ? શહેરના વોર્ડના એકશન પ્‍લાનની કામગીરી હાલ ક્‍યાં તબક્કે છે સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા છે.

૧૭ દરખાસ્‍તો અંગે

નિર્ણય કરાશે

છેલ્લે ચૂંટણી વચ્‍ચે મળેલી સામાન્‍ય સભામાં તમામ કાર્યવાહી પેન્‍ડીંગ રહી હતી હવે આ પેન્‍ડીંગ સહિતની કુલ ૧૭ દરખાસ્‍તો પર આવતીકાલે મળનાર બોર્ડમાં નિર્ણય થશે. જેમાં વાવડી કબ્રસ્‍તાન, દુકાન હરરાજી, જુદી જુદી ભરતીના નિયમો સુધારવા, આવાસ યોજનાના નામકરણ, પુસ્‍તકાલયમાં સભ્‍યની નિમણુંક, સમિતિના શાળાના મકાન માલિકોને પરત સોંપવા, ગુજરાત એનર્જી કંપનીને જમીન વેચાણ સહિતની મંજુરી આપવામાં આવશે

(3:29 pm IST)