Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગુજરાતી ફિલ્‍મ ‘માય બેસ્‍ટ ફ્રેન્‍ડ દાદુ' પારીવારિક ચિત્રણ સાથે મનોરંજન

પ્રીમીયર શોમાં વિષય વસ્‍તુ અને કલાને બિરદાવતા અગ્રણીઓ

રાજકોટ,તા. ૧૮ : શહેર ભાજપ મીડિયા વિભાગ ના રાજન ઠક્કર જણાવે છે કે  મોશન પિક્‍ચરના નેજા હેઠળ ગુજરાતી ચલચિત્ર જગતના જાણીતા લેખક, દિગ્‍દર્શક જશવંત ગાંગાણી સમાજના સંવેદનશીલ વિષય વસ્‍તુને લઇને એક ફિલ્‍મ લઇને આવ્‍યા છે. પૌત્ર અને દાદાના લાગણીશીલ સંબધોને વાચા આપતી આ ફિલ્‍મનું નામ છે ‘માય બેસ્‍ટ ફ્રેન્‍ડ દાદુ'. ૧૩ જાન્‍યુઆરી ૨૦૨૩ના દિવસે સિનેમાઘરોમાં  આ ફિલ્‍મ રીલિઝ થઇ છે. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્‍યો છે.

જશવંત ગાંગાણીએ ‘માય બેસ્‍ટ ફ્રેન્‍ડ દાદુ' ફિલ્‍મ બનાવવા માટે વરસો ની કુનેહ કામે લગાડી છે. આ ફિલ્‍મમાં તેમણે સમાજની વરવી વાસ્‍તવિકતા બતાવી છે.

આ ફિલ્‍મમાં વર્તમાન સમયની ગંભીર સમસ્‍યાનું ચિત્રણ કરવામાં આવ્‍યું છે. કારકિર્દીની લ્‍હાયમાં માતા પિતા સંયુકત કુંટબ છોડીને વિભક્‍ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. માતા-પિતા તેમના એકના એક બાળકને એક એવી હકીકત થી વંચિત રાખે છે જે વાતની બાળકને જાણ થતાં દસ વરસનો બાળક પોતાના જ માતા પિતા સામે કોર્ટના દરવાજા ખટખટાવે છે. સંવેદનશીલ વિષય વસ્‍તુને લઇને આવેલી આ ફિલ્‍મમાં બાળકની વેદનાને યર્થાથ રીતે દર્શાવવામાં આવી છે. ખાસ કરી ને ફિલ્‍મ ની અંતિમ એક કલાક માં અતિ સવેદનશીલ અને ભાવસભર દ્રશ્‍યો સર્જાયા છે. ત્‍યારે આ ફિલ્‍મમાં ત્રણ પેઢીને આવરી લેતી સ્‍ટોરી છે.  ફિલ્‍મમાં દાદાના પાત્રમાં પ્રશાંત બારોટ, દાદીના પાત્રમાં અદિતી દેસાઇ, માતાના પાત્રમાં ઉર્વશી હરસોરા, પિતાના પાત્રમાં ઉમંગ આચાર્ય અને બાળકનું પાત્ર વિશાલ ઠક્કરે ભજવ્‍યું છે. વકીલના પાત્રમાં જીતેન્‍દ્ર ઠક્કર સવેદનશીલતા સભર વાતાવરણમાં વચ્‍ચે હળવી રમુજ પૂરી પાડી તેમજ, સીમા પાંડે વકીલ અને જજનાં પાત્રમાં સલીલ ઉપાધ્‍યાય જોવા મળશે.

જશવંત ગાંગાણીની નવી ગુજરાતી ફિલ્‍મ ‘માય બેસ્‍ટ ફ્રેન્‍ડ દાદુ' ૧૩ જાન્‍યુઆરીએ એ ગુજરાત ભરમાં તેમજ મુંબઈમાં ભવ્‍ય રિલીઝ થઈ છે...જે લોકો નાં દિલ જીતવામાં સફળ રહેશે.

આઈનોક્‍સ સિનેમા, રાજકોટ ખાતે ‘માય બેસ્‍ટ ફ્રેન્‍ડ દાદુ' ફિલ્‍મ માં પ્રીમિયર શો યોજાયો  હતો. આ પ્રસંગે ગેલેકસી ટોકીઝ ના માલિક રાજેશભાઈ પટેલ  જીવણકાકા, ઓલ ઇન્‍ડિયા ફેડારેશાનના ચેરમેન જયોતિન્‍દ્રમાં શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, સેન્‍ટ ગાર્ગી સ્‍કુલ ના રમાબેન હેરભા, શહેર ભાજપ કાર્યાલય મીડિયા વિભાગ ના ઇન્‍ચાર્જ રાજન ઠક્કર, શહેર ભાજપ સંસ્‍કૃતિક સેલ ના સંયોજક વિજયભાઈ કારિયા, ગુજરાત યુવક બોર્ડ ના હિતેશ જોશી, ઉદય જોશી, અભિષેક કારિયા સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:20 pm IST)