Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ખાલી હાથે દરેકે જવાનું, પ્રેમ અને યાદો જ સાચી મુડી : જય વસાવડા

કલાગુરૂ કેશુભાઇ લાઠીગરાનું સન્માન કરી ઋણ ચુકવતા પૂર્વ વિદ્યાર્થીઓ અશોક ખાંટ, વલ્લભ પરમાર, દિનેશ માકડીયા

રાજકોટ : મ્યુ. હાઇસ્કુલ ભાયાવદરના નિષ્ઠાવાન ચિત્રશિક્ષક કેશુભાઇ જે. લાઠીગરાના ૮૩ માં જન્મ દિવસ નિમિતે રાજકોટ ખાતે તેમના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ચિત્રકાર અશોક ખાંટ, કલાશિક્ષક વલ્લભ પરમાર, ગ્રાફીક ડીઝાઇનર દિનેશ માકડીયા દ્વારા પોતાના કલાગુરૂ  કેશુભાઇનું ઋણ ચુકવવા સ્મૃતિચિન્હ આપી ગરીમાપૂર્ણ બહુમાન કરાયુ હતુ. આ અવસરે ઉપસ્થિત જાણીતા લેખક અને વકતા જય વસાવડાએ ઉપસ્થિત રહી મૃત્યુની મહત્વતા સમજાવતા જણાવેલ કે દરેકે ખુલ્લા અને ખાલી હાથે જવાનું છે. પ્રેમ અને યાદો જ સાચી મુડી છે. ત્યારે કેશુભાઇ માટે તેમના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આજે મોટી મૂડી સમાન પૂરવાર થયા છે. આ તકે કેશુભાઇના વિદ્યાર્થી એવા ચિત્રકાર અશોક ખાંટે પણ કેશુભાઇના વ્યકિતત્વના પાસાઓને યાદ કર્યા હતા. કેશુભાઇના ભત્રીજા રાજેન્દ્ર લાઠીગરાએ ભાવસભર વાણીમાં જણાવેલ કે કેશુબાપા સાંસારિક સાધુ છે. તેઓએ તેમનું આખુ જીવન વિદ્યાર્થીઓ, સમાજ અને કુટુંબ માટે સમિર્પિત કરી દીધુ છે. ભાયાવદર જેવા નાના એવા ગામડામાં સિત્તેરના દાયકામાં કેશુભાઇની પ્રેરણાથી વિદ્યાનગરની ફાઇન આર્ટસ કોલેજમાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓએ જીવનનું મહામુલુ ભાથુ બાંધ્યુ છે. કેશુભાઇનું યોગદાન અમુલ્ય છે. સમગ્ર કાર્યક્રમને ભાયાવદર મ્યુ. હાઇસ્કુલના સ્ટાફ મિત્રો જેન્તીભાઇ માકડીયા, કાંતિભાઇ ભાણવડીયા, મનુભાઇ માકડીયા, કન્યા વિદ્યાલયના ચિત્રશિક્ષક શંભુભાઇ સગપરિયા, રમણીક ફળદુ, હરસુખ વેગડા, અરવિંદ ભાણવડીયા, કેશુભાઇના જીવનમાં કયાંકને કયાંક સહભાગી બનેલા તેમના વિશેષ મિત્રો એડવોકેટ શાંતુભાઇ, પુત્ર ગોપાલ, પુત્રીઓ અને સમગ્ર પરિવારજનો હાજર રહેલ. જન્મ દિન નિમિતે કેક કાપી ખુશી શેર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ રાજેન્દ્રભાઇ લાઠીગરાના નિવાસ સ્થાને યોજવામાં આવ્યો હતો.
 

(10:17 am IST)