Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પ્રથમ ધો. ૧૦-૧૨ બાદ ધો. ૯ અને ૧૧ના વર્ગો શરૂ થયા હવે

વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે ધો. ૬ થી ૮નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ

પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હજારો વાલીઓએ સંમતિ ન આપી... હાલ ચૂંટણી અને ભારે ભીડને કારણે ઓનલાઇન શિક્ષણની પસંદગી કરી

રાજકોટ : કોરોનાના સમયથી ૧૦ માસ બંધ રહેલ ધો. ૬ થી ૮ના વર્ગો આજથી શરૂ થયા છે. વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર સહિતની કાળજી રાખવામાં આવી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮ : કોરોના મહામારીને પગલે છેલ્લા ૧૦ માસથી શાળા - કોલેજોનું શિક્ષણ કાર્ય પ્રત્યક્ષ બંધ હતું. જ્યારે ઓનલાઇન ચાલુ રાખ્યું હતું પરંતુ ગત જાન્યુઆરી માસથી તબક્કાવાર શાળા - કોલેજો ખુલ્લી રહી છે. પ્રથમ ધો. ૧૦-૧૨ બાદ ધો. ૯ અને ૧૧ બાદ હવે આજથી ધો. ૬ થી ૮માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી.

પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ શાળાઓએ વિદ્યાર્થીઓને આવકારવા માટેની તૈયારી કરી છે પરંતુ પ્રાથમિક વિભાગમાં વાલીઓએ બાળકોને સ્કુલે મોકલવા માટે સંમતિ ન આપતા હાજરી ખૂબ જ ઓછી જણાય હતી.

આજે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેમ્પરેચર તપાસીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના વાયરસ સામેની ગાઇડલાઇનનું પણ પાલન કરાવવા સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર સહિતની કાળજી લેવામાં આવી રહી છે.

માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારીને પગલે શાળાઓ બંધ રહી હતી. બાદમાં ઓનલાઇનથી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારે કોરોનાના કેસ ઘટતા ૧૧ જાન્યુ.થી ધો. ૧૦-૧૨ના વર્ગો ખોલ્યાના ૨૦ દિવસ બાદ ૧ ફેબ્રુઆરીથી ધો. ૯ અને ધો. ૧૧ના વર્ગો શરૂ કર્યા હતા. હવે આજથી ધો. ૬-૭-૮ના વર્ગો શરૂ થયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની ભારે ભીડ અને કોરોનાના ઘટતા કેસમાં ફરી થોડોક વધારો આવતા હજારો વાલીઓ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખીને પ્રત્યક્ષ શિક્ષણની સંમતિ ન આપતા ધો. ૬ થી ૮માં વિદ્યાર્થીઓની હાજરી સાવ ઓછી જણાતી હતી.

(12:47 pm IST)