Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

૪૦૦૦ પોલીસનો કાફલો ચૂંટણી માટે તૈનાત

રાજકોટમાં શાંતિપુર્વક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું મતદાન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જઃ પોલીસ કમિશનર અગ્રવાલ : ચુંટણી પહેલા એકાદ મહિનામાં જ ૨૦૦૦ જેટલા શખ્સો સામે અટકાયતી પગલાઃ ગુનાઓમાં ભાગતા ફરતાં ૨૦૦ને પકડી લેવાયા : ઉચ્ચ પોલીસ અધિકારીઓનું દરેક બુથ પર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગઃ આઇ વે પ્રોજેકટના કેમેરા, ડ્રોન કેમેરાનો પણ ઉપયોગઃ ખાનગી વાહનોઃ સંવેદનશીલ મથકોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાશેઃ પ૦થી વધુ મોબાઇલ વાન સતત દોડતી રહેશે

રાજકોટ તા. ૧૮: લોકશાહીના મહાપર્વ સમાન રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું રવિવારે ૨૧મીએ મતદાન છે ત્યારે આ દિવસે શહેરમાં કોઇપણ મતદાન મથકો પર કે જાહેર સ્થળોએ મતદાનને લઇને કે ચુંટણીને લગતાં કોઇપણ છમકલા ન થાય અને મતદાતાઓ સંપુર્ણ શાંતિપુર્વક માહોલમાં કોઇપણ જાતના ભય વગર મતદાન કરી શકે તે માટે શહેર પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં પોલીસ અધિકારી, કર્મચારીઓ, એસઆરપી, હોમગાર્ડ મળી ૪૦૦૦ અધિકારીઓ-જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે. મતદાન શાંતિપુર્વક થાય એ સાથે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પણ પાલન થાય તે માટે પણ પોલીસ નજર રાખશે.

શહેર પોલીસે મતદાન દિવસ માટે બંદોબસ્તનું આગોતરૂ આયોજન કરી રાખ્યું છે. મતદાતાઓએ કોઇપણ જાતના ભય વગર મહાપર્વમાં સામેલ થઇ પોતાના મતદાનનો અધિકાર ભોગવવો જોઇએ. પોલીસ સુરક્ષા માટે સતત એલર્ટ છે. શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે ચુંટણી અંતર્ગત છેલ્લા એકાદ મહિનાથી પોલીસ સતત કાર્યરત છે. ચુંટણીને લગતાં ૮૦૦૦થી વધુ શખ્સો સામે અટકાયતી પગલા લેવાઇ ચુકયા છે. પરવાનાવાળા હથીયારો જમા લઇ લેવાયા છે. ગેરકાયદે હથીયારો પણ પકડ્યા છે. પોલીસે અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતાં હોય તેવા ૨૦૦ શખ્સોને પણ છેલ્લા એકાદ મહિનામાં પકડી લીધા છે.

મતદાનના દિવસે પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ મળી ૪૦૦૦નો કાફલો ફરજ બજાવશે. ૩૯૫ જેટલા મતદાનના સ્થળોએ પોલીસ સતત રાઉન્ડ ધ કલોક નજર રાખશે અને ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ અહિ સતત પેટ્રોલીંગ કરતી રહેશે. આ ઉપરાંત મોબાઇલ વેન પણ સતત દોડતી રહેશે. ડ્રોન કેમેરાઓનો અને આઇ વે પ્રોજેકટના કેમેરાઓનો પણ પોલીસ બંદોબસ્તમાં જરૂર પડ્યે ઉપયોગ કરશે.

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં જરૂર પડ્યે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જરૂર પડે તેના પર માર્કર પણ મુકાશે. જે તે વિસ્તારમાં આવેલા ખાનગી સીસીટીવી કેમેરાનો પણ પોલીસ ઉપયોગ કરી શકે છે. મતદાન શાંતિપુર્વક રીતે પુર્ણ થાય તે માટે પોલીસ મતદાન મથકોએ રાતથી જ બંદોબસ્તમાં ગોઠવાઇ જશે. મતદાતાઓને શાંતિપુર્વક રીતે અને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ માસ્ક પહેરી, સેનેટાઇઝરનો ઉપયોગ કરી તેમજ બીજા જરૂરી નિયમોનું પાલન કરીને મતદાન કરવા પણ શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી શ્રી પ્રવિણકુમાર મીણા, ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા તથા તમામ એસીપીશ્રીઓએ ચુંટણી બંદોબસ્ત માટે ખાસ બેઠક યોજી યોજના ઘડી કાઢી હતી અને તમામ પીઆઇ સહિતના અધિકારીઓને મહત્વની સુચનાઓ આપી હતી. મતદાનને દિવસે કોઇપણ સ્થળે છમકલા ન થાય તે માટે પોલીસ ચાંપતી નજર રાખશે. પોલીસ કન્ટ્રોલ રૂમમાં પણ હાલ જે અધિકારીઓ તથા સ્ટાફ ફરજ બજાવે છે એ સિવાયના વધારાના અધિકારીઓ અને સ્ટાફને ફરજ પર મુકવામાં આવશે. કન્ટ્રોલ રૂમમાં આવતી મતદાનને લગતી કોઇપણ ફરિયાદનો તુરત જ નિકાલ કરવાની પણ સુચનાઓ અપાઇ ચુકી છે.

(3:08 pm IST)