Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

આગામી રર એપ્રિલની રાત્રે ૧૮ હજારથી વધુ બેલેટ પેપર છપાવાશે

ઉમેદવારો ફાઇનલ થયે કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહીઃ જનરલ ઓર્બ્ઝવર ફર્યાઃ હવે નેહા ગીરીના સ્થાને ભવાનીસિંઘ દેથા નિમાયા : કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ ધસારો થશે તો 'ટોકન' પ્રથા અપનાવાશેઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૭ર૦ સર્વીસ વોટર્સઃ ETPBSથી મોકલાશે : શાપર-વેરાવળ-લોઠડા-પડવલામાં ર.રના ભૂકંપ અંગે ગાંધીનગરની ટીમનો રીપોર્ટ હવે આવશે : વડાપ્રધાનની સભા અંગે કોઇ તારીખ આવી નથીઃ સિકયુરીટી અપાશેઃ પ્રોટોકોલ નહી

રાજકોટ, તા., ૧૮: રાજકોટ  જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ર૦ મીએ રાજકીય પક્ષોની હાજરીમાં ફોર્મની ચકાસણી થશે અને રર મી તારીખે ફોર્મ પાછુ ખેંચવાનો છેલ્લો દિવસ છે.

શ્રી પ્રભવ જોશીએ જણાવેલ કે રરમીએ ઉમેદવારો ફાઇનલ થયે તે દિવસે રાત્રે જ સરકારી પ્રેસમાં કર્મચારીઓ સંદર્ભે ૧૮ હજારથીવધુ બેલેટ છપાશે. ૧૮ હજાર કર્મચારીઓ-દિવ્યાંગો તથા ૮પ થી વધુ ઉંમરના મતદારો માટે રહેશે. જે છપાઇને આવી ગયા બુધ-ગુરૂવારે તે વિધાનસભા બેઠક દીઠ પ્રાંત ઓફીસરોને આપી દેવાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જો ઘસારો થશે તો ટોકન સીસ્ટમ અપનાવાશે. બપોરે ૩ પછી આવનારનું ફોર્મ નહી સ્વીકારાય.

કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટ બેઠકના જનરલ ઓર્બ્ઝવર ફર્યા છે. શ્રી નેહા ગીરીના સ્થાને હવે રાજસ્થાનના આઇપીએસ ઓફીસર શ્રી ભવાનીસિંઘ દેથાની નિમણુ઼ક થઇ છે. તેઓ આવી ગયા છે. જયારે પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી ચંદનકુમાર ઝા છે. તેઓ સાંજે રાજકોટ આવશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે ૧૮ હજાર પોસ્ટલ બેલેટ પેપર ઉપરાંત દરેક ઇવીએમ ઉપર લગાડવાના બેલેટ પેપર પણ છપાશે. કુલ ર૦ થી ર૧ હજાર બેલેટ પેપર છાપવા અંગે કાર્યવાહી થશે.

રાજકોટ શહેર જીલ્લામાં સર્વીસ વોટર્સ અંગે તેમણે જણાવેલ કે આર્મી-બીએસએફમાં ફરજ બજાવતા આવા કુલ ૭ર૦ સર્વીસ વોટર્સ છે. તેમને ઇટીપીબીએસ એટલે કે ઇલેકટ્રોનીક ટ્રાન્સમીશન પોસ્ટલ બેલેટ સીસ્ટમથી ઓન લાઇન બેલેટ પેપર મોકલાશે. જયાં તેઓ ડાઉનલોડ કરી મતદાન કરી પોસ્ટ મારફત કલેકટરને મોકલાશે.

મત ગણત્રી અંગે શ્રી પ્રભવ જોશીએ ઉમેર્યુ હતું કે પહેલા પોસ્ટલ બેલેટ ગણવા કે ઇવીએમ સાથે મતગણત્રી કરવી તે અંગે ચુંટણી પંચની ગાઇડ લાઇન આવ્યા બાદ ફાઇનલ થશે.

તાજેતરના શાપર-વેરાવળના ભુકંપ અંગે કલેકટર ઉમેર્યુ હતું કે શાપર-વેરાવળ,લોઠડા-પડવલા વિગેરે ક્ષેત્રમાં ર.રના આવેલા ભુકંપ અંગે ગાંધીનગરથી સિસ્મોલોજીની ટીમ આવી હતી. પરંતુ હજુ સુધી તે લોકોનો રીપોર્ટ આવ્યો નથી. રીપોર્ટ હવે આવશે. રાજકોટમાં વડાપ્રધાનની સભા અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે હજુ સુધી તેમની સભા અંગે કોઇ તારીખ આવી નથી. સભા થશે તો સિકયુરીટી અપાશે. પ્રોટોકોલ અંગે ચુંટણી પંચની આચારસંહિતા સંદર્ભે કોઇ કાર્યવાહી નહી થાય.

(4:43 pm IST)