Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટ પ્રદૂષણ મુકત થવા ભણી

શહેરમાં CNG બસનો પ્રાયોગિક પ્રારંભ

પાંચ દિવસ નિરીક્ષણ કરાશેઃ કોઇ ટેકનીકલ ખામી નહિ દેખાય તો મે માસમાં પ્રથમ તબક્કે ૨૫ બસો દોડશે

રાજકોટ તા. ૧૮:  શહેરને પ્રદૂષણમુકત કરવા અને બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવાની યોજના હેઠળ શહેરમાં પ્રાયોગિક ધોરણે સીએનજી બસનો પ્રારંભ કરવામાં આવ્યો  છે. આ સફળ થયા બાદ મે મહિનામાં શહેરના રાજમાર્ગો પર ૨૫ સીએનજી બસ દોડાવવામાં આવનાર હોવાનું મનપાના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

  ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્યારે હવે ઇલેકટ્રીક બસ દોડાવવાનો પ્રોજેકટ અમલી બન્યો  છે. આ માટે સરકારે ૫૦ અને બાદમાં ૧૦૦ ઇ-બસ મંજુર કરાઇ છે. આમ કુલ ૧૫૦ ઇ-બસ ફાળવાઇ છે. જેમાંથી આવતા અઠવાડીયે વધુ ૨૫ ઇ-બસ શહેરના રસ્તા ઉપર દોડવા લાગશે. હાલ BRTS રૂટ ઉપર ૨૦ તથા શહેરના રાજમાર્ગો ઉપર ૪૫ ઇ-બસ અને પર ડીઝલ બસો દોડી રહી છે.

મનપા તંત્ર દ્વારા  મુજબ શહેરમાં ઇલેકટ્રીક સાથો સાથ સીએનજી બસ દોડાવવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને તંત્ર દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે રાજમાર્ગો પર સી.એન.જી બસ દોડાવવાનો પ્રારંભ કયો હતો. આ ટ્રાયલ સફળ થયા બાદ મે માસમાં પ્રથમ તબક્કે ૨૫ સી.એન.જી બસો શરૂ થશે અને જુલાઇ સુધીમાં વધુ ૭૫ બસ સાથે કુલ ૧૦૦ બસો દોડશે.

ઉપરાંત મે મહિનામાં  ઇલેકટ્રીક તથા CNG મળીને કુલ ૧૦૦ બસ શહેરને મળશે. રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા માટે આવનાર સમયમાં કુલ ૧૫૦ ઇલેકટ્રીક બસો દોડતી કરવાનું પણ મનપા દ્વારા આયોજન છે.

હાલ રાજમાર્ગો ઉપર દોડતી  બાવન  ડીઝલ બસો  આવનાર ૧ થી દોઢ વર્ષમાં આ ડીઝલ બસોને રાજમાર્ગો ઉપરથી હટાવી લેવામાં આવશે અને તેના બદલે ઇલેકટ્રીક કે CNG બસોને રૂટ ઉપર મુકવામાં આવશે.

(3:12 pm IST)