Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પૂ.સૌમ્‍યાજી મ.સ.નો ૧૦૦૦મી આયંબીલ તપ આરાધના અનુમોદના અવસર સંપન્‍ન

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં : મુમુક્ષુ યશ્‍વીબેન નંદુનો તા.૨૪-૨૮ દીક્ષા મહોત્‍સવ યોજાશે

રાજકોટ, તા.૧૮: જૈન ધર્મમાં આયંબિલની આરાધના એટલે કોઈપણ પ્રકારના ફળાહાર, રસાહાર, મીઠાઈ, ઘી, તેલ કે મસાલા વિના દિવસમાં એકવાર લૂખા - સુકા બાફેલાં અનાજના આહાર સાથેની તપ આરાધના. આવી અખંડ ૧૦૦૮ દિવસ સુધી ઉગ્ર તપ આરાધના કરનારા રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍યા મહાતપસ્‍વી પૂજ્‍ય શ્રી પરમ સૌમ્‍યાજી મહાસતીજીની અનુમોદના કરતા દેશ - વિદેશના ભાવિકોએ પારણા માટે સાકર અર્પણ કરી ધન્‍ય બની રહ્યા છે ત્‍યારે ૧૦૦૦મી આયંબિલ તપની અનુમોદનાનો અવસર કાંદીવલીના પાવનધામ ખાતે ભક્‍તિભાવથી ઉજવાયો હતો.

અર્હમ યુવા સેવા ગ્રુપ જનરેશન નેક્‍સ્‍ટના યુવાનોની લેઝિમ નિત્‍ય ગીત પ્રસ્‍તુતિ, લુક એન લર્ન દીદી દ્વારા લહેરાતાં ધ્‍વજ અને સેંકડો ભાવિકોના ભાવપ્ર અહોભાવ સાથે આ અવસર એ પૂજ્‍ય તપસ્‍વી મહાસતીજીના સ્‍વાગત વધામણા કરવામાં આવ્‍યાં હતાં. સહુના અહોભાવ - ભક્‍તિભાવ વચ્‍ચે પૂજ્‍ય શ્રી પરમ સૌમ્‍યાજી મહાસતીજીએ પોતાની તપ સાધનાનો સમગ્ર શ્રેય દેવ-ગુરુની કળપાને આપીને કહ્યું હતું કે, મનનો સંકલ્‍પ જો દૃઢ હોય તો કોઈપણ કાર્ય શકય બની શકે છે.

વિશેષમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ૧૦૦૦ પક્ષીઓને પિંજરામાંથી મુક્‍ત કરીને, જીવદયા કરતાં મહાતપસ્‍વી મહાસતીજીના તપની અનુમોદના કરવામાં આવતા હર્ષ હર્ષ છવાયો હતો. અનિલભાઈ કપાસીની ઉપકાર અભિવ્‍યક્‍તિ, લુક એન લર્નના બાળકોની અહોભાવભીની વંદના અને સોહમ મહિલા મંડળની ગીત પ્રસ્‍તુતિ સાથે આ અવસર વિરામ પામ્‍યો હતો.

આગામી તા.૨૪  થી ૨૮  એપ્રિલ  દરમિયાન શ્રી વિલેપાર્લે સ્‍થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે મહાતપસ્‍વી મહાસતીજીના પારણાનો અવસર મહાતપોત્‍સવ તેમજ દીક્ષાર્થી યશ્વીબેન મહેન્‍દ્રભાઈ નંદુના દીક્ષા મહોત્‍સવ ઉપલક્ષે તપ અને સંયમના અનેકવિધ કાર્યકર્મનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. દરેક કાર્યક્રમ માલીની કિશોર સંઘવી, શાંતિ પ્રભાવ હોલ, રીતંભરા કોલેજ કેમ્‍પસ, એન. એ. અહુજા માર્ગ, જે. વી. પી. ડી. સ્‍કીમ, વિલેપાર્લે (વે) મુંબઈ ખાતે યોજાશે. વિશેષરૂપે દરેક ભાવિકોને તપ અને સંયમની અનુમોદના અર્થે જોડાવા શ્રી સંઘ તરફથી  આમંત્રણ આપવામાં આવ્‍યું છે.(૨૩.૨૨)

(4:59 pm IST)