Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કે.કે.વી. હોલ ઓવરબ્રીજ પર ટુ વ્‍હીલર સ્‍લીપ થતાં શિક્ષક દંપતી ખંડીતઃ પતિનું મોત

ખીરસરા શાળાના શિક્ષક પુનીતભાઇ બગડા, શિક્ષીકા પત્‍નિ મયુરીબેન અને બે બાળકો સાથે સુર્યનગરમાં માતાની ઘરેથી સ્‍ટર્લીંગ પાછળ પોતાના ઘરે જતા હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૧૮: શહેરના દોઢસો ફૂટ રોડ પર કે.કે.વી. હોલ ઓવરબ્રીજ ઉપર ઇલેકટ્રીક મોટર સાયકલ સ્‍લીપ થતા શિક્ષક દંપતી તથા તેના બે બાળકોને ઇજા થતા શિક્ષક પતિનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોજ સ્‍ટર્લીંગ હોસ્‍પિટલની પાછળ રવી રેસીડેન્‍સીમાં રહેતા મયુરીબેન પુનીતભાઇ બગડા (ઉ.વ. ૪૦) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મયુરીબેને જણાવ્‍યું છે કે પોતે લોધીકાના દેવડા પ્રાથમીક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. પોતાને સંતાનમાં પુત્રી શાનવી (ઉ.વ. ૮) અને પુત્ર રિધ્‍ય (ઉ.વ. ૪) નો છે. પતિ પુનીતભાઇ માધવજીભાઇ બગડા (ઉ.વ. ૪૦) લોધીકાના ખીરસરા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગઇકાલે સાંજે પોતે, પતિ પુનીતભાઇ અને બંને બાળકો ચારેય ઇલેકટ્રીક મોટર સાયકલમાં બેસી લક્ષ્મીનગર ચોક પાસે સુર્યનગર શેરી નં. ર માં પોતાના માતાના ઘરે ગયા હતા બાદ રાત્રે ચારેય મોટર સાયકલમાં પોતાના ઘરે જતા હતા ત્‍યારે કે.કે.વી. હોલ ઓવરબ્રીજ ઉપર પહોંચતા પતિએ કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્‍લીપ થતા ચારેય ફંગોળાઇ ગયા હતા. પોતાને જમણા હાથ તથા બંને બાળકોને સામાન્‍ય ઇજા થઇ હતી જયારે પતિને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ત્‍યાં પુલ ઉપર પસાર થતા કોઇ કાર ચાલકે ઉભા રહીને ચારેયને તેની કારમાં સ્‍ટર્લીંગ હોસ્‍પિટલે ખસેડાયા હતા ત્‍યાં પતિ પુનીતભાઇનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. યુ. આર. ભટ્ટે તપાસ હાથ ધરી છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે

(4:03 pm IST)