Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કોઠારીયા સોલવન્ટ પાસે હિટ એન્ડ રનઃ કારના ચાલકે ચારને ઉલાળ્યાઃ કાજલબેન ડેરનું મોતઃ તેના પતિ સહિત ૩ને ઇજા

રીબડા કારખાને કામે ગયા'તાઃ રિક્ષામાંથી ઉતરી રોડ ઓળંગતા હતાં ત્યારે બનાવ : આજીડેમ પોલીસે મૃતકના પતિ મયુરભાઇ ડેરની ફરિયાદ નોંધીઃ મયુરભાઇ, તેના મામાનો દિકરો હિતેષભાઇ, તેના પત્નિ સુરભીબેન સારવારમાં

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક સિતારામ સોસાયટીની સામેના ભાગના રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં આહિર યુવાન, તેના પત્નિ, મામાનો દિકરો અને મામાના દિકરાની પત્નિ એમ ચારને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી આહિર યુવાનના પત્નિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ પાસે સિતારામ સોસાયટીમાં રહેતાં મયુરભાઇ લખુભાઇ ડેર (ઉ.વ.૨૭) તથા તેના પત્નિ કાજલબેન (ઉ.વ.૨૫), મામાનો દિકરો હિતેષ ભુપતભાઇ ગંગાણી (ઉ.વ.૨૩) અને તેની પત્નિ સુરભી હિતેષ (ઉ.વ.૨૦)   રીબડા ફેકટરીમાં કામ કરવા ગયા હતાં. ત્યાંથી સાંજે પરત રાજકોટ આવવા કારખાનાની રિક્ષામાં બેઠા હતાં.

રિક્ષા કોઠારીયા સોલવન્ટ સિતારામ સોસાયટી સામેના રોડ પર ઉભી રહેતાં તેમાંથી ચારેય ઉતરીને સામેના રોડ પર જવા રસ્તો ઓળંગી રહ્યા હતાં. આ વખતે પુરપાટ ઝડપે એક કાર આવી હતી અને આ ચારેયને ઠોકરે ચડાવી ભાગી ગઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

અકસ્માતમાં કાજલબેન મયુરભાઇ ડેરને માથા-મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. તેના પતિ સહિત ત્રણને સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મનહરસિંહ સહિતે જરૂરી કાર્યવાહી કરી ઘાયલ થયેલા મયુરભાઇ ડેરની ફરિયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. વધુ  તપાસ શરૂ પીઆઇ વી. જે. ચાવડા કરી રહ્યા છે. બનાવને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(11:48 am IST)