Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

હત્યા બાદ પત્નિની લાશ ડેકીમાં નાંખી બે માસુમ પુત્રોને પણ એ જ કારમાં બેસાડી બાલકૃષ્ણ લાશ ફેંકી આવ્યો'તો!

૪ વર્ષનો પુત્ર ધ્રુવ અને ૨ વર્ષનો પુત્ર શુભમ્ મમ્મીને યાદ ન કરે એ માટે મોબાઇલ ફોન રમવા આપી દીધા'તા : માસીયાઇ ભાઇ સિધ્ધાર્થની મદદગારીઃ પત્નિ સતત કલેશ કરતી હતી, નાની નાની વાતે કચકચ અને ઝઘડા કરતી એટલે મારી નાંખ્યાનું બાલકૃષ્ણનું રટણઃ જરાય અફસોસ નથીઃ કોરોના ટેસ્ટ બાદ ધરપકડ : પત્નિના કાતિલ બાલકૃષ્ણને જરાય અફસોસ નથીઃ લોકઅપમાં નિરાતે ઉંઘ ખેંચી લીધી...

રાજકોટ તા. ૧૮: 'રોજ રોજ નાની નાની વાતમાં એ કચકચ અને ઝઘડા કરતી હતી એટલે કંટાળી ગયો હતો...અંતે એનો કાંટો કાઢી નાંખ્યો'...પત્નિ તરૂણાને માથામાં સળીયાના ઘા ફટકારી હત્યા કરી માસીયાઇ ભાઇ સાથે મળી પત્નિની લાશ કારની ડેકીમાં નાંખી કણકોટની સીમમાં ફેંકી આવનાર ગાયત્રીનગર-૨/૧૧માં 'સ્વામિનારાયણ' નામના મકાનમાં રહેતાં બાંધકામ કોન્ટ્રાકટર બાલકૃષ્ણ ઉર્ફ વિપુલ વેલજીભાઇ ટાંક (કડીયા)એ આ રટણ કર્યુ હતું. ચોંકાવનારી વાત એ છે કે જે કારની ડેકીમાં પત્નિની લાશ હતી એ કારમાં જ ચાર અને બે વર્ષના માસુમ પુત્રોને પણ બેસાડ્યા હતાં અને બંનેને સાથે રાખીને જ લાશનો નિકાલ કરવા ગયો હતો. રસ્તામાં પુત્રો મા ને યાદ ન કરે એ માટે બંનેને મોબાઇલ ફોન રમવા આપી દીધા હતાં. આ માસુમોને કયાં ખબર હતી કે પોતાની માતાને પપ્પાએ જ પતાવી દીધી છે! આજે પણ માસુમોને માતા હયાત નહિ હોવાની સવાર સુધી ખબર પડી નહોતી.

ગાયત્રીનગરની તરૂણાબેન બાલકૃષ્ણ રાઠોડ (ઉ.૩૦)ની હત્યામાં આજીડેમ પોલીસે હત્યાનો ભોગ બનેલી તરૂણાબેનના ભાઇ હસનવાડી મેઇન રોડ પર રહેતાં નિકુંજ રામજીભાઇ રાઠોડ (ઉ.૩૦)ની ફરિયાદ પરથી બનેવી બાલકૃષ્ણ ઉર્ફ વિપુલ વેલજીભાઇ ટાંક (ઉ.૩૨) તથા તેના વિપુલના માસીયાઇ ભાઇ સિધ્ધાર્થ રમેશભાઇ રાઠોડ (ઉ.૧૮-રહે. માધાપર ચોકડી) સામે આઇપીસી ૩૦૨, ૨૦૧, ૨૦૩, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યા કરી લાશનો નિકાલ કરી પત્નિ ગૂમ થઇ ગયાની ખોટી માહિતી પોલીસને આપ્યાનો ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે.

નિકુંજ રાઠોડે જણાવ્યું છે કે મારે ત્રણ બહેનો છે. જેમાં સૌથી મોટા નિર્મળાબેન અને તેનાથી નાના તરૂણાબેન  તથા ક્રિષ્નાબેન છે. હું સૌથી નાનો છું. મારા લગ્ન થઇ ગયા છે અને એક પુત્રી છે. માતાનું નામ દમયંતિબેન છે, પિતા રામજીભાઇ રાઠોડ  અને માતા મારી સાથે જર હે છે. ૧૫/૭ના રાતે મારા પિતા અમારા ગામ જામનગરના જામવંથલી તાબેના ચાવડા ગામે હતાં ત્યારે ત્યાંથી રાતે દસેક વાગ્યે મને ફોન કરી કહ્યું હતું કે-તારા બનેવી બાલકૃષ્ણ ઉર્ફ વિપુલના મોટા ભાઇ પરેશભાઇ ટાંકનો ફોન આવ્યો હતો. તેણે એવું કહ્યું છે કે કોઠારીયા રામેશ્વર સોસાયટીમાં તમારી દિકરી તરૂણા અને મારો ભાઇ બાલકૃષ્ણ મકાનની સાફ સફાઇ કરવા ગયા ત્યાંથી સાંજે પાંચેક વાગ્યે તમારી દિકરી કોઇને જાણ કર્યા વગર જતી રહી છે.

મારા પિતાની આ વાત સાંભળી મેં મારા મોટા બનેવીને વાત કરી હતી. એ પછી અમે બંને તથા નાના બનેવી મળી બાલકૃષ્ણ ઉર્ફ વિપુલના ઘરે ગયા હતાં. ત્યાંથી આજીડેમ પોલીસ મથકે જાણ કરવા જવાનું કહેતાં બાલકૃષ્ણ પણ સાથે આવેલ. ગૂમ થયાની જાણ કર્યા પછી અમે અમારી રીતે શોધખોળ કરતાં હતાં. ત્યાં શુકવરારે મારા બનેવી બાલકૃષ્ણ ઉર્ફ વિપુલની પોલીસે પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે- હું અને તરૂણા તથા મારા બે બાળકો અને મારા માસીનો દિકરો સિધ્ધાર્થ કોઠારીયા રોડ પર રામેશ્વર સોસાયટીમાં આવેલા મારા મકાનની સાફ સફાઇ કરવા માટે સાંજે ગયા હતાં. હું અને તરૂણા નીચેના માળે સફાઇ કામ કરતાં હતાં. બાળકો અને સિધ્ધાર્થ બીજા માળે હતાં. ત્યારે તરૂણા સાથે બોલાચાલી થતાં મેં તેને લોખંડનો સળીયો માથામાં ફટકારી દેતાં લોહી નીકળ્યા હતાં અને તે પડી ગઇ હતી. તે કંઇ બોલતી ન હોઇ મેં સિધ્ધાર્થને નીચે બોલાવ્યો હતો અને મારી સુઝુકી એસ-ક્રોસ કાર જીજે૦૩જેએલ-૫૩૧૨ની ડેકીમાં પત્નિ તરૂણાની લાશ મુકી દીધી હતી અને બાદમાં કણકોટ મવડી રોડ પર સીટીલાઇટ પાર્ટી પ્લોટની સામે જશવંતપુર ગામ તરફ જતાં રસ્તાની જમણી બાજુ ખરાબામાં પથ્થરોના ઢગલામાં લાશ ફેંકી દીધી હતી. પોલીસે તપાસ કરી મારા બહેનની લાશ શોધી કાઢી હતી અને મને જાણ કરી હતી.

નિકુંજે વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે મારા બનેવી બાલકૃષ્ણ ઉર્ફ વિપુલને સુરત રહેતી તેના જ કોઇ સગાની દિકરી સાથે લફરૂ હતું. આ કારણે તે મારી બહેનથી અલગ પડવા માંગતો હતો. મારી બહેનનો કાંટો કાઢી નાંખવા તે સતત પ્રયાસ કરતો હતો અને ૧૫મીએ બહેનની હત્યા કરી નાંખી હતી. એ પછી અમારી સામે બહેન ગૂમ થઇ ગયાનો ઢોંગ ઉભો કર્યો હતો અને ગૂમ થયાની જાણ કરવા પણ પોલીસ સ્ટેશને સાથે આવ્યો હતો.

નિકુંજે એમ પણ કહ્યું હતું કે-બનેવીની સાથે તેના માસીયાઇ ભાઇએ પણ મદદ કરી છે. બીજા કુટુંબીજનો પણ કદાચ આ કાવત્રામાં સામેલ હશે.

ડીસીપી પ્રવિણકુમાર મીના, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ પટેલ, રાઇટર ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઇ પરમાર,  ઘનુભા ચોૈહાણ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા સહિતની ટીમ વધુ તપાસ કરે છે. બંને આરોપીને સકંજામાં લઇ લીધા છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડ થશે. બાલકૃષ્ણ ઉર્ફ વિપુલે એવું રટણ કર્યુ છે કે મારી પત્નિ તરૂણા છેલ્લા ઘણા સમયથી સતત નાની નાની વાતે કચકચ કરતી હતી, માથાકુટ કરતી હતી. મારી બા સાથે ઝઘડા કરતી હતી આ કારણે હું ખુબ કંટાળી ગયો હતો એટલે મારી નાંખી હતી. તેને જરાય અફસોસ ન હોય તેમ રાતે નિરાંતે લોકઅપમાં સુઇ ગયો હતો.

ચોંકાવનારી બાબત એ છે કે હત્યા બાદ પત્નિની લાશ જે કારની ડેકીમાં મુકી હતી એ કારમાં જ બે માસુમ પુત્રો શુભમ્ (ઉ.૪) અને ધ્રુવ (ઉ.૪)ને પણ બેસાડ્યા હતાં. બંનેને સાથે લઇને જ લાશનો નિકાલ કરવા ગયો હતો. બાળકો રસ્તામાં મમ્મીને યાદ ન કરે એ માટે મોબાઇલ રમવા આપી દીધા હતાં!...પોતાના જ બે પુત્રોને મા વિહોણા કરી નાંખનાર બાલકૃષ્ણ ઉર્ફ વિપુલના કૃત્ય પર સૌ ફિટકાર વરસાવી રહ્યા છે.

બાલકૃષ્ણ બે ભાઇમાં નાનો છે અને બાંધકામનો ધંધો કરે છે. તે મુળ જામનગરના જામવંથલીનો વતની છે. વર્ષોથી પરિવાર સાથે રાજકોટ સ્થાયી થયો છે. કરૂણતા એ છે કે આજ સવાર સુધી માસુમ બાળકોને પોતાની મમ્મી હયાત નહિ હોવાની ખબર નહોતી પડવા દેવામાં આવી.

બાલકૃષ્ણને છોડતા નહિ, એણે પોતાના લફરાને કારણે જ મારી બહેનને પતાવી દીધી છેઃ ભાઇ નિકુંજનો વલોપાત

રાજકોટ તા. ૧૮: 'બનેવી બાલકૃષ્ણ ઉર્ફ વિપુલને સુરતની યુવતિ સાથે લફરૂ હતું, એને ઘરમાં બેસાડવી'તી એટલે કાવત્રુ ઘડીને મારી બહેન તરૂણાનો કાંટો કાઢી નાંખ્યો છે...હત્યા બાદ બનેવી વિપુલે મારી બહેનના મોબાઇલમાંથી પોતાના મોબાઇલમાં અને મારા પિતાના મોબાઇલમાં મેસેજ પણ મોકલ્યા હતાં. જેમાં મારી બહેન જાતે નીકળી ગઇ હોવાનો ખોટો ઉલ્લેખ કરી પોલીસને અને અમને આડા પાટે ચડાવ્યા હતાં. પણ પાપનો ઘડો છલકાઇ ગયો...હવે આ હત્યામાં સામેલ બધાને આકરામાં આકરી સજા અપાવજો, બાલકૃષ્ણને છોડતા નહિ'...પતિના હાથે હત્યાનો ભોગ બનેલી તરૂણાના ભાઇ  નિકુંજ રામજીભાઇ રાઠોડે આ વાત કરી હતી.

(12:20 pm IST)