Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મહાપર્વ પર્યુષણના ચોથા દિવસે દેરાસરોમાં પ્રારંભ થતુ કલ્પસૂત્ર વાંચન નહીં યોજાય

તપ-ત્યાગ-ઉપાસના સાથે જિનભકિતમાં લીન જૈન સમાજ

કાલે જૈનો મહાવિર સ્વામીના જન્મના વધામણા કરશેઃ સંઘ જમણ-સ્વામી વાત્સલ્ય મોકુફ

 

દેરાસરોમાં પરમાત્માને અંગરચનાઃ જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણ દરમિયાન શહેરના દેરાસરોમાં પરમાત્માને વિવિધ આંગી કરવામાં આવે છે. હાલ કોરોનાની સ્થિતિને કારણે ફુલ, અનાજ વગેરેની અંગરચના કરવામાં આવતી નથી. તૈયાર વસ્તુઓના ઉપયોગ દ્વારા જ આંગી રચવામાં આવે છે. મણીયાર દેરાસર તથા જાગનાથ દેરાસર ખાતે શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી સુપાર્શ્વનાથ દાદા, શ્રી ઋષભદેવ પ્રભુને આંગી રચવામાં આવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૮: પર્વાધીરાજ પર્યુષણનો આજે ચોથો દિવસ છે. કોરોના મહામારીમાં પણ જૈનો ઘરેથી જ ધર્મ આરાધનામાં લીન છે. પ્રતિક્રમણ, સહિતની ધાર્મિક ક્રિયાઓ ઓનલાઇન, પુસ્તક દ્વારા કે પછી શ્રાવક-શ્રાવીકા દ્વારા કરી રહ્યા છે.

આજના દિવસે પૂ. ગુરૂભગવંતોને કલ્પસૂત્રના ચઢાવા બોલનાર પવિત્ર ગ્રંથ વહોરાવે છે. જૈનોના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રની રચના આચાર્યદેવશ્રી ભદ્રબાહુંસૂરીશ્વરજીએ કરી છે. આજના દિવસે સામાન્ય સ્થિતિમાં ગુરૂભગવંતો દ્વારા કલ્પસૂત્રનું વાંચન શરૂ કરવામાં આવે છે. આ મહાપવિત્ર શાસ્ત્રમાં શરૂઆતમાં આ એકલય આદીદશ આચારનું વર્ણન કરાયુ છે. પર્યુષણના ત્રણ દિવસમાં શ્રાવકના આચારનું વર્ણન કરાયા બાદ આજથી સાધના આધાર અને ત્યારબાદ ભગવાન મહાવિર સ્વામીના જીવનનું વિસ્તારથી વર્ણન છે. ર૩ તીર્થકર ભગવંતોનું સંક્ષીપ્ત વર્ણન ત્યાર પછી મહાવિર ભગવાનની પાટ પરંપરાનું વર્ણન અને છેલ્લે સાધુની સમાચારીનું વર્ણન કરાયુ છે.

ગુરૂભગવંતો દ્વારા કલ્પસૂત્ર વાંચનના પ્રથમ વ્યાખ્યાનમાં ધર્મસાથી તરીકે નવાજેલા પ્રભુ મહાવિર સ્વામીએ ઉન્માર્ગ ગયેલા મેધકુમાર મુનિને કઇ રીતે સન્માર્ગ પર લાવ્યા તેનું વર્ણન કરાયું છે. બપોરના બીજા વ્યાખ્યાનમાં મુખ્ય રીતે મહાવિર પ્રભુના ર૭ ભવનું વર્ણન કરવામાં આવે છે. સાથો સાથ માતા ત્રીશલાને આવેલ પ્રથમ ચાર સ્વપ્ન ગજવર, વૃષભ, સિંહ તથા લક્ષ્મીદેવીનું વર્ણન કરાય છે. કાલે પાંચમા દિવસે સામાન્ય સ્થિતિમાં પ્રભુજીના જન્મ વધામણા અને માતા ત્રિશલાના ૧૪ સ્વપ્નાઓની ઉછામણી કરવામાં આવે છે.

કોરોનાના કારણે આ વર્ષે સંઘો દ્વારા પાંચમા દિવસે થતુ સંઘ જમણનું આયોજન પણ યોજવામાં આવ્યું નથી. ઉપરાંત ૧૪ સ્વપ્નાઓની ઉછામણી પણ નહીં થાય.

(12:13 pm IST)