Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ડેરીની તમામ બેઠકો બિનહરીફઃ ટીમ જયેશ રાદડિયાને સફળતા

રાજકોટ, તા., ૧૭: જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી)ની સંચાલક મંડળની ચુંટણીમાં તમામ ૧૪ બેઠકો બિનહરીફ થઇ છે. જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા અને તેમની ટીમને ચુંટણી ટાળવામાં સફળતા મળી છે. રાદડીયા ઉપરાંત સહકારી અગ્રણીઓ  ગોવિદભાઇ રાણપરીયા, ગોરધનભાઇ ધામેલીયા, અરવિંદ તાળા વગેરેની મહેનત લેખે લાગી છે. જસદણ પંથકની અમુક બેઠકોમાં સમાધાનમાં અર્જુન ખાટરીયા પણ સહયોગી બન્યા હતા.

ડેરીની મંડળી વિભાગની ૧૩ અને ઇતર વિભાગની ૧૪ બેઠકોની ચુંટણી જાહેર થયેલ. ફોર્મ ભરવાના અંતીમ દિવસે માંડ પ બેઠકો બીનહરીફ થાય તેવી સ્થિતિ હતી. જયેશ રાદડીયાની ટીમે બાકીની બૈઠકોના અન્ય ઉમેદવારોને બોલાવી સમજાવી ક્રમશઃ ફોર્મ પાછા ખેંચાવ્યા છે. સહકારી ક્ષેત્રે બહુમતીથી નહી પણ સર્વાનુમતીથી શાસન ચાલે તેવી આ ટીમની નેમ છે. આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં ફોર્મ પાછા ખેંચવાનો સમય હતો પરંતુ તે પુર્વે ગઇકાલે બપોર સુધીમાં તમામ વધારાના ફોર્મ પાછા ખેંચાઇ જતા બધી બેઠકો બીનહરીફ થઇ ગઇ છે. જેની સતાવાર જાહેરાત હવે પછી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેરીમાં બે દાયકાથી રાદડીયા જુથના રાણપરીયા ચેરમેન છે. આ વખતે ફરીથી તેઓ અથવા ધામેલીયા ચેરમેન બને તેવા સંજોગો છે. બધી બેઠકો બીનહરીફ થઇ જતા હવે સુકાનીઓની ચુંટણી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(3:47 pm IST)